- 2023-25ની સાઇકલમાં અત્યાર સુધી 27માંથી માત્ર 13 ટેસ્ટ શ્રેણી રમાઇ છે
- ભારતે 10 ટેસ્ટમાં ઓછામાં ઓછા પાંચ વિજય અને એક ડ્રોનું પરિણામ મેળવવા જરૂરી
- શ્રીલંકાએ છ માંથી માત્ર બે સિરીઝ રમી છે. તેને હજુ નવ ટેસ્ટ રમવાની બાકી
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (ડબ્લ્યૂટીસી) ત્રીજી સાઇકલ 2023-25ની ફાઇનલ આગામી વર્ષે 2025ના જૂન મહિનામાં લંડનના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ લોડ્સ ખાતે રમાશે. આ સાઇકલમાં 27 ટેસ્ટ શ્રેણી રમવાની છે અને 2024ની 21મી ઓગસ્ટ સુધી માત્ર 13 શ્રેણી રમાઇ છે.
ગયા વખતની ડબ્લ્યૂટીસી ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં છે પરંતુ 14 શ્રેણી બાકી હોવાના કારણે સ્થિતિ બદલાઇ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સહિત અન્ય ટીમો પણ લોડ્ઝની ટિકિટ મેળવી શકે છે. હાલમાં ઇંગ્લેન્ડ વિ. શ્રીલંકા અને પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઇ રહી છે. જેના પરિણામથી પણ ડબ્લ્યૂટીસી ફાઇનલના પોઇન્ટ ટેબલ તથા સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના સમાન 50 PCT છે
ન્યૂઝીલેન્ડની ટીમ છ ટેસ્ટ મેચમાં ત્રણ વિજય અને ત્રણ પરાજય સાથે 50% પોઇન્ટ ધરાવે છે. 60 પર્સન્ટેજ કરતાં વધારે પોઇન્ટ મેળવવા કિવી ટીમે વધારે મહેનત કરીને પોતાની તરફેણમાં પરિણામ લાવવા પડશે. તેની આઠ ટેસ્ટ બાકી છે અને 96માંથી ઓછામાં ઓછા 65 પોઇન્ટ મેળવવા પડશે. પાંચ વિજય અને બે ડ્રોનું પરિણામ તેના માટે ફાયદાકારક રહેશે. શ્રીલંકા છમાંથી માત્ર બે સિરીઝ રમી છે. તેને હજુ નવ ટેસ્ટ રમવાની બાકી છે. 108માંથી તેણે 70 પોઇન્ટ મેળવવા પડશે. આ માટે તેને પાંચ કે છ વિજય અને ત્રણ ડ્રોના પરિણામ હાંસલ કરવા પડશે. ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટમાં તેણે સારો દેખાવ કરવો પડશે.
સાઉથ આફ્રિકા : 38.89 PCT
સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સૌથી ઓછી ટેસ્ટ રમનાર ટીમો છે. બંનેએ 12-12 ટેસ્ટ રમવાની છે. ઇંગ્લેન્ડે 22 ટેસ્ટ રમવાની છે. આફ્રિકન ટીમે છ ટેસ્ટમાં 28 પોઇન્ટ મેળવ્યા છે અને ગયા સપ્તાહે વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણી જીતીને 16 પોઇન્ટ મેળવ્યા હતા. 60 પર્સન્ટેજ સુધી પહોંચવા તેણે છ ટેસ્ટમાં 59 પોઇન્ટ મેળવવા પડશે. પાંચ મેચ જીતવી પડે તેમ છે. તેણે શ્રીલંકા અને પાકિસ્તાન સામે હોમગ્રાઉન્ડમાં ચાર ટેસ્ટ રમવાની છે.
