• IPLની 16મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખરાબ રહ્યું છે
  • છેલ્લે RCB સામેની મેચમાં પણ હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો
  • ઉમરાન મલિકનો પ્લેઈંગ 11માં સમાવેશ ન થવાને લઈ પ્રશ્નાર્થ ઉભો થયો

IPLની 16મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ખરાબ પ્રદર્શનને કારણે સવાલોના ઘેરામાં છે. ભારતના સૌથી ઝડપી બોલર ઉમરાન મલિકને આ સિઝનમાં પ્લેઈંગ 11માં શા માટે જગ્યા આપવામાં આવી નથી તે અંગે સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન માર્કરમે ઉમરાન મલિક ના રમવા અંગે જે પ્રકારનો જવાબ આપ્યો છે તેના કારણે આ પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે.

ગુરુવારે બેંગ્લોર સામે રમાયેલી મેચ પહેલા માર્કરમને ઉમરાન મલિક ન રમવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં માર્કરમે કહ્યું કે સાચું કહું તો મને ખબર નથી. તે એવો ખેલાડી છે જે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. ઉમરાન 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરે છે. મને ખબર નથી પડદા પાછળ શું થઈ રહ્યું છે. પરંતુ ઉમરાન એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.

આ સિઝનમાં ઉમરાન મલિકને 12માંથી 7 મેચમાં રમવા મળ્યું હતું. જો કે આ દરમિયાન ઉમરાન મલિકનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું. ઉમરાન સાત મેચમાં માત્ર 5 વિકેટ લઈ શક્યો છે.

હૈદરાબાદનું પ્રદર્શન ખરાબ રહ્યું

જો કે ગયા વર્ષે ઉમરાન મલિકે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. 2022માં ઉમરાન મલિક બોલ સાથે અદ્ભુત કુશળતા દર્શાવતા 22 વિકેટ લેવામાં સફળ રહ્યો. આ પછી ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી. ઉમરાન મલિકે મર્યાદિત ઓવરોમાં 16 મેચ રમીને 24 વિકેટ ઝડપી હતી.

ઉમરાન મલિક કરામત ન કરી શકવાની અસર હૈદરાબાદના પ્રદર્શન પર પણ જોવા મળી. આ વર્ષે હૈદરાબાદની ટીમ 13માંથી માત્ર 4 મેચ જીતવામાં સફળ રહી છે. પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ છેલ્લા સ્થાને છે. હૈદરાબાદ પાસે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવાની કોઈ તક બાકી નથી.


  • Follow us on: