• બોલિવૂડની કેટલીક હીરોઇન રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેશે
  • પ્રથમ મેચમાં હરમનપ્રીત અને બેથ મુનિ વચ્ચે સીધો મુકાબલો
  • મુંબઇના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 પહેલી મેચ

ગુજરાત જાયન્ટ્સ તથા મુંબઇ ઇન્ડિયન્સના મુકાબલા સાથે શનિવારથી ઐતિહાસિક વિમેન્સ પ્રીમિયર લીગ ટી20ની પ્રથમ સિઝનનો પ્રારંભ થશે. પાંચ ફ્રેન્ચાઇઝી વચ્ચેની આ લીગમાં કુલ 22 મુકાબલા રમાશે.


5:30 કલાકે રંગારંગ કાર્યક્રમ

મુંબઇ ઇન્ડિયન્સે ભારતની સુકાની હરમનપ્રીત કૌરને તથા ગુજરાતે ઓસ્ટ્રેલિયાની બેથ મુનીને સુકાનીપદ સોંપ્યું છે. ઓપનિંગ મેચ પહેલામાં ડીવાય પાટિલ ખાતે સાંજે 5:30 કલાકે રંગારંગ કાર્યક્રમનું BCCI દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોલિવૂડની ઘણી સ્ટાર હીરોઇનો ભાગ લેવાની છે. પ્રથમ મુકાબલો સાંજે 7:30 કલાકથી શરૂ થશે.

સ્ટાર ખેલાડીઓ વચ્ચે જામશે જંગ

મુંબઇની ટીમ મજબૂત જણાય છે અને આ ટીમના કોચિંગ સ્ટાફમાં શાર્લોટ એડવર્ડસ તથા ઝૂલન ગોસ્વામી જેવી દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. મેન્સ IPLમાં મુંબઇની ટીમ પાંચ વખત ટાઇટલ જીતી ચૂકી છે. પ્રથમ સિઝન માટે થયેલી હરાજીમાં 87 ખેલાડીઓ ખરીદવામાં આવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાનાને 3.40 કરોડની જંગી રકમ સાથે ખરીદી હતી અને તે આ લીગની સૌથી મોંઘી ખેલાડી પણ બની છે. તે બેંગ્લોર તરફથી કોહલીની જેમ 18 નંબરની ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઊતરશે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ખરીદવામાં આવેલી ખેલાડી । 18

કેટલા નાણાં ખર્ચ્યા : 11.9 કરોડ

સ્ટાર ખેલાડીઓ । સ્મૃતિ મંધાના (ભારત), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), ડેન વાન નિકર્ક (સાઉથ આફ્રિકા)

તાકાત । તમામ વિદેશી ખેલાડી એલિસ પેરી, સોફી ડિવાઇન, વાન નિકર્ક, હિધર નાઇટ ઓલરાઉન્ડર છે. ભારતની સ્ટાર ખેલાડી મંધાના, રિચા ઘોષ તથા રેણુકાસિંહના ફાયરપાવરને સામેલ કરવામાં આવે તો બેંગ્લોરની ટીમ ચેમ્પિયન બનવા માટે તમામ ક્ષમતા ધરાવે છે.

નબળાઈ । મુંબઇની લાલ માટીવાળી પિચ ઉપર એક કાંડાના સ્પિનરની ખોટ પડી શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સ

ખરીદવામાં આવેલી ખેલાડી । 17

કેટલા નાણાં ખર્ચ્યા । 12 કરોડ પૂરા

સ્ટાર ખેલાડી : હરમનપ્રીત કૌર (ભારત), નતાલી સિવર બ્રન્ટ (ઇંગ્લેન્ડ), પૂજા વસ્ત્રાકર (ભારત)

તાકાત । પ્રત્યેક સ્થાન માટે બેક-અપ હોવાના કારણે મુંબઇની ટીમ વધારે મજબૂત જણાય છે. ભારતની અંડર-19 ખેલાડીઓનું એક પૂલ તૈયાર કર્યું છે જે સમયની સાથે વધારે પરિપક્વ બનશે. સિવર બ્રન્ટ મેચવિનર સાબિત થઈ શકે છે. હરમનપ્રીત ઉપર બેટિંગનો મદાર રહેશે.

નબળાઈ । યાસ્તિકા ભાટિયાના બેક-અપ માટેની વિકેટકીપરની સમસ્યા નડી શકે છે


ગુજરાત જાયન્ટ્સ

ખરીદવામાં આવેલી ખેલાડી । 17

કેટલા નાણાં ખર્ચ્યા । 11.5 કરોડ

સ્ટાર ખેલાડી । સ્નેહ રાણા (ભારત), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), ડિએન્ડ્રા ડોટ્ટિન (વેસ્ટ ઇન્ડિઝ)

તાકાત । વિદેશી પેસ બોલિંગ ઓલરાઉન્ડર ડિએન્ડ્રા ડોટ્ટિન અને એનાબેલ સધરલેન્ડનો વિકલ્પ ગુજરાતની ટીમને વધુ મજબૂત બનાવે છે. એશ્લે ગાર્ડનર સારી સ્ટ્રોક પ્લેયર છેે. સોફિયા ડંકલે તથા જ્યોર્જિયા વેરહામ મિડલ ઓર્ડરને વધારે મજબૂત બનાવે છે.

નબળાઈ । હરલીન દેઓલ, મેઘના તથા હેમલતાને બાદ કરતાં બેકઅપમાં ભારતીય ખેલાડી નથી.

યુપી વોરિયર્સ

ખરીદવામાં આવેલી ખેલાડી । 16

કેટલા નાણાં ખર્ચ્યા । 12 કરોડ

સ્ટાર ખેલાડી । એલિસા હિલી (ઓસ્ટ્રેલિયા), દીપ્તિ શર્મા (ભારત), તાહલિયા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા).

તાકાત । બેલેન્સ ટીમ છે જેમાં એલિસા હિલી, દીપ્તિ, દેવિકા, તાહલિયા મેકગ્રા તથા ગ્રેસ હેરિસ જેવી ઓલરાઉન્ડર છે શબનિમ ઇસ્માઇલ બોલિંગ આક્રમણને યોગ્ય બેલેન્સ પૂરું પાડે છે. રાજેશ્વરી ગાયકવાડ તથા સોફી એક્લેસ્ટોન મેચવિનર સ્પિનર સાબિત થઈ શકે છે.

નબળાઈ । શરૂઆતમાં ધબડકો થાય તો ઇનિંગ્સને સ્થિરતા આપી શકે તેવી ખેલાડીઓની ઊણપ છે.


દિલ્હી કેપિટલ્સ

ખરીદવામાં આવેલી ખેલાડીઓ । 18

કેટલા નાણાં ખર્ચ્યા । 11.65 કરોડ

સ્ટાર ખેલાડી । મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), જેમિમા રોડ્રિગુઝ (ભારત) તથા મારીઝાન કેપ (સાઉથ આફ્રિકા)

તાકાત । આક્રમક બેટ્સવુમન શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગુઝ તથા મેગ લેનિંગના કારણે દિલ્હીની ટોચની બેટિંગ લાઇન-અપ વધારે મજબૂત જણાય છે. બોલિંગમાં પૂનમ યાદવ, જેસ જોનસન, રાધા યાદવ, શિખા પાંડે તથા મારીઝાન કેપ પાસે ઇન્ટરનેશનલ અનુભવ છે

નબળાઈ । તાનિયા ભાટિયાના બેકઅપ વિકેટકીપરની સમસ્યા ચિંતાનું કારણ બની શકે છે.


  • Follow us on: