- WPLમાં યુપી વોરીયર્સની પહેલી જીત
- ગુજરાત જાયન્ટ્સની સતત બીજી મેચમાં હાર
- ગ્રેસ હેરિસે 59 રનની વિજયી ઇનિંગ રમી
WPLમાં આજે ભારે રોમાંચક મેચમાં યુપી વોરીયર્સે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું. જીતવા માટે 170 રનના ટાર્ગેટનો પીછો કરતા યુપી વોરીયર્સની ટીમે અંતિમ ઓવર સુધી ચાલેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સને 3 વિકેટથી હરાવ્યું હતું અને WPLમાં સૌપ્રથમ જીત મેળવી હતી, સાથે જ ગુજરાત જાયન્ટ્સને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો. યુપી વોરીયર્સ તરફથી ગ્રેસ હેરિસે 59 રનની વિજયી ઇનિંગ રમી હતી. જ્યારે ગુજરાત તરફથી કીમ ગાર્થે એક જ ઓવરમાં 3 વિકેટ સહિત કુલ પાંચ વિકેટ ઝડપી હતી.
યુપીને જીતવા 170 રનનો ટાર્ગેટ
WPLમાં આજે બીજા મુકાબલામાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 169 રન બનાવ્યા હતા અને યુપીને જીતવા 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા, જ્યારે યુપી તરફથી દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટોને બે-બે વિકેટ ઝડપી હતી.
ગુજરાતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનના બીજા દિવસે આજે ડબલ હેડર મુકાબલામાં બીજી મેચમાં ગુજરાત અને યુપીની ટક્કર થશે. જેમાં ગુજરાતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી અને યુપી વોરીયર્સને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ગુજરાત જાયન્ટ્સ:
સભીનેની મેઘના, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, સોફિયા ડંકલી, એનાબેલ સધરલેન્ડ, કિમ ગાર્થ, સુષ્મા વર્મા(વિકેટકીપર), દયાલન હેમલથા, સ્નેહ રાણા(કેપ્ટન), તનુજા કંવર, માનસી જોશી
યુપી વોરીયર્સ:
એલિસા હીલી (વિકેટકીપર/કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