- હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વીજ પુરવઠો કપાયો
- ચેન્નાઇ અને હૈદરાબાદની મેચ પહેલા સ્ટેડિયમનો વીજ પુરવઠો કપાયો
- HCA દ્વારા બીલ ચૂકવણી ન કરવાને કારણે વિજળી વિભાગની કાર્યવાહી
IPL 2024ની 18મી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટકરાશે. આ રોમાંચક મેચ પહેલા ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ મામલો હૈદરાબાદ ક્રિકેટ બોર્ડ (HCA) દ્વારા બીલ ચૂકવણી ન કરવાને કારણે વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.
મેચના પહેલા વીજ પુરવઠો કાપવામાં આવ્યો
IPL મેચના એક દિવસ પહેલા જ ઉપ્પલ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાવર કટ થયો હતો. તેલંગાણા સધર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (TSSPDCL) એ ₹3 કરોડથી વધુના બાકી લેણાંને કારણે ગુરુવાર, 4 એપ્રિલની સાંજે ક્રિકેટ સ્ટેડિયમનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. તાત્કાલિક કોર્ટના હસ્તક્ષેપ બાદ, ઉપ્પલ સ્ટેડિયમ મેનેજમેન્ટને TSSPDCL તરફથી નોટિસ આપવામાં આવી હતી. જેમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ને ડિસ્કોમને કુલ ₹1.63 કરોડની ઓછામાં ઓછી અડધી રકમ તાત્કાલિક ચૂકવવા વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે વીજળી વિભાગને પ્રથમ હપ્તાની સફળ ચુકવણી પછી તરત જ સ્ટેડિયમમાં વીજ પુરવઠો ફરીથી કનેક્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હૈદરાબાદમાં આગામી મેચ બંને પક્ષો માટે મહત્વપૂર્ણ રહેશે કારણ કે તેઓ જીતના માર્ગે પાછા ફરવા તરફ ધ્યાન આપશે. પેટ કમિન્સની SRHને અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં માત્ર એક જ જીત મળી છે, બીજી તરફ CSKએ નવા કેપ્ટન રૂતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ ટુર્નામેન્ટમાં વધુ પોઝિટીવ શરૂઆત કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની શરૂઆતની મેચ પહેલા તેને કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી હતી.