- ભારતમાં રમાનારી ODI વર્લ્ડ કપ માટે 10 ટીમો પૂરી થઈ
- શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમો વર્લ્ડ કપ માટેની છેલ્લી બે ટીમ બની
- વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે 8 ટીમો સીધી ક્વોલિફાય થઈ હતી
વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ભારતમાં રમાનારી ODI વર્લ્ડ કપ માટે 10 ટીમો પૂરી થઈ ગઈ છે. શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમો ઝિમ્બાબ્વેની યજમાનીમાં વર્લ્ડ કપ માટે રમાઈ રહેલી ક્વોલિફાયર મેચો દ્વારા વર્લ્ડ કપ માટેની છેલ્લી બે ટીમ બની હતી. ચાલો જાણીએ આ બંને ટીમો ક્યારે અને ક્યાં ટીમ ઈન્ડિયા સાથે ટકરાશે.
નેધરલેન્ડ્સે ગુરુવારે (6 જુલાઈ) સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, જ્યારે શ્રીલંકાએ ગયા અઠવાડિયે જ ક્વોલિફાય કર્યું હતું. હવે ટૂર્નામેન્ટ માટે ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેધરલેન્ડ તરીકે 10 ટીમો હાજર થઈ છે. આમાં, 8 ટીમો સીધી ક્વોલિફાય થઈ હતી અને બાકીની 2 ટીમો ક્વોલિફાયર મેચો દ્વારા આવી હતી.
ટીમ ઈન્ડિયા 2 અને 11 નવેમ્બરે ક્વોલિફાયર ટીમો સામે રમવાની છે. હવે 2 નવેમ્બરે ટીમ ઈન્ડિયા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ટકરાશે. આ પછી, 11 નવેમ્બરે, ભારતીય ટીમ એમ ચિન્નાસ્વામી, બેંગ્લોરમાં નેધરલેન્ડ સામે રમશે. બીજી તરફ મેન ઇન બ્લૂ વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે.
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારત વિ ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ.
ભારત વિ અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી.
ભારત વિ પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ.
ભારત વિ બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે.
ભારત વિ ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા.
ભારત વિ ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ.
ભારત વિ શ્રીલંકા, 2 નવેમ્બર, મુંબઈ.
ભારત વિ દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા.
ભારત વિ નેધરલેન્ડ, 11 નવેમ્બર, બેંગલુરુ.
ટીમ ઈન્ડિયા 2011 બાદ વર્લ્ડ કપ સેમિફાઈનલમાંથી બહાર
ભારતીય ટીમે છેલ્લે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાને 2015 અને 2019 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાંથી બહાર થવું પડ્યું હતું.