- વિમેન્સ પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થઈ રહી છે
- ગુજરાત જાયન્ટ્સે WPL માટે કેપ્ટનની એનાઉન્સમેન્ટ કરી
- બેથ મૂનીને હરાજીમાં ગુજરાત જાયન્ટ્સે 2 કરોડમાં ખરીદી હતી
વિમેન્સ પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થઈ રહી છે. ટીમ ગુજરાત જાયન્ટ્સે પહેલી મહિલા IPL સિઝન માટે પોતાની કેપ્ટનની એનાઉન્સમેન્ટ કરી દીધી છે. આ ટીમે ઓસ્ટ્રેલિયાની ડેશિંગ પ્લેયર બેથ મૂનીને કેપ્ટનશિપ સોંપી છે. તાજેતરમાં યોજાયેલી વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં બેથ મૂનીની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી. આ ખેલાડીને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત વચ્ચે ટક્કર જોવા મળી હતી, જોકે અંતે ગુજરાત જાયન્ટ્સે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
બેથ મૂની કોણ છે?
બેથ મૂની ઓસ્ટ્રેલિયા ટીમની સિનિયર ખેલાડી છે. તે લેફ્ટ હેન્ડ બેટિંગ કરે છે. તેની પાસે લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતા છે. તે મેદાનના કોઈપણ ખૂણે શોટ રમી શકે છે. તાજેતરમાં મહિલા T20 વર્લ્ડ કપમાં તેના બેટમાંથી રનનો વરસાદ થયો હતો. ફાઈનલ મેચમાં મૂનીની 73 રનની અણનમ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 19 રને હરાવીને છઠ્ઠી વખત T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.
બેથ મૂનીની ક્રિકેટ કારકિર્દી
બેથ મૂની 29 વર્ષની છે. તેની પાસે ટી20નો ઘણો અનુભવ છે. મૂનીએ ઓસ્ટ્રેલિયા માટે 4 ટેસ્ટ, 57 ODI અને 83 T20I રમી છે. જેમાં તેણે ક્રમશઃ 184, 1941 અને 2,350 રન બનાવ્યા છે. T20માં મૂનીનો હાઇએસ્ટ સ્કોર અણનમ 117 રન છે. આ ટૂંકા ફોર્મેટમાં મૂનીએ 2 સદી અને 18 અડધી સદી ફટકારી છે.