બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શ્રેણીમાં એક-એકની ટાઈ બાદ હવે બંને ટીમો લીડ લેવાના ઈરાદા સાથે 14મી ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાનમાં સામસામે ટકરાશે. આ સાથે ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી પોતાના નામે એક ખાસ સિદ્ધિ નોંધાવશે. વાસ્તવમાં, વિરાટ કોહલી તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયા સામે ગાબા ટેસ્ટ દ્વારા રમશે. ત્રીજી ટેસ્ટમાં વિરાટ મેદાનમાં ઉતરતાની સાથે જ ઓસ્ટ્રેલિયા સામે અનોખી સદી ફટકારી દેશે.


110 મેચ સાથે ટોચ પર છે સચિન તેંડુલકર

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 100 મેચ રમનાર માત્ર બીજો ક્રિકેટર બનશે. તેમના પહેલા આ કારનામું 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકરે કર્યું હતું. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે કુલ 110 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 6707 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 49 વનડે, 27 ટેસ્ટ અને 23 ટી-20 મેચ રમી છે. હવે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયા સામેની 100મી મેચમાં વિરાટ શું કરે છે, પરંતુ તે પહેલા રવિન્દ્ર જાડેજાએ વિરાટના ક્રિકેટના ખાસ માઈલસ્ટોન અને તેના જન્મદિવસના અવસર પર જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. જાડેજાએ વિરાટના ખાસ દિવસોના અવસરને બિરદાવ્યો હતો. આવો એક નજર કરીએ આ ખાસ સંયોગ પર.

વિરાટ કોહલીની ખાસ મેચોમાં રવિન્દ્ર જાડેજાનું જોરદાર પ્રદર્શન

  • જાડેજાએ કોહલીની 100મી વનડેમાં 5 વિકેટ ઝડપી હતી. પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
  • વિરાટ કોહલીની 100મી ટેસ્ટમાં પણ જાડેજા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. 175 અણનમ રન બનાવ્યા. 9 વિકેટ લીધી હતી.
  • કોહલીએ જ્યારે કેપ્ટન તરીકે પોતાની 50મી T20 મેચ રમી ત્યારે જાડેજાએ 3 વિકેટ લીધી હતી. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
  • 2015 માં, વિરાટ કોહલીના 27માં જન્મદિવસના અવસર પર, જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 8 વિકેટ લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
  • 2021માં સ્કોટલેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં જાડેજા ત્રણ વિકેટ લઈને પ્લે ઓફ ધ મેચ બન્યો હતો. ત્યારે કોહલીનો 33મો જન્મદિવસ હતો.
  • 2023 માં, વિરાટ કોહલીના 35માં જન્મદિવસ પર, રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે ODI વર્લ્ડ કપમાં 5 વિકેટ લીધી હતી.
  • વર્ષ 2024માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન જ્યારે વિરાટ તેની કારકિર્દીની 600મી ઈન્ટરનેશનલ ઈનિંગ રમી રહ્યો હતો, ત્યારે તે ખાસ અવસર પર જાડેજાએ મેચની બંને ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી.


  • Follow us on: