ભારતભરમાં હાલમાં કેરીની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાતી હોય. સામાન્ય રીતે કેરીની અધધ જાતો જોવા મળતી હોય છે.

ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં પોતાના રાજ્યની સ્પેશિયલ કેરીઓ જોવા મળતી હોય છે અને આ કેરીઓનાં નામ પણ અજીબ હોય છે. અલબત્ત, આ અલગ અલગ કેરીઓના અલગ આકાર, રંગ, સ્વાદ, મીઠાશ અને ગોટલા પણ અલગ જોવા મળતાં હોય છે. જો આ તમામ કેરીઓ કોઇ એક જ આંબા પર જોવા મળે તો? ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના કંપની બાગ વિસ્તારમાં એક એવો આંબો જોવા મળ્યો છે જેમાં કુલ 121 પ્રકારની કેરીઓ થાય છે. એક જ આંબા પર અલગ અલગ પ્રકારની કેરીઓ ઉગાડવાની પ્રક્રિયાને ગ્રાફ્ટિંગ કહેવામાં આવે છે. અહીં જે આંબા પર સફળ ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું છે તેની પાછળ નવ વર્ષની મહેનત છે. કંપની બાગ ગાર્ડનના મેનેજરના જણાવ્યા પ્રમાણે વર્ષ 2016માં તેમણે 121 અલગ અલગ કેરીઓની જાતનું ગ્રાફ્ટિંગ કર્યું હતું. અલબત્ત, તેમનો આ ગ્રાફ્ટિંગ પ્રયોગ સફળ નીવડ્યો અને આસપાસના રાજ્યના ખેડૂતો પણ પોતાના ખેતરમાં અધધ કેરીઓનું ગ્રાફ્ટિંગ જોવા અને સમજવા આવે છે. આ આંબામાં લંગડો, મલ્લિકા, દશહરી, અંગુર દાના ઉપરાંત બોમ્બે નામની કેરીઓ જોવા મળે છે.

આંધ્રપ્રદેશમાં ગાય-ભેંસોનું પણ આધારકાર્ડ!

ભારતમાં જેમ દરેક નાગરિકના આધાર કાર્ડ છે તેમ જો દરેક પાલતુ પ્રાણીઓનાં આધારકાર્ડ બનાવવામાં આવે તો? આંધ્ર પ્રદેશમાં તિરુપતિ જિલ્લામાં યુવાનોએ ગોધાર નામની એક લોકપ્રિય એપ બનાવી છે, જેની પ્રેરણા આધારકાર્ડ જ છે. આ એપથી ગાય-ભેંસની યુનિક ડિજિટલ ઓળખ બને છે. ગાય-ભેંસની માંસપેશીઓની પેટર્નને સ્કેન કરવા માટે એઆઇનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ એક રીતે માણસોની ફિંગરપ્રિન્ટ સમાન જ છે. મૂળ આ એપથી ગાય-ભેંસનાં જન્મ-મૃત્યુ, દૂધ ઉત્પાદન ઉપરાંત માલિકના નામથી લઇને તેની મેડિકલ હિસ્ટ્રીને ટ્રેક કરી શકાય છે. જોકે, ગાય-ભેંસની ફિંગરપ્રિન્ટ નથી હોતી, તેથી તેમાં તેમની માંસપેશીઓ મહત્ત્વની સાબિત થઇ છે. આ એપમાં સ્માર્ટફોનથી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ કેમેરામાં મજલ (પ્રાણીનાં નાક અને મોઢાવાળા ભાગ)ની તસવીર લેવાની હોય છે, જે માણસની ફિંગરપ્રિન્ટની જેમ યુનિક હોય છે અને આ મજલથી એક યુનિક આઇડી બને છે, જેને ગોધાર આઇડી કહેવામાં આવે છે. તસવીર મૂક્યા બાદ ગોધાર આઇડી જનરેટ કરે છે અને ગાય-ભેંસનાં જન્મ-મૃત્યુ અને અન્ય માહિતી ગોધાર પર રેકોર્ડ થઇ જાય છે.

લાવારિસ લાશોની વારિસ : શાલુ સૈની

કહેવત છે કે માણસાઈ ક્યારેય મરતી નથી, પરંતુ જેઓ મૃત્યુ પામ્યા છે અને જેનું કોઇ રણીધણી ન હોય તેનું શું? ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગરમાં રહેતા શાલુ સૈનીની માણસાઈ લાવારિસ રીતે મૃત્યુ પામેલા માટે પહેલી હરોળમાં છે. તેમને ઉત્તર પ્રદેશના લોકો લાવારિસના વારિસ તરીકે ઓળખે છે. જ્યારે કોરોનાકાળ ચાલતો હતો ત્યારે જે તે વ્યક્તિ મૃત્યુ પામતી હતી તેને કોઇ અડવા કે લેવા તૈયાર ન હતા તે સમયે શાલુ આ લાશોને અગ્નિદાહ કે દાટી આવતા હતા. વર્ષ 2019થી જ તેમણે આ સેવાનુ ભગીરથ કાર્ય ચાલુ કર્યું હતું, જે આજ દિન સુધી ચાલુ છે. તેમણે અત્યાર સુધી 500 જેટલી લાવારિસ લાશોનું અસ્થિવિસર્જન સંપૂર્ણ રીતરિવાજ પ્રમાણે કર્યું છે. વધુમાં તેમણે અત્યાર સુધી 5000 જેટલી લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર પણ કર્યા છે. તેઓ દરેક ધર્મના રીતરિવાજ પ્રમાણે જ લાશોને અંતિમ વિદાય આપે છે. શાલુજીના જણાવ્યા પ્રમાણે તેઓ લાશના પરિવારજનોની રાહ જુએ છે અને જો ઘણા લાંબા સમય સુધી પણ કોઇ તેમનાં અસ્થિ લેવા ન આવે તો તેને તેઓ ગંગા નદીમાં વિસર્જિત કરી દે છે.