- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની શાનદાર જીત
- ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે
- 29 ઓક્ટોબરે બંને ટીમ આવશે આમને-સામને
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023માં 5 મેચ રમી છે અને આ તમામ મેચમાં ટીમની જીત થઈ છે. આ ટૂર્નામેન્ટમાં ભારત એકમાત્ર એવી ટીમ છે જેને અત્યાર સુધી એકપણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ટીમ ઈન્ડિયા અત્યારે વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ 5 જીત બાદ ટીમ ઈન્ડિયા પણ વર્લ્ડકપના સેમીફાઈનલમાં પહોંચવાની તૈયારીમાં છે. જો ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ જીતશે તો તેનો સેમીફાઈનલમાં પ્રવેશ પણ નિશ્ચિત થઈ જશે.
29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે મેચ
ટીમ ઈન્ડિયા હવે તેની આગામી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે રમશે. આ મેચ રવિવારે (29 ઓક્ટોબર) બપોરે 2 વાગ્યે રમાશે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડકપમાં આ મેદાન પર ત્રણ મેચ રમાઈ છે. આમાંથી એક મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે, જ્યારે 2 મેચમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીત થઈ છે. આ પિચ સ્પિનર્સ અને ફાસ્ટ બંને બોલર્સને મદદરૂપ જોવા મળે છે.
વર્લ્ડકપ 2023માં ઈંગ્લિશ ટીમનું ફ્લોપ પ્રદર્શન
વર્લ્ડકપ 2019ની ચેમ્પિયન ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપમાં અત્યાર સુધી ફ્લોપ રહી છે. આ ટીમ 4 મેચ રમી છે અને તેમાંથી માત્ર એક જ જીતી શકી છે. ઈંગ્લેન્ડની ટીમ જે ત્રણ મેચમાં હારી છે તે તમામ એકતરફી મેચ રહી છે. ઇંગ્લિશ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. હવે તેના માટે સેમીફાઇનલમાં પહોંચવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.
ભારત-ઈંગ્લેન્ડ હેડ ટૂ હેડ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 106 મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે 57 મેચ જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 44 મેચ જીતી શકી છે. એટલે કે ટીમ ઈન્ડિયાનું ઈંગ્લેન્ડ વિરુદ્ધ હેડ ટૂ હેડ મેચમાં પ્રદર્શન સારૂં રહ્યું છે. જો કે, વર્લ્ડકપની મેચોમાં ઈંગ્લિશ ટીમનો રેકોર્ડ વધુ સારો છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ 8 વખત આમને-સામને આવ્યા છે. જેમાં ઈંગ્લેન્ડ 4 વખત અને ટીમ ઈન્ડિયા 3 વખત જીત્યું છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે.