• મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું
  • સાયવર-બ્રન્ટની 45 રનની શાનદાર ઈનિંગ રમી
  • MI ચોથી જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

WPL 2024ની 14મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નેટ સાયવર-બ્રન્ટની 45 રનની શાનદાર ઈનિંગની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં યુપી વોરિયર્સની ટીમ માત્ર 118 રન જ બનાવી શકી અને 42 રનથી મેચ હારી ગઈ હતી. આ સિઝનમાં યુપી વોરિયર્સની આ ચોથી હાર છે. જ્યારે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની આ ચોથી જીત છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે RCB ત્રીજા સ્થાને સરકી ગયું છે.

મુંબઈ ઈન્ડિયન્સનું બેટિંગમાં શાનદાર પ્રદર્શન

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બંને ઓપનર 17 રન પર પેવેલિયન પરત ફર્યા હતા. હેલી મેથ્યુસ 3 બોલમાં 4 રન બનાવીને આઉટ થઈ હતી. જ્યારે યસ્તિકા ભાટિયા 13 બોલમાં માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના બંને ઓપનિંગ બેટ્સમેનોને ચમારી અટાપટ્ટુંએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જો કે, આ પછી 3 નંબર પર બેટિંગ કરવા આવેલા નેટ સાયવર-બ્રન્ટે ઇનિંગ્સને સંભાળી લીધી અને 31 બોલમાં 45 રનની ખાસ ઇનિંગ રમી.

સાયવર-બ્રન્ટની સાથે કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અમેલિયા કેરે 23 બોલમાં 39 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. કેર ઉપરાંત સજીવન સજનાએ પણ શાનદાર બેટિંગ કરી અને માત્ર 14 બોલમાં 22 રન બનાવ્યા હતા. યુપી વોરિયર્સ તરફથી ચમારી અટાપટ્ટુંએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડ, દીપ્તિ શર્મા અને સાયમા ઠાકોરે 1-1 વિકેટ લીધી હતી.

યુપી વોરિયર્સની બેટિંગમાં હાલત ખરાબ

161 રનનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની શરૂઆત ઘણી નિરાશાજનક રહી હતી. ચાહકોને ઓપનર કિરણ નવગીરે પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી એલિસા હીલી પણ મોટી ઇનિંગ્સ રમ્યા વિના 9 બોલમાં 3 રન બનાવીને આઉટ થઈ ગઈ. એલિસા હીલી પછી, ચમારી અટાપટ્ટુ પણ કંઈપણ કમાલ કર્યા વિના 3 રન પર આઉટ થઈ ગઈ.

એક સમયે યુપી વોરિયર્સે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. યુપીના ટોચના ત્રણ બેટ્સમેન 10નો આંકડો પણ પાર કરી શક્યા નથી. જ્યારે તેના પછી ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા અને શ્વેતા સેહરાવત પણ ખરાબ શોટ રમીને આઉટ થઈ જાય છે. ઓછા સમયમાં, 15માં 3 વિકેટથી, UP વોરિયર્સે 69 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સાઈકા ઈશાકે 2 વિકેટ લીધી હતી. હેલી મેથ્યુઝે બેટિંગમાં નિષ્ફળ રહ્યા બાદ બોલિંગમાં કમાલ કરી હતી અને 1 વિકેટ લીધી હતી. જ્યારે શબનિમ ઈસ્માઈલે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: