- હાર્દિક પંડ્યાએ પોતાના જ બોલ પર શાનદાર કેચ લીધો હતો
- 9મી ઓવરમાં હાર્દિકે ડેવોન કોનવેને કર્યો આઉટ
- બેટ્સમેન પણ આ કેચ પર વિશ્વાસ ન કરી શક્યોને થોડીક વાર ક્રીઝ પર ઉભો રહ્યો
ભારતીય ટીમ સામેની બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં વિકેટ લઈને પોતાનો નિર્ણય સાચો સાબિત કર્યો હતો. ત્યારબાદ ભારતીય બોલર્સનો દબદબો જોવા મળ્યો હતો અને પાવરપ્લેમાં જ કીવી ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી.
હાર્દિકે કેચ પકડ્યો
આ મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાના જ બોલ પર શાનદાર કેચ લીધો હતો. 9મી ઓવરમાં હાર્દિકનો બોલ ડેવોન કોનવે સામેની તરફ રમ્યો હતો. હાર્દિકે નીચે નમીને તેને ડાબા હાથે પકડ્યો હતો. બેટ્સમેન પણ આ કેચ પર વિશ્વાસ ન કરી શક્યો અને કોનવે થોડીવાર ક્રિઝ પર ઊભો રહ્યો. તેની 16 બોલની ઇનિંગ્સમાં કોનવેના બેટમાંથી માત્ર 16 રન જ આવ્યા હતા. આ કેચ બાદ હાર્દિકે વધારે ઉજવણી કરી ન હતી.
પાવરપ્લેમાં માત્ર 15 રન
મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડને ચોંકાવી દીધું હતું. ત્યારબાદ મોહમ્મદ સિરાજે ફરી એકવાર પાવરપ્લેમાં વિકેટ લીધી. ત્યારબાદ મોહમ્મદ શમીએ ડેરેલને પણ આઉટ કર્યો હતો. કેપ્ટન લાથમ 5મી ઓવરમાં શાર્દુલનો શિકાર બન્યો હતો.
ન્યૂઝીલેન્ડે 10 ઓવરમાં માત્ર 15 રન બનાવ્યા હતા અને 4 વિકેટ ગુમાવી હતી. વનડેના પ્રથમ પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ટીમે 2013માં શ્રીલંકા સામે પ્રથમ 10 ઓવરમાં 13 અને 2022માં ઓસ્ટ્રેલિયા સામે 14 રન બનાવ્યા હતા.
તો 15ના સ્કોર પર ન્યૂઝીલેન્ડે તેની 5મી વિકેટ પણ ગુમાવી દીધી હતી. 5 વિકેટ બાદ ન્યૂઝીલેન્ડનો આ સૌથી નાનો સ્કોર છે. અગાઉ 2001માં શ્રીલંકા પ્રવાસ પર ન્યૂઝીલેન્ડને 18ના સ્કોર પર 5મો ઝટકો લાગ્યો હતો. આ સાથે ભારત સામે સૌથી ઓછા સ્કોર પર પણ 5 વિકેટ પડી છે. ગત વર્ષે ઈંગ્લેન્ડે ભારત સામે 26 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.









