- ખેલાડીઓ WPLકે આંતરરાષ્ટ્રીય મેચમાંથી એકની પસંદગી કરે : ઇસીબી
- પહેલી મેચ બેંગલુરુમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ 17 માર્ચે દિલ્હીમાં રમાશે
- બોર્ડ આવતા અઠવાડિયે ટીમની જાહેરાત કરી શકે છે
વુમન પ્રીમિયર લીગમાં રમનારી ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર્સ સામે ઇસીબીએ મુશ્કેલી ઊભી કરી છે. ખેલાડીઓને ડબ્લ્યૂપીએલ 2024 અને ઇન્ટરનેશનલ ક્રિકેટ પૈકી કોઇ એકની પસંદગી કરવા કહેવાયું છે. હકીકતમાં ઇસીબીએ ક્રિકેટર્સ સામે આ શરત એટલા માટે મૂકી છે કારણ કે ડબ્લ્યુપીએલની નોકઆઉટ મેચો દરમિયાન ઇંગ્લેન્ડ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝ રમવાની છે. તેથી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય સિરીઝ અથવા ફ્રેન્ચાઇઝી ક્રિકેટ વચ્ચેથી પસંદગી કરવા કહ્યું છે.
અહેવાલો અનુસાર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે ડબ્લ્યુપીએલ 2024માં ભાગ લેનારી પ્લેયર્સને ન્યૂઝીલેન્ડ સામેની પહેલી 3 ટી-20 મેચ માટે ટીમમાં પસંદ કરવા મુદ્દે વિચાર નહીં કરાય. બોર્ડ આવતા અઠવાડિયે ટીમની જાહેરાત કરી શકે છે. આ પહેલા બીસીસીઆઇએ વિમેન્સ પ્રીમિયર લીગના શેડયૂલની જાહેરાત કરી હતી. WPL 2024ની શરૂઆત 23 ફેબ્રુઆરીથી થશે. પહેલી મેચ ગયા વર્ષની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પહેલી મેચ બેંગલુરુમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.










