- હાર્ડકોર્ટ ઉપર 500 વિજય મેળવનાર પાંચમો ખેલાડી બન્યો
- મરેએ પ્રથમ સેટને ગુમાવ્યા બાદ શાપોવાલોવને 4-6, 7-6 (5), 6-3થી હરાવ્યો હતો
- યુવાઓને પડકાર ફેંકવો તથા શરીરને સતત સંપૂર્ણ ફિટ રાખવું હવે મુશ્કેલ બની રહ્યું છે
ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બ્રિટનના એન્ડી મરેએ દુબઇ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં ત્રણ સેટમાં ડેનિસ શાપોવાલોવને હરાવ્યા બાદ સંકેત આપ્યો હતો કે તેની કારકિર્દીમાં હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. મરેએ પ્રથમ સેટને ગુમાવ્યા બાદ શાપોવાલોવને 4-6, 7-6 (5), 6-3થી હરાવ્યો હતો. હાર્ડ કોર્ટ ઉપર આ તેનો 500મો વિજય રહ્યો હતો. પ્રથમ રાઉન્ડની મેચ જીત્યા બાદ મરેએ જણાવ્યું હતું કે મને હજુ પણ પ્રતિસ્પર્ધા રજૂ કરવાનું પસંદ છે અને રમત પ્રત્યેનો લગાવ હજુ પણ યથાવત્ છે પરંતુ વય વધવાની સાથે યુવાઓને પડકાર ફેંકવો તથા શરીરને સતત સંપૂર્ણ ફિટ રાખવું હવે મુશ્કેલ બની રહ્યું છે.
સંભવિત મારી પાસે વધારે સમય બાકી રહ્યો નથી પરંતુ અંતિમ મહિનાઓમાં શક્ય બને તેટલું બેસ્ટ પ્રદર્શન કરવા માગું છું. એન્ડી મરે અગાઉ પણ નિવૃત્તિનો વિચાર કરી ચૂક્યો હતો. ઓપન યુગમાં મરે ઉપરાંત રોજર ફેડરર (783), નોવાક જોકોવિચ (700), આન્દ્રે અગાસી (592) અને રફેલ નાદાલ (518) હાર્ડકોર્ટ ઉપર 500 કરતાં વધારે વિજય મેળવી ચૂક્યા છે. મરેએ ચાલુ વર્ષે માત્ર બીજો વિજય મેળવ્યો છે.