ભારત : પોઇન્ટ પર્સન્ટેજ સિસ્ટમ (પીસીટી) 68.52
ભારતીય ટીમ હાલમાં મોખરાના સ્થાને છે અને અત્યાર સુધી 68.52% પોઇન્ટ પ્રાપ્ત કરી લીધા છે. રોહિત શર્માની ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડવાની છે. આ શ્રેણી પહેલાં ભારતે પોતાના ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે કુલ પાંચ ટેસ્ટ મેચ રમવાની છે. ભારતે 2023માં 58.8 પોઇન્ટ સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ભારતે 60 %થી ઉપર રહેવા માટે 10 ટેસ્ટ મેચમાં મેક્સિમમ 120માંથી 63 પોઇન્ટ મેળવવા પડશે. નોંધનીય છે કે વિજય માટે 12 તથા ડ્રો માટે ચાર પોઇન્ટ મળે છે. આ સ્થિતમાં પાંચ વિજય અને એક ડ્રો વડે ભારતને 64 પોઇન્ટ મળશે અને તે 60 ટકાથી ઉપર રહેશે. જોકે ભારતે ઓવરરેટ ઉપર પણ ધ્યાન આપવું પડશે કારણ કે સ્લો ઓવર રેટના કારણે પોઇન્ટ્સ પણ કાપવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા : 62.50 (પીસીટી)
ઓસ્ટ્રેલિયા બે ટીમોમાંની એક એવી છે જેણે ચાલુ ડબ્લ્યૂટીસી સાઇકલમાં છમાંથી ચાર સિરીઝ રમી છે. વેસ્ટ ઇન્ડિઝ બીજી ટીમ છે. ઓસ્ટ્રેલિયાના 62.5% પોઇન્ટ છે પરંતુ તે ભારત સામેની આગામી શ્રેણીમાં કેવું પ્રદર્શન કરે છે તેના ઉપર તેના રેન્કિંગનો મુખ્ય મદાર રહેશે. ભારત ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે બે વખત સહિત છેલ્લી ચાર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું છે. 60 ટકાથી વધારે પોઇન્ટ જાળવી રાખવા ઓસ્ટ્રેલિયન ટીમે સાત ટેસ્ટ મેચમાં વધારે 47 પોઇન્ટ હાંસલ કરવા પડશે. આ ગણતરી મુજબ ઓસ્ટ્રેલિયન ટીમ ચાર અથવા ત્રણ વિજય અને ત્રણ ડ્રો મેચ સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કરી શકે છે.
પાકિસ્તાન : 36.66 PCT
પાકિસ્તાનની ટીમ છમાંથી માત્ર બે ટેસ્ટ શ્રેણી રમી છે. પાકિસ્તાન પાસે ઘરઆંગણે બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને વિન્ડીઝ સામે રમવાનો ફાયદો થશે. વિદેશમાં તેણે માત્ર સાઉથ આફ્રિકા સામે રમવાનું છે. 60 ટકા પર્સન્ટેજ સુધી પહોંચવા માટે પાકિસ્તાને પોતાની બચેલી નવ ટેસ્ટમાંથી 108માંથી 79 પોઇન્ટ મેળવવા પડશે. આ માટે તેણે છ વિજય અને કેટલીક મેચ ડ્રો અથવા સાત વિજય મેળવવા પડશે.
ઇંગ્લેન્ડ : 36.54, બાંગ્લાદેશ : 25.00
સ્લો ઓવર રેટના કારણે 19 પેનલ્ટી પોઇન્ટ કાપવામાં ના આવ્યો હોત તો ઇંગ્લેન્ડના પોઇન્ટ 48.72ના હોત. જોકે 60 ટકાથી ઉપર રહેવા માટે નવ ટેસ્ટમાંથી ઇંગ્લિશ ટીમે 108માંથી 102 પોઇન્ટ મેળવવા પડે તેમ છે. આ ટેસ્ટ જીતવા તથા એક ડ્રોના પરિણામથી તેને 100 પોઇન્ટ મળશે. ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે ઇંગ્લેન્ડે બાકીની તમામ ટેસ્ટ જીતવી પડે તેમ છે. બાંગ્લાદેશ પાસે ચાર શ્રેણી બચી છે. એક જ સિરીઝ ઘરઆંગણે રમવાની છે. આઠ ટેસ્ટ મેચના સંભવિત 96માંથી 75 પોઇન્ટ મેળવવા પડે તેમ છે. આ માટે છ વિજય અને એક ડ્રોનું પરિણામ હાંસલ કરવું પડશે.
વિન્ડીઝના લોએસ્ટ 18.52 પોઇન્ટ્સ
વેસ્ટ ઇન્ડિઝની ટીમે અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ શ્રેણી રમી છે અને તેણે 108માંથી માત્ર 20 પોઇન્ટ મેળવ્યા છે. જો તે પોતાની અંતિમ ચાર ટેસ્ટ પણ જીતી જાય તો પણ તે 43.59 પર્સન્ટેજ પોઇન્ટ જ મેળવી શકે છે. આમ ડબ્લ્યૂટીસી ફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકે તેમ નથી પરંતુ તે વિજય હાંસલ કરીને અન્ય મોટી ટીમોની ગણતરી બગાડી શકે છે.