- 10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનને મેન્સ સિંગલ્સમાં નવો વિજેતા મળ્યો
- પહેલા બે સેટમાં મેદવેદેવે જીત મેળવી હતી
- પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતવાનું રશિયન ખેલાડીનું સ્વપ્ન રોળાઇ ગયું
ઇટાલીના યુવા ટેનિસ ખેલાડી યાનિક સિનરે ઇતિહાસ રચી દીધો છે. 22 વર્ષના આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સની ફાઇનલ જીતી લીધી છે. રવિવારે રમાયેલા ખિતાબી મુકાબલામાં સિનરે રશિયાના દાનિલ મેદવેદેવને પાંચ સેટ સુધી ચાલેલી મેચમાં પરાજય આપ્યો હતો. સિનર ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સની ફાઇનલ જીતનાર ઇટાલીનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે આ મેચ 3-6,3-6, 6-4,6-4, 6-3થી પોતાના નામે કરી હતી. સિનરે સાથે જ પોતાની કેરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. તેણે મેદવેદેવનું સ્વપ્ન તોડી નાખ્યું છે. રશિયાના ખેલાડીની નજર પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ જીતવા પર હતી. પરંતુ ઇટાલીના સ્ટારે તેને પરાજય આપ્યો હતો. મેદવેદેવ આ પહેલા 2021માં યુએસ ઓપન ટાઇટલ જીતી ચૂક્યો છે. મેચમાં મેદવેદેવે પહેલો સેટ પોતાના નામે કર્યો હતો. તેણે સિનરને 6-3થી પાછળ રાખ્યો હતો. બીજા સેટમાં પણ મેદવેદેવે તોફાની રમતથી સિનરને 6-3થી હરાવ્યો હતો અને મેચમાં 2-0થી આગળ હતો પરંતુ સિનરે વાપસી કરતા ત્રીજો અને ચોથો સેટ 6-4,6-4થી જીત્યો હતો. અને પાંચમા સેટમાં તેણે 6-3થી જીત મેળવવાની સાથે ટાઇટલ પણ પોતાના નામે કર્યુ હતું.
વાવરિન્કા બાદ સિનરે કમાલ કરી
ઓસ્ટ્રેલિયન ઓપનને 10 વર્ષ બાદ કોઇ નવો ચેમ્પિયન મળ્યો છે. છેલ્લે 2014માં સ્વિત્ઝરલેન્ડના સ્ટેન વાવરિન્કાએ ટાઇટલ જીત્યું હતું. તે બાદ કોઇ નવો ચેમ્પિયન મળ્યો નહોતો. વર્ષ 2004થી રોજર ફેડરર, સર્બિયાના નોવાક જોકોવિચ અને સ્પેનનો રાફેલ નડાલ જ આ સ્પર્ધામાં જીતતા આવ્યા છે. ફેડરર 2004થી છ વાર ચેમ્પિયન બન્યો હતો. જોકોવિચે તેના કરતા વધારે 10 વાર ખિતાબ પોતાના નામે કર્યો હતો અને નડાલ આ દરમિયાન બે વાર વિજેતા બન્યો હતો. આ દરમિયાન રશિયાનો મરાત સાફિન 2005 અને વાવરિન્કા 2014માં સફળ થયા હતા.
જોકોવિચ સેમિફાઇનલમાં હાર્યો હતો
સર્બિયાનો નોવાક જોકોવિચ આ વખતે 11મી વાર ચેમ્પિયન બનવા ઊતર્યો હતો. પરંતુ જોકોવિચને યાનિક સિનરે જોરદાર આંચકો આપ્યો હતો અને તેને સેમિફાઇનલમાં જ સ્પર્ધા બહાર કરી દીધો હતો. જ્યારે દાનિલ મેદવેદેવે સ્પેનના કાર્લોસ અલ્કારાજને પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સીહ સુ-વેઇ અને મર્ટેસ વુમન્સ સિંગલ્સ ચેમ્પિયન બની
ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટની મહિલા ડબલ્સની ફાઇનલમાં તાઇવાનની સીહ સુ-વેઈ અને બેલ્જિયમની એલીસ મર્ટેસની જોડીએ જીત મેળવી છે. બંનેએ યૂક્રેનની જોડી જેલેના ઓસ્ટાપેન્કો અને લ્યૂડમિલ-એ કિચેનોકને 6-1, 7-5થી સીધા સેટોમાં પરાજય આપ્યો હતો. સીહ માટે આ જીત બેવડો આનંદ આપનારી રહી હતી કારણ કે હજુ શુક્રવારે જ તેણે પોલેન્ડના જેન ઝિલિન્સ્કી સાથે મળીને મિક્સ્ડ ડબલ્સ ખિતાબ જીત્યો હતો.