- મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતને પહેલી હાર મળી
- ઈંગ્લેન્ડ સામે ભારતને 11 રને હારનો સામનો કરવો પડ્યો
- રેણુકાની 5 વિકેટ, મંધાનાની લડાયક ઇનિંગ એળે ગઈ
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતને ઈંગ્લેન્ડ સામે પહેલી હાર મળી હતી. પોર્ટ એલિઝાબેથમાં આજે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 11 રને પરાજય થયો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં પાંચ વિકેટે 140 રન જ બનાવી શકી હતી.
ગ્રુપ-બીમાં ભારતીય ટીમ જીતની હેટ્રિક નોંધાવી શકી નથી. તેણે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને અને પછી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરની પાંચ વિકેટ અને ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના 52 રન પણ ટીમ ઈન્ડિયાના કામમાં ન આવ્યા.
ઈંગ્લેન્ડની ટીમે ભારતને મેચ જીતવા માટે 152 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી રેણુકા ઠાકુરે શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેને પહેલા સ્પેલમાં 3 જ્યારે બીજા સ્પેલમાં 2 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી નેટ સાઈવર બ્રન્ટે સૌથી વધુ 50 જ્યારે એમી જોન્સે 40 રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતે પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જીત નોંધાવી હતી. પાકિસ્તાને 4 વિકેટે 149 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે જેમિમા રોડ્રિગ્ઝની ફિફ્ટીથી મેચ 7 વિકેટે જીતી લીધી હતી. બીજી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 વિકેટે જીત મેળવી હતી. 118 રનના લક્ષ્ય સામે ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ઇનિંગના આધારે આ જીત નોંધાવી હતી.
ભારત ગ્રુપમાં ટોચ પર પહોંચવા ઈચ્છશે
આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ અત્યાર સુધી અજેય રહી છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. આ રીતે, ભારતે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023માં 2 મેચ રમી છે, જેમાં તે જીતવામાં સફળ રહી છે. આજે ઈંગ્લેન્ડ સામે રમાનાર મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની આકરી કસોટી થશે. કારણ કે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ઈંગ્લિશ ટીમના બોલરોએ શાનદાર બોલિંગ કરી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ
શફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (C), રિચા ઘોષ (WC), શિખા પાંડે, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંહ
ઈગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ
સોફિયા ડંકલી, ડેનિયલ વ્યાટ, એલિસ કેપ્સી, નેટ સાયવર બ્રન્ટ, હીથર નાઈટ (C), એમી જોન્સ (WC), કેથરીન સાયવર બ્રન્ટ, સોફી એક્લેસ્ટોન, ચાર્લોટ ડીન, સારાહ ગ્લેન, લોરેન બેલ