ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે. ભારતે 2-0થી જીત મેળવી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાવાની છે, જે 6 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે પ્રખ્યાત શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની બીજી સીઝનનો પ્રોમો વીડિયો છે.


આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેના સાથી ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળે છે. આ શોના એક પ્રોમોમાં રોહિત શર્માને એક રસપ્રદ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે તેની ભૂલી જવાની પ્રખ્યાત આદતથી સંબંધિત હતો. આ સવાલ સાંભળતા જ શ્રોતાઓમાં હાસ્યનો માહોલ છવાયો હતો.

કોણ છે ટીમ ઈન્ડિયાનો ગજની?

આ એપિસોડમાં અભિનેત્રી અર્ચના પુરણ સિંહે રોહિતને પૂછ્યું કે, ટીમ ઈન્ડિયાનો ગજની કોણ છે? આ સવાલ સાંભળીને તમામ ખેલાડીઓ હસવા લાગ્યા અને દર્શકો પણ હસવા લાગ્યા. રોહિત શર્માએ હસતાં-હસતાં જવાબ આપ્યો, "આ મારું સાચું ટાઈટલ છે." તેનો જવાબ સાંભળીને સૌકોઈ હસવા લાગ્યા હતા.


શોર્ટ ટર્મ મેમરી લોસથી પીડાતા ફિલ્મ 'ગજની'ના પાત્રની જેમ, રોહિત શર્માની ભૂલી જવાની આદતની તેના સાથી ખેલાડીઓએ ઘણી વખત મજાક ઉડાવી છે. તેના સાથીઓએ પહેલા પણ ઘણી વખત કહ્યું છે કે રોહિત ઘણીવાર તેનો ફોન, આઈપેડ, વોલેટ અને પાસપોર્ટ પણ ભૂલી જાય છે. આ ફની વાતચીત કપિલ શર્મા શોના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે, જ્યાં ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરોને અલગ અંદાજમાં જોઈ શકશે.

આ ખેલાડીઓને શોમાં દેખાશે

પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે રોહિત શર્માની સાથે સૂર્યકુમાર યાદવ, અર્શદીપ સિંહ, શિવમ દુબે અને અક્ષર પટેલ પણ શોનો ભાગ હશે. સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની T20 ફોર્મેટમાં કપ્તાની સંભાળી હતી, જ્યારે રોહિતે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

  • Follow us on: