Stock market positive on the fourth day, ignoring high inflation
  • Home
  • Business
  • ઊંચા ઇન્ફ્લેશનની અવગણના કરી ચોથા દિવસે શેરબજાર પોઝિટિવ

ઊંચા ઇન્ફ્લેશનની અવગણના કરી ચોથા દિવસે શેરબજાર પોઝિટિવ

 | 11:49 pm IST
  • Share

  • યુએસ ખાતે ડિસેમ્બર માટે કન્ઝયૂમર ઇન્ફ્લેશન 40 વર્ષોની ટોચ પર

  • માર્કેટ રોટેશનમાં મેટલ અને ફાર્માની આગેવાનીમાં મજબૂતી જળવાઈ

  • વોલેટિલિટી ઇન્ડેક્સ 2.8 ટકા ઘટી 16.70 પર બંધ રહ્યો

શેરબજારમાં ચોપી ટ્રેડ વચ્ચે બેન્ચમાર્ક્સ પોઝિટિવ બંધ આપવામાં સફ્ળ રહ્યાં હતાં. નિફ્ટી 110 પોઇન્ટ્સની રેંજમાં અથડાતો રહી કામકાજના અંતે 44 પોઇન્ટ્સના સુધારે 18,257 પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 85 પોઇન્ટ્સ સુધરી 61,235 પર બંધ જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઇન્ડેક્સ 2.79 ટકા ગગડી 16.70 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી 36 પોઝિટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 14 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. આમ બજારમાં બે મહિનાની ટોચના સ્તરે ટ્રેડર્સમાં લાર્જ-કેપ્સ તરફ્ વળવાનું વલણ સ્પષ્ટપણે જોવા મળતું હતું. યુએસ ખાતે ડિસેમ્બર માટેનું રિટેલ ઇન્ફ્લેશન 7 ટકાની 40 વર્ષોની ટોચ પર જોવા મળ્યું હતું. જેની પ્રતિક્રિયારૂપે ફેડ ચેરમેને ઝડપી રેટ વૃદ્ધિ કરવા માટે તેઓ ખચકાશે નહીં એમ જણાવ્યું હતું. જોકે આ કોમેન્ટ પાછળ યુએસ બજારો એકવાર ગગડયાં બાદ દિવસના તળિયાથી પરત ર્ફ્યાં હતાં.

નાસ્ડેક પણ 35 પોઇન્ટ્સ સુધારા સાથે બંધ જોવા મળ્યો

ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 38 પોઇન્ટ્સના સુધારે બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 35 પોઇન્ટ્સ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્રા માહોલ જોવા મળ્યો હતો અને ચીન અને જાપાનના બજારો એક ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બપોરે યુરોપ બજારો પણ નેગેટિવ ટ્રેડ દર્શાવતાં હતાં. તેમ છતાં ભારતીય બજાર પોઝિટિવ બંધ આપી શક્યું હતું. જેનું એક મહત્ત્વનું કારણ ત્રીજા ક્વાર્ટરની અર્નિગ્સ સિઝનની અપેક્ષિત શરૂઆત પણ માનવામાં આવે છે. એનાલિસ્ટ્સના મતે અગ્રણી આઈટી કંપનીઓનો દેખાવ વાજબી રહ્યો છે. વિપ્રોએ નિરાશા આપી છે. જેની પાછળ શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઇન્ફેસિસે ગાઇડન્સમાં સુધારો કરતાં મૂડ અપબીટ બન્યો છે.

ગુરુવારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ફ્લેટ રહ્યો

ટીસીએસને ઊંચા કર્મચારી ખર્ચને કારણે થોડી અસર થઈ છે. જોકે ગુરુવારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો. જ્યારે મેટલ અને ફર્મા સપોર્ટ માટે મેદાનમાં આવ્યાં હતાં. નિફ્ટી મેટલ તો 3.48 ટકાનો તીવ્ર ઉછાળો દર્શાવતો હતો. જેમાં સ્ટીલ શેર્સ સુધરવામાં અગ્રણી હતાં. તાતા સ્ટીલ 6.45 ટકા, જેએસપીએલ 5.85 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 4.7 ટકા, એનએમડીસી 3.4 ટકા અને સેઈલ 3 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. અન્ય મેટલ શેર્સમાં પણ મજબૂતી જોવા મળી હતી. ફર્મા ઇન્ડેક્સ 1.6 ટકા સુધરી બંધ રહ્યો હતો. જેમાં સન ફર્મા 3.5 ટકા સાથે ટોચ પર હતો. જે સિવાય ડિવિઝ લેબ 2.2 ટકા અને સિપ્લા 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.

નિફ્ટી પીએસઈ 1.2 ટકા મજબૂતી દર્શાવતો હતો

નિફ્ટી પીએસઈ 1.2 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં કોલ ઈન્ડિયા 3.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ટાટા પાવર, આઈઓસી, બીપીસીએલ અને પાવર ગ્રીડ પાછળ નિફ્ટી એનર્જી પણ 1.23 ટકા સુધારો દર્શાવતો હતો. જોકે નિફ્ટી બેંક 0.67 ટકા નરમાઈ સૂચવતો હતો. અગ્રણી બેંક્સ એચડીએફ્સી 1.9 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક પણ એક ટકાથી વધુ ઘસારા સાથે બંધ રહ્યાં હતાં. મિડ અને સ્મોલ-કેપ્સમાં મોમેન્ટમ ધીમું પડયું હતું. બીએસઈ ખાતે જોકે 14મા સત્રમાં માર્કેટ-બ્રેડ્થ પોઝિટિવ જળવાય હતી. જોકે 1,737 શેર્સમાં સુધારા સામે 1,681 શેર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 430 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહેવા સાથે 421 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.

સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં નીચલી સર્કિટ્સનું પ્રમાણ વધ્યું

છેલ્લા બે દિવસથી સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં નીચલી સર્કિટ્સનું પ્રમાણ વધ્યું છે. જે રિટેલ ઇન્વેસ્ટર્સને નાના કાઉન્ટર્સથી દૂર રહેવા માટેનો સંકેત છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી માટે 18,500નું સ્તર અવરોધ બની શકે છે. જે પાર થશે તો બેન્ચમાર્ક 19,000 સુધીનો ઝડપી સુધારો દર્શાવે તેવી સંભાવના છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો