- પોતાની ડેબ્યૂ મેચમાં મયંક યાદવે 3 વિકેટ ઝડપી
- મયંક યાદવે ઓવરનો પહેલો બોલ 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો
- મયંકે ગયા વર્ષે અંડર-23 કર્નલ સીકે નાયડુમાં જોરદાર પ્રદર્શન કર્યું
IPL 2024ની 11મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 199 રન બનાવ્યા. પોતાની ડેબ્યૂ મેચમાં મયંક યાદવે 3 વિકેટ ઝડપી હતી. મયંક યાદવે જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ અને જીતેશ શર્માને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
મયંક યાદવે કર્યો કમાલ
મયંકે 12મી ઓવરના ચોથા બોલ પર જોની બેયરસ્ટોને પેવેલિયન મોકલ્યો હતો. આ ઓવરમાં મયંકની ગતિએ તબાહી મચાવી હતી. તેણે ઓવરનો પહેલો બોલ 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. IPL 2024માં અત્યાર સુધી ફેંકાયેલો આ સૌથી ઝડપી બોલ છે. આ સિવાય મયંક યાદવ IPLમાં 155થી વધુની ઝડપે બોલિંગ કરનાર બીજો ભારતીય બોલર બની ગયો છે. આ પહેલા ઉમરાન મલિકે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.
મયંકે ડેબ્યુ મેચમાં 3 વિકેટ ઝડપી
મયંક યાદવે ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને ત્રણ મોટી સફળતા અપાવીને મેચમાં વાપસી કરાવી હતી. મયંક યાદવે તેની 4 ઓવરમાં 6.8ની ઈકોનોમીથી માત્ર 27 રન આપીને 3 મહત્વની સફળતાઓ હાંસલ કરી હતી. મયંકે પંજાબના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યો હતો. જોની બેયરસ્ટો (42), પ્રભસિમરન સિંહ (19) અને વિકેટકીપર જીતેશ શર્મા (6)ને પોતાનો શિકાર બનાવ્યા હતા.
કોણ છે મયંક યાદવ?
મયંકની કારકિર્દી વિશે વાત કરીએ તો, તે દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને અત્યાર સુધી માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. મયંકે 17 લિસ્ટ-એ અને 10 ટી-20 મેચ રમી છે. મયંકના નામે લિસ્ટ-Aમાં 34 વિકેટ છે અને તેની ઈકોનોમી પણ 5.35 છે. T20માં મયંકે 6.44ની શાનદાર ઈકોનોમી સાથે 12 વિકેટ લીધી છે.
મયંકે ગયા વર્ષે અંડર-23 કર્નલ સીકે નાયડુમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને છ મેચમાં 15 વિકેટ લીધી હતી. જેમાં તેણે છત્તીસગઢ સામે એક જ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે બેટથી 66 રનનું યોગદાન પણ આપ્યું હતું.
મયંકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023-24માં પણ અસરકારક પ્રદર્શન કર્યું હતું. મયંકે ટૂર્નામેન્ટની 4 મેચમાં 5 વિકેટ લીધી હતી અને અહીં તેની ઈકોનોમી 6.5થી ઓછી હતી. આ સિવાય તેણે વિજય હજારે ટ્રોફીમાં પાંચ મેચમાં છ વિકેટ પણ લીધી હતી. 2023 દેવધર ટ્રોફીમાં નોર્થ ઝોન તરફથી રમતા મયંકે 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. આ વિકેટો 17.58ની એવરેજ અને 6થી ઓછી ઈકોનોમી પર આવી.