- રોહિત-વિરાટે વર્લ્ડકપ જીત્યા બાદ T20Iમાંથી નિવૃતિ લીધી
- બંને ખેલાડીઓ ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
- શ્રીલંકા સામેની ODI સિરીઝમાં રમી શકે છે રોહિત-વિરાટ
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બંને દિગ્ગજોની અચાનક નિવૃત્તિએ સૌને ચોંકાવી દીધા હતા. જોકે, બંને ખેલાડીઓ ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી વર્લ્ડ ચેમ્પિયન બનીને ક્યારે મેદાનમાં ઉતરશે?
ઝિમ્બાબ્વે પ્રવાસ જશે ભારતીય ટીમ
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2024 પછી તરત જ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર 5 મેચોની T20 સિરીઝ રમશે, જે શનિવાર, 06 જુલાઈથી શરૂ થશે. રોહિત અને વિરાટે T20 ઈન્ટરનેશનલમાંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ માટે આ શ્રેણીમાં રમવાનો કોઈ અર્થ નથી. ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણી માટે શુભમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
શ્રીલંકા સામે રમી શકે છે રોહિત-વિરાટ
આ પછી ટીમ ઈન્ડિયા વ્હાઇટ બોલની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI અને T20 સિરીઝ રમાશે. આ પ્રવાસની શરૂઆત T20 શ્રેણીથી થશે, જેની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. T20 સિરીઝની છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણી આવતા મહિને એટલે કે 2જી ઓગસ્ટથી શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વનડે સિરીઝ દ્વારા મેદાનમાં વાપસી કરી શકે છે. જોકે, રોહિત અને વિરાટની વાપસીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્યારે ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેદાન પર જોવા મળશે.
T20 વર્લ્ડકપ 2024માં રોહિત-વિરાટે અજાયબીઓ કરી
નોંધનીય છે કે રોહિત શર્માએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન સારું ફોર્મ બતાવ્યું હતું. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. રોહિતે 8 મેચની 8 ઈનિંગ્સમાં 36.71ની એવરેજ અને 156.71ની સ્ટ્રાઈક રેટથી 257 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી. બીજી તરફ વિરાટ કોહલી આખી ટૂર્નામેન્ટમાં ફ્લોપ દેખાયો હતો પરંતુ ફાઇનલમાં તેણે 59 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 76 રન બનાવ્યા હતા.