• મેચ પહેલાં સાંજે 6:30 કલાકે બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ આપશે

  • મુકાબલો સાંજે 7:30 કલાકથી શરૂ
  • પ્રથમ સિઝનમાં ભારતીય ખેલાડીઓ અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રનર્સ-અપ દિલ્હી કેપિટલ્સ વચ્ચે શુક્રવારે રમાનારી મેચ સાથે વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનો પ્રારંભ થશે જેમાં ભારતની યુવા ખેલાડીઓ ઉપર તમામની નજર રહેશે. ગયા વર્ષે પૂરી લીગ મુંબઇમાં રમાડવામાં આવી હતી પરંતુ આ વખતે તેનું આયોજન બેંગ્લોર અને દિલ્હી ખાતે થશે. દિલ્હીની સુકાની મેગ લેનિંગ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી ચૂકી છે પરંતુ લીગમાં ટીમનો મોટો મદાર તેની ઉપર રહેશે. તેણે ગયા વર્ષે સર્વાધિક રન બનાવ્યા હતા. મુંબઇની બોલર હેલી મેથ્યૂઝે હાઇએસ્ટ 16 વિકેટ હાંસલ કરી હતી. ટૂર્નામેન્ટમાં વિદેશની ઘણી સ્ટાર ખેલાડીઓ વચ્ચે ભારતની યુવાઓ પણ પોતાની ક્ષમતા પુરવાર કરવાના તમામ પ્રયાસ કરશે. ઓપનિંગ મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચ પહેલાં ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજરી આપે તેવી સંભાવના છે.

પ્રથમ સિઝનમાં ભારતીય ખેલાડીઓ અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી. શ્રેયંકા પાટિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે જે છેલ્લા 10 મહિનાથી સારો દેખાવ કરી રહી છે. દિલ્હી કેપિટલ્સની તિતાસ સાધુ ઉપર પણ તમામની નજર રહેશે. ગઈ સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી પરંતુ આ વખતે તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. 19 વર્ષીય તિતાસે એશિયન ગેમ્સની વિમેન્સ ક્રિકેટમાં ભારત તરફથી પદાર્પણ કર્યું હતું અને તેણે શ્રીલંકા સામે ચાર ઓવરમાં છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામે મુંબઇમાં રમાયેલી ટી20 મેચમાં તેણે ચાર વિકેટ ઝડપીને પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. દિલ્હીની એક અન્ય યુવા ખેલાડી મિન્નૂ મણિ છે જે લીગમાં પોતાને સાબિત કરવાના તમામ પ્રયાસ કરશે. આ ઓફ સ્પિનરે ભારત માટે ચાર ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આઈસીસીની આગામી ટી20 વર્લ્ડ કપ સહિતની કેટલીક મેજર ઇવેન્ટને ધ્યાનમાં રાખતા વિમેન્સ પ્રીમિયર લીગ ભારતની ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ પુરવાર થશે.


  • Follow us on: