State government hiding test statistics, caught giving false information in High Court affidavit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ટેસ્ટીંગના આંકડા સંતાડતી રાજ્ય સરકાર હાઈકોર્ટના સોગંદનામામાં પણ ખોટી માહિતી આપતા પકડાઈ

ટેસ્ટીંગના આંકડા સંતાડતી રાજ્ય સરકાર હાઈકોર્ટના સોગંદનામામાં પણ ખોટી માહિતી આપતા પકડાઈ

 | 6:49 am IST
  • Share

એક તરફ રાજ્યમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ઉત્તરોત્તર ગંભીર બનતી જાય છે અને રાજ્ય સરકાર કોરોના પોઝિટિવની સંખ્યાથી માંડી ઓક્સિજન, રેમડેસિવિર, હોસ્પિટલ બેડ્સ જેવી વ્યવસ્થામાં જે દાવા કરે છે તે વાસ્તવિકતાથી જોજનો દૂર છે તેવી ગંભીર શંકાઓ પડી રહી છે ત્યારે ખુદ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં પણ સરકાર માહિતી છુપાવતી હોવાનું ચીફ જસ્ટિસે જ પકડી પાડયું હતું.

નવાઈની વાત એ છે કે, રાજ્યમાં કુલ ૧૧૦ આરટીપીસીઆર ટેસ્ટિંગ મશીન્સ હોવાનું અગાઉ એફિડેવિટ કર્યું અને હવે બીજા સોગંદનામામાં કહ્યું ૭૨ મશીન્સ છે અને આ તરફ કોર્ટે જ્યારે ધ્યાન દોર્યું ત્યારે સરકારે નફ્ફટાઈથી તેની કબૂલાત પણ કરી લીધી હતી.

કોરોના સંક્રમણ મુદ્દે સુઓમોટોની અરજી પરની સુનાવણી દરમિયાન મંગળવારે હાઈકોર્ટે રાજ્ય સરકારની અને મહાનગરપાલિકાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટપણે આદેશ કર્યો છે કે મહાનગરપાલિકાની મનમાની ચલાવો નહીં. રાજ્ય સરકાર જે પણ નીતિ બનાવે તેનુ પાલન કરવા માટે દરેક મહાનગરપાલિકા બંધાયેલી છે.

જો કે, અમદાવાદ મહાનગરપાલિકા તો રાજ્યની ઉપરવટ જઈને નીતિ બનાવે છે. એએમસીનુ આ વલણ કેવી રીતે ચલાવી લેવાય ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તોફની બાળકની જેમ વર્તી રહી છે અને સરકારનુ માનતી નથી અને તો પણ રાજ્ય સરકાર દ્વારા તેને પંપાળવામાં આવે છે.

આરટીપીસીઆર ટેસ્ટિંગ માટેના મશીનોના મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, ૧૯ એપ્રિલે રજૂ કરેલા આંકડાઓ મુજબ રાજ્યમાં ૧૧૦ આરટીપીસીઆર ટેસ્ટિંગના મશીનો છે. જો કે, તાજેતરના સોગંદનામા મુજબ રાજ્ય સરકારની લેબમાં ૭૨ મશીનો હોવાનુ કહેવાયુ છે. તેનો મતલબ એ થયો કે, ૧૯ એપ્રિલે રજૂ કરાયેલા સોગંદનામામાં સરકારે શપથ પર ખોટી માહિતી આપી છે. આ બાબત ખરેખર ખેદજનક છે.

હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે, હાઈકોર્ટ એ કોઈ ફેક્ટ ફઈન્ડિંગ કરતું નથી, પરંતુ સાચી માહિતી આપો તે જરૂરી છે. વિગતોને છુપાવવાનો કોઈ મતલબ નથી. આ ઉપરાંત, એપ્રિલમાં ટેસ્ટિંગ ૧.૯૦ લાખ હતા અને મે માસમાં તે ૧.૩૨ લાખ થઈ ગયા છે. જો કે, સરકાર કહે છે, ટેસ્ટિંગ વધ્યા છે, જ્યારે આંકડાઓ કંઈક જુદી જ વાત કરે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ફ્રિયાદ છે કે ટેસ્ટિંગ માટે મર્યાદિત કીટ આપવામાં આવે છે, જેથી ટેસ્ટિંગને છુપાવી શકાય. આવુ શા માટે કરાય છે ? હાઈકોર્ટની આ આકરા વલણ બાદ, રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે ૧૯ એપ્રિલના સોગંદનામામાં રજૂ થયેલા આંકડાઓમાં ભૂલ થઈ હોય શકે છે.

