ચોગ્ગા-છગ્ગાની રમઝટ વચ્ચે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત જાયન્ટ્સને નવ બોલ બાકી રાખીને છ વિકેટે પરાજય આપીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો.


હાઇસ્કોરિંગ મેચમાં ગુજરાતની ટીમે પાંચ વિકેટે 201 રન બનાવ્યા હતા. તેની સામે આરસીબીએ ચાર વિકેટે 202 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રિચા ઘોષે 27 બોલમાં 64 તથા એલિસ પેરીએ 34 બોલમાં 57 રન બનાવ્યા હતા. બેટિંગ માટે મેદાનમાં ઉતરેલી જાયન્ટ્સ ટીમે 41 રનના સ્કોર સુધીમાં ઓપનર વોલવાર્ડ (6) અને હેમલથાની (4) વિકેટ ગુમાવી દીધી હતી. બેથ મૂની અને ગાર્ડનરે ઇનિંગને આગળ વધારી હતી. મૂનીએ 42 બોલમાં આઠ બાઉન્ડ્રી વડે 56 રનની ઇનિંગ રમી હતી. ગાર્ડનર અને ડિએન્ડ્રા ડોટ્ટિને ચોથી વિકેટ માટે 67 રનની આક્રમક ભાગીદારી નોંધાવીને ટીમનો સ્કોર 150 સુધી પહોંચાડી દીધો હતો. ડોટ્ટિને 13 બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે 25 રન બનાવ્યા હતા. ગાર્ડનરે 37 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને આઠ સિક્સર વડે અણનમ 79 રનનું યોગદાન આપીને ટીમનોs સ્કોર 200 સુધી પહોંચાડી દીધો હતો. આરસીબી માટે રેણુકા સિંઘ સફળ બોલર રહી હતી જેણે 25 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. કનિકા, જ્યોર્જિયા તથા પ્રેમા રાવતે એક-એક વિકેટ હાંસલ કરી હતી.


  • Follow us on: