- પેરિસ ઓલિમ્પિકમાં ભારતને રેસલિંગમાં મોટો ઝટકો લાગ્યો હતો
- વિનેશ ફોગાટ ઓવર વેઈટ હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી
- 100 ગ્રામથી વધુ વજન હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવી હતી
પેરિસ ઓલિમ્પિક 2024માં 7 ઓગસ્ટની તારીખ ભારત માટે દુઃસ્વપ્નથી ઓછી નથી. આ દિવસે, વિનેશ ફોગાટની 50 કિગ્રા વર્ગની કુસ્તી ફ્રીસ્ટાઇલની ફાઇનલ મેચ યોજાવાની હતી અને દરેકને આશા હતી કે તે ગોલ્ડ જીતશે. તેણે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્રભાવશાળી શૈલીમાં મેચો જીતી હતી. પરંતુ 7 ઓગસ્ટે સમાચાર આવ્યા કે વિનેશનું વજન લગભગ 100 ગ્રામ વધારે હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. જેના કારણે કરોડો ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું હતું. નિયમો અનુસાર, હવે તેને કોઈ મેડલ નહીં મળે અને તે આ ઈવેન્ટમાં સૌથી છેલ્લે રહેશે.
અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટની પહેલી તસવીર સામે આવી છે. તેમાં તેના ચહેરા પર સ્મિત જોવા મળે છે અને તેના વાળ ટૂંકા દેખાય છે. કારણ કે તેણે વજન ઘટાડવા માટે પોતાના વાળ કપાવ્યા હતા. તસવીરમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ચીફ પીટી ઉષા તેના ખભા પર હાથ મૂકીને તેને કંઈક કહેતા જોવા મળે છે.













