ફ્લિપકાર્ટ પર દરરોજ 800 ઓર્ડર્સ મેળવતાં રાજકોટના રશ્મિની સક્સેસ સ્ટોરી - Sandesh
  • Home
  • Business
  • ફ્લિપકાર્ટ પર દરરોજ 800 ઓર્ડર્સ મેળવતાં રાજકોટના રશ્મિની સક્સેસ સ્ટોરી

ફ્લિપકાર્ટ પર દરરોજ 800 ઓર્ડર્સ મેળવતાં રાજકોટના રશ્મિની સક્સેસ સ્ટોરી

 | 8:00 am IST
  • Share

  • ફ્લિપકાર્ટને આગળ ધપાવવામાં આ ગુજરાતી મહિલાએ કર્યો અથાગ પ્રયાસ

  • તમે પણ જાણો રાજકોટના રશ્મિ વાગેરાહે સફળતા માટેનો અભિગમ કર્યો શેર, મેળવી ખાસ સિદ્ધિ

  • ફ્લિપકાર્ટની હોમ કેટેગરીના 42 ટકા ફ્લિપકાર્ટ વિક્રેતાઓ માત્ર રાજકોટના છે

 

કહેવાય છે કે કોઈના પણ હૃદયમાં સ્થાન પામવાનો રસ્તો પેટ મારફતે જાય છે. આ કહેવતનો અર્થ એટલો જ છે કે, જો કોઈને પેટ ભરીને સ્વાદિષ્ટ ભાવતા ભોજન કરાવવામાં આવે તો તેમને મળેલી તૃપ્તિથી તેમના હૃદયમાં એ ભોજન કરાવનાર ઊંચા સ્થાને બિરાજે છે. ભારતના દરેક ઘરમાં રહેલી ગૃહિણી પોતાની આગવી રસોઈ કળા અને ભોજન વ્યવસ્થાથી સમગ્ર પરિવારના હૃદયમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવી લે છે. 

દિવસભર ઘરનાં કામકાજ અને ખાસ કરીને પરિવાર માટે રસોઈ બનાવવાની વ્યવસ્થાની આસપાસ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતી ઘણી ગૃહિણીઓના વિચારો કોઈ બિઝનેસ સ્ટાર્ટ-અપ્સના આઇડિયાથી ઓછા નથી હોતા. ફરક માત્ર એટલો જે કે તેમના એ વિચારોને વ્યવસાયમાં ફેરવવાના તેમના સપનાને પાંખો નથી મળતી. જ્યારે પણ કોઈ વિચારશીલ ગૃહિણીના સપનાને થોડો સહકાર મળે તો તેમનું વ્યક્તિત્વ એક સફળ ઉદ્યોગ સાહસિક તરીકેની પોતાની આગવી ઓળખ બનાવી શકે છે. આ વાતનું જીવંત ઉદાહરણ છે, રાજકોટનાં રશ્મિ વાગેરાહ. જેમણે તેમના જેવી દેશની અસંખ્ય ગૃહિણીઓના રસોઈના કામને સરળ અને ઝડપી બનાવવામાં મદદરૂપ બનવાના વિચારને ઓનલાઇન વેચાણના વ્યવસાયમાં પરિવર્તિત કરીને ધ્યાનાકર્ષક સફળતા મેળવી છે.

 રાજકોટ એ ગુજરાતમાં મશીન ટુલ્સ અને ધાતુના ઉપકરણો બનાવવાનું ઔદ્યોગિક કેન્દ્ર છે અને રાજકોટના ઉદ્યોગસાહસિકો પોતાના આત્મવિશ્વાસ અને જોશથી એન્જિનિયરિંગના અનોખા સાધનોનું પણ ઉત્પાદન કરે છે. ઉદ્યોગસાહસિકતાનો મિજાજ ધરાવતા શહેરમાં રહેતાં રશ્મિ મનોજભાઈ વાગેરાહના મનમાં જ્યાં સુધી ઇન્ટરનેટ અને ઇ-કોમર્સના માધ્યમોનો ઉપયોગ કરીને રસોડાના વિવિધ સાધનોના ઓનલાઇન વેચાણનો વિચાર નહોતો સ્ફૂર્યો ત્યાં સુધી તેઓ માત્ર એક ગૃહિણી હતાં. પરંતુ, આજે રશ્મિ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને B2C (બિઝનેસ ટુ કસ્ટમર) શ્રેણીમાં કામ કરતાં એક સફળ ફ્લિપકાર્ટ વિક્રેતા છે. ગુજરાતમાં 35 હજારથી વધુ ફ્લિપકાર્ટ વિક્રેતાઓ છે. એટલું જ નહીં ફ્લિપકાર્ટની હોમ કેટેગરીના 42 ટકા ફ્લિપકાર્ટ વિક્રેતાઓ માત્ર રાજકોટના છે.

