મહિલા T20 વર્લ્ડકપ 2024ની યજમાની સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જો કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગઈ છે. BCCIએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત કોચિંગ સ્ટાફના સભ્યો સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિંગ્સ પણ જોવા મળે છે. આ પહેલા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપ્યા હતા.
'ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવવા સક્ષમ છે...'
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું માનવું છે કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સક્ષમ છે. તેને ટી20 વર્લ્ડકપ 2020 યાદ આવી ગયો. જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ચૂકી ગઈ હતી. હરમનપ્રીત કૌરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા એક મજબૂત ટીમ છે, પરંતુ અમે ઓસ્ટ્રેલિયાને આકરી ટક્કર આપી શકીએ છીએ. અમારી શ્રેષ્ઠ ટીમ T20 વર્લ્ડકપ માટે જઈ રહી છે. અમારી પાસે વર્લ્ડકપ જીતવાની શાનદાર તક છે. વાસ્તવમાં, જો આવું થશે તો ટીમ ઈન્ડિયા પ્રથમ વખત T20 વર્લ્ડકપ જીતશે. અત્યાર સુધી ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવામાં સફળ રહી નથી.
https://twitter.com/BCCIWomen/status/1838696636366884902
વર્લ્ડ ચેમ્પિયન બનતા બનતા રહી ગઈ હતી ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2020 અને T20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. બંને વખત ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે વર્લ્ડ ચેમ્પિયન બનશે. તાજેતરમાં એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલો ઉઠ્યા હતા.