- પેરા તીરંદાજ શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા
- જમ્મુ-કાશ્મીરના વતની છે શીતલ દેવી
- પગથી તીરંદાજી કરીને આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય રમત પુરસ્કારોથી ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન આપનાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વિશ્વની નંબર વન પેરા તીરંદાજ શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત કુલ 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા
વિશ્વની નંબર વન પેરા તીરંદાજ શીતલ દેવીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શીતલ દેવી માટે 2023નું વર્ષ શાનદાર રહ્યું હતું. તેમણે પગની તીરંદાજીમાં સમગ્ર વિશ્વમાં અદભૂત પ્રદર્શન દર્શાવી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
બે ગોલ્ડ સહિત 3 મેડલ
શીતલ દેવીએ વર્ષ 2023માં હાંગઝોઉમાં યોજાયેલી ચોથી પેરા એશિયન ગેમ્સમાં ભારત માટે બે ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા હતા. આ સાથે, તે એક જ સિઝનમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા હતા. શીતલ દેવી ભારતની પ્રથમ મહિલા તીરંદાજ છે જેમને હાથ નથી. તે પોતાના પગથી જ તીરંદાજી કરે છે અને આમ કરીને તેમણે આખી દુનિયામાં પોતાનું નામ કમાવ્યું છે.
પિતા છે ખેડૂત
શીતલ દેવીની વાત કરીએ તો, તેનો જન્મ કિશ્તવાડ જિલ્લાના દૂરના ગામ લોઈ ધારમાં થયો હતો. જમ્મુ-કાશ્મીરની દીકરી શીતલ દેવીના પિતા નાના ખેડૂત છે. જ્યારે તેની માતા ગૃહિણી તરીકે કામ કરે છે. શીતલને જન્મથી જ બંને હાથ નહોતા. આવી સ્થિતિમાં, શીતલને પોતાને સ્થાપિત કરવા માટે ઘણા પડકારો હતા. તે શારીરિક રીતે ખૂબ જ નબળી હતી.
આખી દુનિયામાં નામ કમાયું
શીતલ દેવી માત્ર છાતી અને પગથી તીરંદાજી કરીને આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું. અર્જુન એવોર્ડ મળ્યા બાદ શીતલ દેવી ખૂબ જ ખુશ દેખાતા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે વૈષ્ણો દેવીના આશીર્વાદ તેમના પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી મળેલા આશીર્વાદ તેમના જીવન માટે અત્યંત અમૂલ્ય છે. તમને જણાવી દઈએ કે શીતલ દેવી નાનપણથી જ ફોકોમેલિયા નામની બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે તેમનું શરીર સંપૂર્ણ રીતે વિકસિત થઈ શક્યું નથી. જેના કારણે તેમને જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.