- લિસ્ટ-A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો
- 159 બોલમાં 10 ફોર અને 16 સિક્સરની મદદથી 220 રન ફટકાર્યા
- છેલ્લી 8 ઇનિંગ્સમાં છઠ્ઠી અને લિસ્ટ-A કરિયરની 13મી સદી ફટકારી
વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પણ ઋતુરાજ ગાયકવાડનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. મહારાષ્ટ્રના કેપ્ટને યુપી સામે અણનમ 220 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
વિજય હજારે ટ્રોફીમાં ગાયકવાડની ડબલ સેન્ચૂરી
ઋતુરાજ ગાયકવાડે સોમવારે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં તેણે યુપી સામે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. જેમાં 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. તેણે એક જ ઓવરમાં 7 છગ્ગા સહિત 43 રન બનાવ્યા હતા. આ કારણે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 વિકેટે 330 રનનો સારો સ્કોર બનાવ્યો છે. ટૂર્નામેન્ટની છેલ્લી 8 ઇનિંગ્સમાં ઋતુરાજની આ છઠ્ઠી સદી છે. આ પરથી તેના શ્રેષ્ઠ ફોર્મનો અંદાજ લગાવી શકાય છે. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો ભાગ રહ્યો છે. 25 વર્ષીય ઋતુરાજની લિસ્ટ-એ કરિયરની આ 13મી સદી છે.

લિસ્ટ-A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર
લેફ્ટ આર્મ સ્પિનર શિવા સિંહ ઇનિંગની 49મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે 5મો બોલ નો બોલ નાખ્યો. આના પર પણ ઋતુરાજે સિક્સર ફટકારી હતી. આ રીતે તેણે ઓવરમાં 7 સિક્સર અને નો બોલ સહિત કુલ 43 રન બનાવ્યા. તે લિસ્ટ-A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. મેચની શરૂઆતમાં યુપીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 41 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલ ત્રિપાઠી 9 અને સત્યજીત 11 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ કેપ્ટન અને ઓપનર ઋતુરાજ ગાયકવાડ એક બાજુએ ઉભો રહ્યો. તેણે અંકિત બાવને સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. અંકિત 54 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો.
ગાયકવાડે 109 બોલમાં સદી પૂરી કરી
ઋતુરાજ ગાયકવાડે 109 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. અને 138 બોલમાં 150 રન પૂરા કર્યા. એટલે કે તેના પછીના 50 રન માત્ર 29 બોલમાં આવ્યા. તે 159 બોલમાં 220 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તેણે અજી કાઝી સાથે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. અઝીમ 42 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. કાર્તિક ત્યાગી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 66 રનમાં 3 વિકેટ લીધી હતી.

ઋતુરાજનો લિસ્ટ-A મેચોમાં રેકોર્ડ
ઋતુરાજે ભારત માટે એક ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચ પહેલા તેણે 69 લિસ્ટ-A મેચોમાં 55ની એવરેજથી 3,538 રન બનાવ્યા હતા. જેમાં 12 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. અણનમ 187 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેણે ઓવરઓલ T20માં 3 સદી પણ ફટકારી છે.









