- મહેન્દ્રસિંહ ધોની માટે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઈ રહી છે
- ચેન્નઇ સુપર કિંગ્સના સુકાની માટે આઇપીએલની આ છેલ્લી સિઝન
- ધોની અત્યારે આગામી સિઝનની ટીમ સાથે તૈયારીઓ કરી રહ્યો છે
મહેન્દ્રસિંહ ધોની માટે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઈ રહી છે કે ચેન્નઇ સુપર કિંગ્સના સુકાની માટે આઇપીએલની આ છેલ્લી સિઝન છે અને તે 2024 બાદ આ લીગમાં રમશે નહીં. જોકે ભારતના ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ જણાવ્યું હતું કે ધોની 2025ની આઇપીએલમાં રમે તો આશ્ચર્ય થશે નહીં કારણ કે તે ટીમ સાથે રહેવા માગે છે. ધોની અત્યારે આગામી સિઝનની ટીમ સાથે તૈયારીઓ કરી રહ્યો છે. ધોની આઇપીએલ માટે લગભગ એક મહિના પહેલાં ચેન્નઇ આવી જાય છે. તે ભેજવાળા વાતાવરણમાં લગભગ બેથી ત્રણ કલાક બેટિંગ કરીને જિમ ટ્રેનિંગ કરે છે. આ દરમિયાન તે ટીમ સાથે સંકળાયેલો રહે છે. કુંબલેએ ધોનીની તુલના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે પણ કરી હતી. ટૂર્નામેન્ટ માટે હજુ કેટલાક દિવસનો સમય હોવા છતાં ધોની ટીમ સાથે સંકળાયેલો રહેવા માગે છે. સચિન પણ હંમેશાં ટીમની આસપાસ રહેતો હતો. ટીમ માટે વૈકલ્પિક પ્રેક્ટિસ હોય તો પણ ટીમ બસમાં સૌથી પહેલાં ચઢનારા આ બંને ખેલાડીઓ હોય છે.










