બાંગ્લાદેશને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને હવે ઘરઆંગણે ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે. આ પછી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જ્યાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. હવે સવાલ એ ઊભો થાય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે તેની બાકીની 8 ટેસ્ટ મેચમાં કેટલી જીત નોંધાવવી પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન એટલે કે WTCના પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને વચ્ચે 11 મેચ રમાઈ છે જેમાંથી 8-8 મેચ જીતી છે. બંનેએ એક-એક મેચ ડ્રો કરી છે. જો કે, ભારત અત્યાર સુધી માત્ર 2 મેચ હારી છે જ્યારે ઓસ્ટ્રેલિયાને વર્તમાન સિઝનમાં 3 હારનો સામનો કરવો પડ્યો છે.
WTC પોઈન્ટ ટેબલમાં ભારત ટોચ પર
બાંગ્લાદેશને હરાવ્યા બાદ, WTC પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમનો PCT વધીને 74.24 થઈ ગયો છે અને હવે તેણે ટોચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાનું PCT 62.5 છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બાદ શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે. શ્રીલંકાએ 9માંથી 5 મેચ જીતી છે જ્યારે 4માં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. લંકાનું PCT (55.56) છે. ચોથા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની પીસીટી માત્ર 42.19 પર ઘણી ઓછી છે.
આ રીતે મળશે ફાઈનલની ટિકિટ
રોહિત શર્માની ટીમ ન્યૂઝીલેન્ડ સાથે 16 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં 3 ટેસ્ટ મેચ રમશે. આ સિરીઝમાં જો ટીમ ઈન્ડિયા મુલાકાતે આવેલી ન્યૂઝીલેન્ડ ટીમને 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ થાય છે તો રોહિત એન્ડ કંપની માટે WTC ફાઈનલમાં જવાનું લગભગ નિશ્ચિત થઈ જશે. આ ડોમેસ્ટિક સીઝન પછી, ભારત ડિસેમ્બરમાં બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે વર્તમાન સિઝનમાં ભારતીય ટીમની અંતિમ ટેસ્ટ સિરીઝ હશે.
ઓસ્ટ્રેલિયામાં જીત ભારતનું ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરશે
જો ભારત ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ હારી જાય છે, જે ખૂબ જ અસંભવ લાગે છે, તો તેણે ઓસ્ટ્રેલિયા સામે મોટા અંતરથી જીતવું પડશે. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન એક પણ મેચ જીતી શકતી નથી તો તેની ફાઇનલમાં પહોંચવાની આશા શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ પર નિર્ભર રહેશે. એકંદરે, WTC ફાઇનલમાં જવા માટે, ભારતને તેની બાકીની 8 મેચમાંથી ઓછામાં ઓછી ચાર જીતવી પડશે, નહીં તો તે મુશ્કેલ બની શકે છે.