આ ઉપરાંત, હાઈકોર્ટે ૧૦૮ એમ્બ્યુલંસની સેન્ટ્રલાઈઝ સિસ્ટમના મુદ્દે એએમસીને ફ્ટકાર લગાવતા કહ્યું છે કે, તેની આ સિસ્ટમ એ સંપૂર્ણપણે નિષ્ફ્ળ રહી છે. આ સિસ્ટમના લીધે, હોસ્પિટલની બહાર ૧૦૮ એમ્બ્યુલંસની લાંબી લાઈનો નજરે પડી છે. આ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એએમસીને સવાલ કર્યો હતો કે સેન્ટ્રલાઈઝ સિસ્ટમ અંગે તમારુ શું કહેવું છે, જેના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, આનો જવાબ દેવો મુશ્કેલ છે.

રેમડેસિવીર ઇંજેક્શનના મુદ્દા પર હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે જિલ્લાઓમાં ઇંજેક્શનની ફળવણી અંગે સરકાર પાસે શું આયોજન છે ? અનેક જિલ્લાઓમાં રેમડેસિવીર ઇંજેક્શન મળતા જ નથી, જે જિલ્લાઓમાં જરૂરી છે, ત્યાં ફળવણી કેવી રીતે કરો છો ?

હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, છેલ્લા ૧ સપ્તાહમાં કે ૧૫ દિવસમાં રાજ્યના જિલ્લાઓમાં રેમડેસિવીર ઇંજેક્શનની ફળવણી કેવી રીતે કરાઈ છે, તેનો ચાર્ટ આપો, ભવિષ્યમાં જિલ્લાઓમાં રેમડેસિવીર ઇંજેક્શનની ફળવણી કેવી રીતે કરશો તે અંગે સોગંદનામુ કરીને જવાબ આપો.

ઓક્સિજનના મુદ્દા પર પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, પીએસએ પ્લાન્ટને બનાવવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટના ફ્ંડની રાહ જોવાય છે, રાજ્ય સરકાર તેની પાસે રહેલા ફ્ંડમાંથી શા માટે પીએસએ પ્લાન્ટને બનાવવા માટે કાર્યવાહી કરતું નથી ? આ સવાલને લઈને રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે સોળ પ્લાન્ટની મંજૂરી માગી હતી, તેમાંથી ૮ પ્લાન્ટ કેન્દ્રએ મંજૂર કર્યા હતા.

જો કે, એક પ્લાન્ટ બ્લેક લિસ્ટ થયો હોવાથી બાકીના સાત માંથી ૫ પ્લાન્ટ શરૂ કરી દેવાયા છે. જ્યારે અન્ય બે પ્લાન્ટ ( મોરબી અને નવસારી) પાંચ મે સુધીમાં શરૂ થશે. રાજ્ય સરકારનુ આયોજન તો ૩૨ પીએસએ પ્લાન્ટ બનાવવાનુ છે. આ માટેનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. જો કે, આ પ્લાન્ટ બનાવવા માટેનો કાચો માલ ફ્રાસ, જર્મની અને અન્ય દેશમાંથી લાવવો પડે છે અને તે માટે બે થી ત્રણ માસનો સમય જાય છે. એક પ્લાન્ટ બનાવવા માટે સરરેશ રૂ. ૩૦ થી ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, ઓક્સિજનની સ્થિતિ, ટેસ્ટિંગ માટેના મશીન અને ટેસ્ટિંગના આંકડા, રેમડેસિવીરની ફળવણી કેમ કરશો, દરેક જિલ્લાની વિગતો સહિતના વિવિધ મુદ્દાઓ પર જવાબ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી ૧૧ મેના રોજ હાથ ધરાશે.

અરજદારોની રજૂઆત

  • રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યા ઘટી, કેસ ઘટાડવા પ્રયાસ
  • દરેક પીએચસી માત્ર ૨૫ ટેસ્ટ કિટ મોકલાય છે
  • સરકારના સોગંદનામામાં અનેક વિગતો જણાવાઈ નથી
  • ૪૫થી ૬૦ વર્ષના દરેકને વેક્સિન અપાઈ હોવાથી વાત ખોટી
  • રાજ્યમાં રેમડેસિવીરની વહેંચણી અંગેની એસઓપી અંગે કંઈ કહ્યુ નથી
  • પહેલા રોજ ૧૬,૫૦૦ રેમડેસિવીર ઇંજેક્શન મળતા હતા હવે રોજના ૧૬,૧૦૦ મળે છે
  • હોસ્પિટલમાં એડમિટ કરતી વખતે લખાવાય છે કે ઓક્સિજન મળશે નહીં
  • ડીઆરડીઓ હોસ્પિટલમાં ૯૦૦ બેડ નહીં પરંતુ ૬૦૦ બેડની જ સુવિધા
  • અહીં બાથરૂમની યોગ્ય સુવિધા જ નથી, સ્વચ્છતાના નામે મીંડુ છે
  • ડીઆરડીઓ હોસ્પિટલમાં ટોકન સિસ્ટમના આધારે એડમિટ કરાય છે
  • સુપ્રીમ કોર્ટમાં સરકાર કહે છે કે ડીઆરડીઓ હોસ્પિટલમાં પૂર્ણ સુવિધા સાથે ૯૦૦ બેડ
  • સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે રાજ્ય ઓક્સિજનનો બફ્ર સ્ટોક રાખે, પરંતુ તેની કોઈ માહિતી જ નથી
  • હોસ્પિટલને પ્રો-રેટા આધારે રાશનની જેમ ઓક્સિજન અપાય છે

