- BCCIએ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જારી કરીને નવી ચર્ચાને જન્મ આપ્યો
- ઇશાન કિશન અને શ્રેયસ ઐયરને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરાયા
- BCCIની સલાહના ઉલ્લંઘન બદલ બન્ને ખેલાડીઓને આ સજા અપાઇ છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બુધવારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જારી કરીને નવી ચર્ચાને જન્મ આપ્યો છે. BCCIએ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા છે. જોકે, BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે આવું શા માટે કરવામાં આવ્યું છે.
BCCIએ નિવેદનમાં કહ્યું, કે શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે યોગ્ય ગણવામાં આવ્યા નથી. બોર્ડે ભલામણ કરી છે કે તમામ એથ્લીટ્સ એ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાને પ્રાથમિકતા આપે જ્યારે તેઓ રાષ્ટ્રીય ટીમ માટે રમતા ન હોય.
જય શાહે આપી હતી ચેતવણી
નોંધનીય છે કે BCCI સેક્રેટરી જય શાહે પણ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને રણજી ટ્રોફીમાં તેમની રાજ્યની ટીમ તરફથી રમવાની સલાહ આપી હતી. બંનેએ આ સલાહનું પાલન ન કર્યું. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાં પણ અય્યરને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.
શ્રેયસે મુંબઈ તરફથી રણજી ટ્રોફી ન રમી
આ કારણે અવલા શ્રેયસે મુંબઈ માટે રણજીની છેલ્લી ગ્રુપ મેચ રમી ન હતી અને રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પણ તે ટીમનો ભાગ નહોતો. તેણે તેના રાજ્ય ક્રિકેટ બોર્ડને કહ્યું કે તેને પીઠની સમસ્યા છે, પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીના સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન વિભાગના વડાએ જણાવ્યું હતું કે ઐયરને કોઈ નવી ઈજા નથી.
ઇશાન કિશને આપ્યા બહાના
ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રાષ્ટ્રીય ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, પરંતુ તે ડીવાય પાટિલ T20 કપમાં રમીને ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો છે. જોકે, તે રણજી ટ્રોફીમાં ઝારખંડ ટીમનો ભાગ નહોતો.