- સાઉથ આફ્રિકા સામે ભારતે પ્રથમ દિવસે ચાર વિકેટે 525 રન બનાવ્યા
- શેફાલીએ એનાબેલ સધરલેન્ડની ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ તોડયો હતો
- મિતાલી રાજ બાદ બેવડી સદી નોંધાવનાર શેફાલી બીજી ભારતીય ખેલાડી બની
સાઉથ આફ્રિકન વિમેન્સ ક્રિકેટ ટીમ સામે રમાતી એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શુક્રવારે ભારતીય ટીમે વિવિધ રેકોર્ડ નોંધાવ્યા હતા. ઓપનર શેફાલી વર્માએ આક્રમક બેટિંગ કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
મિતાલી રાજ બાદ બેવડી સદી નોંધાવનાર તે બીજી ભારતીય ખેલાડી બની છે. શેફાલીએ એનાબેલ સધરલેન્ડની ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ તોડયો હતો. ભારતે પ્રથમ દિવસના અંતે ચાર વિકેટ 525 રન બનાવ્યા હતા. સ્ટમ્પના સમયે સુકાની હરમનપ્રીત 42 તથા રિચા ઘોષ 43 રન બનાવીને રમી રહી હતી. રોડ્રિગુઝે 55 તથા શુભા સતીશે 15 રનનું યોગદાન આપ્યું હતું. શેફાલીએ 194 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. તેણે આઠ સિક્સર અને 23 બાઉન્ડ્રી વડે 197 બોલમાં કુલ 205 રન બનાવ્યા હતા. તેણે સધરલેન્ડનો રેકોર્ડ બ્રેક કર્યો હતો જેણે ચાલુ વર્ષે જ સા. આફ્રિકા સામે 248 બોલમાં બેવડી સદી નોંધાવી હતી.