રસીનો ઓર્ડર ક્યારે મળશે? HC, કહેવું અઘરૃં છેઃ સરકાર

હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે, સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો છે કે નહીં ? વેક્સિનેશન માટેના ડોઝનો ઓર્ડર ક્યારે આવશે ? આ અંગે રાજ્ય સરકારે કહ્યું કે, વેક્સિનેશન માટેના ડોઝનો ઓર્ડર ક્યારે મળશે, તે કહેવું હાલ અઘરૂ છે.

નેગેટિવ RT PCR સાથે ત્રણ દિવસમાં પરત ફ્રે તો તે માન્ય

બીજા રાજ્યમાંથી ગુજરાતમાં પાછા ફરતા લોકો માટે હાઈકોર્ટે એએમસીને આદેશ કર્યો છે કે, જે લોકો ગુજરાત છોડતા પહેલા આરટીપીસીઆર કરાવે છે અને તે નેગેટીવ છે અને ત્રણ દિવસમાં તે અન્ય રાજ્યમાં જઈને પરત આવે તો તેના આ આરટીપીસીઆરના રિપોર્ટને માન્ય ગણો.

૨૧ યુનિવર્સિટીઓ સામે પગલાં લો

હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ એવો પણ કર્યો છે કે, જે ૨૧ યુનિવર્સિટીઓ તેની લેબોરેટરીઓનો કોરોનાના ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવા માટે સહયોગ આપતી નથી, તેમની સામે પગલા લો. આ યુનિવર્સિટીઓને વિનંતી નહીં પણ આદેશ કરો. જો માને નહીં તો તેમની સામે પગલા લો. હાઈકોર્ટમાં સરકારે જે સોગંદનામું કર્યું હતું તેમાં આપેલી વિગતો મુજબ ૨૬ યુનિવર્સિટીઓમાંથી પાંચની લેબોરેટરીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે. બાકીની ૨૧ યુનિવર્સિટી સાથે ચર્ચા ચાલે છે.

રાજ્ય સરકારની રજૂઆત

  • આરટીપીસીઆર ટેસ્ટિંગ માટે લેબોરેટરી નહીં પરંતુ મશીનોની સંખ્યા વધારાઈ
  • રાજ્યની લેબોરેટરીમાં ૭૨ મશીનો કાર્યરત
  • ક્યાંય પણ ટેસ્ટિંગ રોકાયા નથી, જે જિલ્લામાં બન્યુ હશે ત્યાં પગલા લેવાશે
  • અમદાવાદને ૨૫.૪૪ ટકા અને અન્ય જિલ્લાઓને ૭૪.૨૬ ટકા રેમડેસિવીર આપ્યા

એએમસીની રજૂઆત

  • ૧૦૮ એમ્બ્યુલંસની સેન્ટ્રલાઈઝ પદ્ધતિ યોગ્ય છે
  • સરકારે અનામત રાખેલી પથારીઓ પર દર્દીઓની ફળવણીનુ કામ કરે છે
  • સેન્ટ્રલ કન્ટ્રોલર નજીકની હોસ્પિટલની વિગતો આપે છે
  • લોકો ખાનગી વાહનમાં આવીને એડમિટ થવા હોબાળો કરે છે
  • આ વલણથી ગરીબ દર્દીઓને પથારી મેલવવામાં નુકસાન
  • ૧૦૮ એમ્બ્યુલંસથી ૧૮ ટકા દર્દીઓને દાખલ કરાયેલા છે
  • આ વર્ષે પથારીઓની સંખ્યા વધારે હોવાથી ૨૦ ટકા અનામતથી પણ ઘણી પથારીઓ ઉપલબ્ધ
  • અમદાવાદના વ્યક્તિ ગુજરાત બહારથી આવે તો તેને આરટીપીઆરની જરૂર નથી, તે સરકારની સહમતિથી નક્કી થયેલુ

૯૦૦ની જાહેરાત, હવે કહે છે ધન્વંતરિ હોસ્પિટલની ક્ષમતા ૫૫૮ની જ છે

જીએમડીસી ખાતે રહેલા ધનવન્તરી હોસ્પિટલને લઈને હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત છે કે, આ હોસ્પિટલમાં ૫૫૮ પથારીઓને સંચાલિત કરવાની ક્ષમતા છે. હાલ, આ હોસ્પિટલમાં ૬૪૧ દર્દીઓને એડમિટ કરાયેલા છે. સરકારનો પ્રયાસ છે કે, આ હોસ્પિટલને ૯૦૦ પથારી સુધી પૂર્ણ સંચાલિત કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન