• રોહિત શર્મા જાણતો હતો કે, વિરાટ કોહલીનો નિવૃત્તિનો નિર્ણય લઈ લીધો છે
  • રોહિત શર્માએ મેચ બાદ પુરસ્કારોના વિતરણમાં વિરાટ કોહલીને તક આપી
  • કોહલીના નિર્ણય બાદ રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય ટીમે લગભગ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલમાં T20 ફોર્મેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સિક્સર અને સૌથી વધુ સદીનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. જો કે ક્રિકેટ ચાહકોના મનમાં સતત એક સવાલ ચાલી રહ્યો છે કે રોહિત શર્માએ મેદાન પર જ નિવૃત્તિની જાહેરાત કેમ ન કરી? હવે આ સાથે જોડાયેલી માહિતી સામે આવી રહી છે કે ભારતીય કેપ્ટને મેદાન પર જ નિવૃત્તિની જાહેરાત કેમ ન કરી.

રોહિત શર્માએ આ કારણે આવું કર્યું

હકીકતમાં રોહિત શર્મા સારી રીતે જાણતા હતા કે ફાઈનલનું પરિણામ ગમે તે આવે વિરાટ કોહલીએ નિવૃત્તિનો નિર્ણય લઈ લીધો છે. જ્યારે ભારતીય ટીમ જીતી ગઈ ત્યારે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થતા જ વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આથી રોહિત શર્માએ મેચ બાદ પુરસ્કારોના વિતરણમાં વિરાટ કોહલીને તક આપી અને નિવૃત્તિની જાહેરાત કરી ન હતી. જો કે આ પછી તરત જ રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતીય કેપ્ટને પોતાની નિવૃત્તિ અને કારકિર્દી વિશે પણ વાત કરી હતી.

રોહિત શર્માએ કહ્યું હતું કે, તેણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું ક્યારેય વિચાર્યું ન હતું પરંતુ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાથી વધુ સારું શું હોઈ શકે. તેણે આગળ કહ્યું હતું કે હું મારા ભવિષ્ય વિશે આ રીતે નિર્ણય લેતો નથી હું તે જ કરું છું જે મને અંદરથી સારું લાગે છે. હું ભવિષ્ય વિશે વધુ વિચારતો નથી. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ પછી પણ મેં વિચાર્યું ન હતું કે હું આ વર્લ્ડ કપ રમીશ કે નહીં. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું T20માંથી નિવૃત્તિ લઈશ પરંતુ સંજોગો પરફેક્ટ છે તેથી વર્લ્ડ કપ જીત્યા પછી ગુડબાય કહેવું એક અદ્ભુત અનુભવ છે.


  • Follow us on: