- ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડે ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો
- મહિલા ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી ખેલાડી બની
- WPL 2024ની હરાજીમાં સૌથી મોંધી ખેલાડી છે સધરલેન્ડ
ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડે શુક્રવારે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામેની તેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે મેચના બીજા દિવસે 248 બોલમાં બેવડી સદી ફટકારી હતી. સધરલેન્ડ મહિલા ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી ખેલાડી બની હતી. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેરેન રોલ્ટનના નામે હતો. તેણે લીડ્ઝ ખાતે 2001માં ઈંગ્લેન્ડ સામે 306 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો મોટો સ્કોર
22 વર્ષીય સધરલેન્ડ 256 બોલમાં 210 રન બનાવીને આઉટ થઇ હતી. તેની બેવડી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં નવ વિકેટે 575 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાની ઇનિંગ જાહેર કરી. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 76 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં તેણે બીજા દાવમાં ત્રણ વિકેટે 67 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 432 રનથી આગળ છે.
એલિસ પેરીનો રેકોર્ડ તોડવાથી ચુકી સધરલેન્ડ
સધરલેન્ડ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટમાં સૌથી વધુ સ્કોરર બની શકી હોત, પરંતુ તે ત્રણ રનથી ચૂકી ગઈ હતી. આ રેકોર્ડ હાલમાં એલિસ પેરીના નામે નોંધાયેલો છે. તેણે 2017માં અણનમ 213 રન બનાવ્યા હતા. સધરલેન્ડ બેવડી સદી ફટકારનારી ઓસ્ટ્રેલિયાની સૌથી નાની અને એકંદરે બીજી સૌથી નાની વયની મહિલા બની હતી. તે બેવડી સદી ફટકારનારી નવમી મહિલા બની ગઈ છે.
સધરલેન્ડે મહિલા ટેસ્ટ ઈતિહાસમાં ચોથી સૌથી મોટી ઈનિંગ્સ રમી
છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા સધરલેન્ડે તેના પ્રથમ 35 બોલમાં માત્ર સાત રન બનાવ્યા હતા. આ પછી તેણે દક્ષિણ આફ્રિકાના બોલરો પર જબરદસ્ત હુમલો કર્યો. સધરલેન્ડે પોતાની ઇનિંગમાં 27 ફોર અને બે સિક્સ ફટકાર્યા હતા. સધરલેન્ડ કરતાં માત્ર ત્રણ મહિલા ખેલાડીઓએ મોટો સ્કોર કર્યો છે. 2004માં પાકિસ્તાનના કિરણ બલોચે 242 રન બનાવ્યા હતા. 2002માં ભારતની મિતાલી રાજે 214 રનની ઇનિંગ રમી હતી. જ્યારે 2017માં એલિસ પેરીએ અણનમ 213 રન બનાવ્યા હતા.