- વિરાટ કોહલી જોરદાર ઉત્સાહમાં જોવા મળ્યો હતો
- વિરાટે બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન ડાન્સ કર્યો
- વિરાટે આપ્યું આ વચન
ટી20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીનું બેટ હજુ સુધી ચાલ્યું નથી. તે 3 મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો છે. પરંતુ હવે તેના બેટથી સુપર 8 રાઉન્ડમાં રનનો વરસાદ થવાની આશા છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે અફઘાનિસ્તાન સામે સુપર 8 રાઉન્ડની પહેલી મેચ રમવાની છે અને તે પહેલા તેના ખેલાડીઓએ નેટમાં ઘણો પરસેવો પાડ્યો હતો. ખાસ કરીને વિરાટ કોહલી જોરદાર ઉત્સાહમાં જોવા મળ્યો હતો અને તેણે સ્લોગ સ્વીપ, રિવર્સ સ્વીપ અને કટ-પુલ જેવા શોટ રમ્યા હતા. પરંતુ શાનદાર બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન તેને ડાન્સ પણ શરૂ કરી દીધો હતો.
પ્રેક્ટિસ દરમિયાન વિરાટે કેમ ડાન્સ કરવાનું શરૂ કર્યું?
વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના નેટમાં તમામ પ્રકારના બોલરોનો સામનો કરી રહ્યો હતો. કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અન્ય ફાસ્ટ બોલરો પણ તેને પ્રેક્ટિસ કરાવતા હતા. અર્શદીપ સિંહે પણ તેની પાસે બોલિંગ કરી અને આ ફાસ્ટ બોલરે તેને બાઉન્સર ફેંક્યો. વિરાટ કોહલીએ અર્શદીપના બાઉન્સર પર સિક્સર ફટકારી અને તે પછી તેણે ડાન્સ કરવાનું શરૂ કર્યું. વિરાટ કોહલીને જોઈને સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે છેલ્લી ત્રણ મેચોની નિષ્ફળતાની આ ખેલાડી પર કોઈ અસર થઈ નથી.
વિરાટે 100 સદીનું આપ્યું વચન
વિરાટ કોહલી જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો મહાન ફાસ્ટ બોલર વેસ્લે હોલ પણ તેને મળવા આવ્યો હતો. બાર્બાડોસના આ અનુભવીએ તેને તેમનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. વિરાટે તેની સાથે થોડો સમય વિતાવ્યો. વેસ્લે હોલે વિરાટને કહ્યું કે તેણે ઘણા મહાન ખેલાડીઓને બેટિંગ કરતા જોયા છે અને તમે પણ તેમાં સામેલ છો. વેસ્લે હોલે કહ્યું કે તે વિરાટના કરિયરને અનુસરી રહ્યો છે. વેસ્લે હોલે તેને થોડી વધુ સદી ફટકારીને 100 સદી પૂરી કરવા કહ્યું. જેના પર વિરાટ કોહલીએ હા પાડી.
અફઘાનિસ્તાન સામે શાનદાર છે વિરાટનો રેકોર્ડ
વિરાટ કોહલીનો અફઘાનિસ્તાન સામે સારો રેકોર્ડ છે. તેને આ ટીમ સામે 4 ઈનિંગ્સમાં 201 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 67 અને સ્ટ્રાઈક રેટ 170થી વધુ છે. મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ આ ટીમ સામે પોતાની પહેલી ટી20 ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી. આશા છે કે તે આ ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે મોટી ઈનિંગ્સ રમતા જોવા મળશે.