રશ્મિ વાગેરાહે વર્ષ 2018માં રસોડાના વાસણો, ઘરગથ્થુ ઉપકરણો, ડેકોર, ફીટીંગ્સ અને અનેક ચીજોનું ઉત્પાદન તથા તેમના ઓનલાઇન વેચાણથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો. માત્ર ત્રણ જ વર્ષમાં તેમની કંપનીએ ઓનલાઇન વેચાણમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમની કંપની સારા બિઝનેસ ગૃપ દ્વારા તૈયાર થતી એક પ્રોડક્ટ ભારતના સંખ્યાબંધ રસોડામાં તહેવારના સમયે ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તેમની કંપનીની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ છે, સેવ બનાવવાનો સંચો જેને અંગ્રેજીમાં કિચન પ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વ્યવસાયની વાત કરતાં રશ્મિ વાગેરાહ કહે છે, “શરૂઆતમાં અમે માત્ર ઓનલાઈન જથ્થાબંધ વેપારીઓ સાથે વ્યવહાર કરતા હતા અને તેમને અમારી પ્રોડક્ટ્સ વેચતા હતા. જો કે, અમે ટૂંક સમયમાં અમારો પોતાનો ફ્લિપકાર્ટ સ્ટોર શરૂ કર્યો અને ગ્રાહકો સુધી પહોંચવાનું શરૂ કર્યું. અમે સતત કામ કરી રહ્યા છીએ. અમારી બે ચેનલો દ્વારા અવિરતપણે દરરોજ મોટી સંખ્યામાં ઓર્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે.”

રશ્મિના નિષ્ઠાવાન પ્રયાસોએ પણ એટલા જ આકર્ષક પરિણામો આપ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમના ઉત્પાદનોનું વેચાણ લગભગ 1000% વધ્યું છે.

હાલ રશ્મિના એન્ટરપ્રાઈઝમાં 15 લોકો કામ કરે છે. કોરોનાના કારણે ઓનલાઈન શોપિંગમાં માંગમાં વધારો થયો છે. ઘરમાં રસોઈ કરવાના શોખના કારણે તેઓ આ બિઝનેસમાં વધારે સફળ થયાં છે. તેઓ કહે છે, “કોરોના પહેલા અમારા ઓર્ડર દરરોજ સરેરાશ 50 હતા અને તે પછી દરરોજ 800 ઓર્ડર રોજના ફિક્સ થઈ ચૂક્યા છે. છેલ્લા એકાદ વર્ષથી મેં માર્કેટપ્લેસ તરીકે ફ્લિપકાર્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મને અહીં વધુ ગ્રાહકો મળે છે. જ્યારે મને કોઈ પ્રશ્ન હોય, ત્યારે હું મારી સમસ્યા ઉકેલવા માટે કોઈનો સીધો સંપર્ક કરી શકું છું.”

ફ્લિપકાર્ટના માધ્યમથી પોતાના ગ્રાહકો પાસેથી મળતાં પ્રતિભાવોથી રશ્મિ પોતાનાં ઉત્પાદનો અને પ્રક્રિયાઓને વધુ ગ્રાહકલક્ષી બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેને કારણે તેમના વ્યવસાયને વેગ મળે છે. તેમણે કહ્યું, “ઉત્પાદનના રેટિંગ પર ધ્યાન આપીએ તો જ્યારે પણ જરૂર હોય અમે અમારી પ્રોડક્ટ કે પેકેજિંગમાં સુધારો કરીએ છીએ. જ્યારે અમે અનુભવ્યું કે અમારી બેસ્ટ સૅલિંગ પ્રોડક્ટ સેવ મેકરમાં કેટલાક એટેચમેન્ટ ઓનલાઈન ગ્રાહકોને માટે ઉપયોગી નથી, તો અમે તેને હટાવીને અન્ય ઍટૅચમેન્ટ મૂક્યાં જે ગ્રાહકોને વધુ ઉપયોગી બની રહે. આથી અમારા સેવ મેકરની માગ વધતી રહે છે.”

રશ્મિ જેવા ફ્લિપકાર્ટ વિક્રેતાઓને ટેકો આપવા માટે ફ્લિપકાર્ટના નેક્સ્ટ-ડે પેમેન્ટ પ્રોગ્રામ જેવા ગ્રોથ ટૂલ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રોથ કેપિટલ સેલર ફાઇનાન્સિંગ પ્રોગ્રામના ભાગરૂપે ફ્લિપકાર્ટ વિક્રેતાઓને કસ્ટમાઇઝિંગ ઑફર મેળવવામાં પણ મદદ કરે છે. સ્ટોકની ઉપલબ્ધતાને નક્કી કરવા માટે ઉત્પાદનનું સોર્સિંગ શરૂ કર્યું અને સાથે આ વર્ષે તહેવારની સીઝનમાં રશ્મિએ 4000 ઓર્ડર મેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું. ફ્લિપકાર્ટનું વિસ્તરણ ચાર નવી સપ્લાય ચેઇન સુવિધાઓ સાથે ગુજરાતમાં વેરહાઉસ સુવિધા વ્યવસાયોને વધુ મદદ કરે છે.

હિંદી ભાષામાં એક કહેવત છે – જહાં ચાહ વહાં રાહ અને ગુજરાતીમાં પણ તેના જેવી જ એક કહેવત છે મન હોય તો માળવે જવાય. રશ્મિ વાગેરાહની ગૃહિણીમાંથી એક સફળ ઓનલાઇન વિક્રેતા બનવાની આ સાફલ્યગાથામાં આ બન્ને કહેવતો શબ્દશઃ સાચી પડતી હોય તેવું તમને નથી લાગતું? જો આ પ્રશ્નનો તમારો જવાબ ‘હા’ હોય તો તમે પણ તમારા વિચારને વ્યવસાયમાં બદલવાનું મન બનાવીને  સફળતાની કેડીમાંથી રાજમાર્ગ બનાવી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો