યુએસએમાં વસતા લિઝા અને ટોમને 2015માં ત્રીજું બાળક અવતરવાનું હતું, પણ ડોક્ટરે ગર્ભ પડાવી નાખવાની સલાહ આપી! ડોક્ટર પાસે મજબૂત તબીબી કારણ હતું, પણ યુગલ બાળકને જન્મ આપવા મક્કમ હતું. આખરે મગજ વિનાની, લગભગ ખાલી ખોપરી ધરાવતા બેબી બોય નોઆહનો જન્મ થયો. આ સાથે જ તબીબી ઇતિહાસમાં એક એવું પ્રકરણ લખાઈ ગયું, જેના પર કોઈ ઝટ વિશ્વાસ ન કરી શકે!

 ઈન્ટરનેટ પર ખાંખાંખોળાં કરતાં ગઈ સદીનો એક કિસ્સો જાણવા મળે છે. `ધ ન્યૂયોર્ક ટાઈમ્સ' નામના જાણીતા અખબારે પોતાના અમુક આર્કાઈવ્સ ઓનલાઈન મૂક્યા છે, જેમાં 18 ઓગસ્ટ, 1935ના દિવસે છપાયેલ સમાચારમાં એક બાળકના શબપરીક્ષણની વાત હતી. સમાચાર મુજબ મૃત બાળક માત્ર 27 દિવસ જીવી શક્યું અને ડોક્ટર્સના કહેવા મુજબ એની ખોપરીમાં થોડું ફલ્યૂડ (પ્રવાહી) જ ભરેલું હતું, મગજ હતું જ નહિ! મગજ વિના કોઈ વ્યક્તિ પોતાનાં અંગો સાથે કમ્યુનિકેશન સાધવામાં નિષ્ફળ જ નીવડે. મગજ વિના જન્મેલું બાળક ટૂંકજીવી જ હોઈ શકે, એમાં બેમત નથી.

 ડોક્ટર્સના માનવા મુજબ માતાના શરીરમાં ફોલિક એસિડની ભારે ઊણપ હોય, અમુક દવાઓનું કે પછી ઓપીઓઈડ (Opioid) ગ્રૂપની પેઈન કિલર્સનું વધુ પડતું સેવન હોય, તો બાળક `anencephaly' નામની મેડિકલ કન્ડિશન સાથે જન્મે છે. આજે યુવા પેઢી ઓટીટી જોઈ જોઈને ડ્રગ્સસેવનને `ન્યૂ નોર્મલ' માનતી થઇ ગઈ છે. એમને ભવિષ્યમાં પડનારી આવી તકલીફોનો ખ્યાલ નથી હોતો. એનેન્સેફલી (anencephaly) એક એવી કન્ડિશન છે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણની ન્યુરલ ટ્યૂબ વ્યવસ્થિત કામ ન કરતી હોય. જેના પરિણામે મસ્તિષ્કનો વિકાસ જ નથી થતો. પરિણામે આવું કમનસીબ બાળક અત્યંત જરૂરી અંગ એવા મગજ સિવાય જન્મે છે! મોટાભાગે આવાં બાળકોની ખોપરી પણ મગજ ન હોવાને કારણે આકારમાં ચપટી હોય છે. મગજની ગેરહાજરીમાં એમની ખોપરી પણ અલ્પવિકસિત જ રહી જાય! વળી, મસ્તિષ્ક ન હોવાને કારણે આવાં બાળકોમાં જોવા-સાંભળવા સહિતની શક્તિઓ કે આસપાસના વાતાવરણનો અનુભવ કરવાનું સામર્થ્ય વિકસતું જ નથી. તબીબી ઇતિહાસ એવો છે કે આ કન્ડિશન સાથે જન્મેલા બાળકો થોડા દિવસોના જ મહેમાન હોય છે. અઠવાડિયા-દસ દિવસમાં તેમનું જીવનચક્ર પૂરું થાય છે.

 ટ્રેવર વોલ્ટ્રીપ નામનું બાળક આવી જ તકલીફ સાથે 2021માં ક્રિસમસના દિવસે જન્મ્યું. એનું જીવન આ પ્રકારનાં સામાન્ય બાળકો કરતાં ખાસ્સું લાંબું રહ્યું. એ બાર વર્ષની આવરદા ભોગવીને ગયું. `જેક્સન સ્ટ્રોંગ'ના ઉપનામથી જાણીતું થયેલું જેક્સન બુએલ નામનું બાળક 2014માં જન્મ્યું અને સામાન્ય કરતાં વધુ એટલે કે માત્ર પાંચ વર્ષની આવરદા ભોગવીને મૃત્યુ પામ્યું. ટૂંકમાં, આવાં બાળકો નસીબના જોરે જીવી જાય તોય એમનું આયુષ્ય એકાદ દાયકાથી વધુ નથી હોતું. કદાચ આ જ કારણસર લિઝા અને ટોમને એમના ડોક્ટર દ્વારા ગર્ભપાત કરાવી લેવાની સલાહ આપવામાં આવેલી.

 ગર્ભાવસ્થા દરમિયાન ન્યુરલ ટ્યૂબ પ્રોપર ન હોવાને કારણે નોઆહ બિચારો `સ્પાઇના બિફિડા' (spina bifida - કરોડરજ્જુની એક પ્રકારની વિકૃતિ) તેમજ `હાઇડ્રોસિફેલસ' (hydrocephalus - ખોપરીમાં પાણી ભરાવાની સમસ્યા) જેવી તકલીફો સાથે જન્મ્યો. એનાથીય મોટો પ્રોબ્લેમ હતો મગજની ગેરહાજરી. ડોક્ટર્સના રિપોર્ટ મુજબ જનમ સમયે નોઆહનું મગજ હોવું જોઈએ એના કરતાં માત્ર 2% જેટલું હતું, બાકીનો 98% હિસ્સો વિકસ્યો જ નહોતો!

 મસ્તિષ્કનાં કાર્યોને આપણે સમજીએ છીએ. જો જરા સરખી ઇજા થઇ જાય, તો સાજાસમા પહેલવાન જેવા માણસે આજીવન વ્હીલચેરમાં આવી જવું પડે! જ્યારે અહીં તો બિચારા નોઆહ પાસે મગજનો મોટો હિસ્સો હતો જ નહિ! પણ ટોમ અને લિઝા જુદી માટીનાં નીકળ્યાં. પરિવાર અને મિત્રોએ પણ ખૂબ સાથ આપ્યો. જન્મથી જ ખોડખાંપણ સાથે જન્મેલ બાળકોના વાલીઓનું સપોર્ટ ગ્રૂપ પણ મોરલ સપોર્ટ આપતું હતું.

 નોઆહને ન્યૂરોફિઝિક્સ થેરાપી અને ફિઝિયોથેરાપી આપવાનું શરૂ કરાયું. ડોક્ટર્સને પણ કેસમાં રસ પડ્યો હશે, એટલે એમની મહેનત પણ ખરી. જોકે, આવા કેસમાં મા-બાપનું મનોબળ અને એમનું ડેડિકેશન સૌથી વધુ પરિણામદાયી નીવડે છે. ટોમ અને લિઝાએ નોઆહની દરેક નાની નાની બાબતોની ઝીણવટભરી નોંધ કરવાનું શરૂ કર્યું. ડોક્ટર્સ સાથે આ માહિતી શેર કરવામાં આવતી અને એમની સલાહ મુજબ લાઈન ઓફ ટ્રીટમેન્ટ નક્કી થતી. હકીકતે ટ્રીટમેન્ટ જેવું ખાસ હતું નહિ, બસ નોઆહ આસપાસની દુનિયા સાથે કમ્યુનિકેટ કરતા શીખે એ જ મહત્ત્વનું હતું.

 કમાલ એવી થઇ કે મસ્તિષ્કની ગેરહાજરીમાં પણ નોઆહની અમુક ચેતના વિકસી. નોઆહ આસપાસની દુનિયા સાથે કમ્યુનિકેશન કઈ રીતે ડેવલપ કરી શક્યો, એ વાત સંશોધકોના મતે પણ એક કોયડો જ છે. (આની પાછળની શક્યતા તપાસવામાં રસ હોય તો role of brain plasticity લખીને ગૂગલ કરવું) જેને `મોટો ચમત્કાર' કહેવો પડે, એવી ઘટના તો ત્રણેક વર્ષ પછી બની. થયું એવું કે નોઆહ પાસે જે પેલું 2%

જેવડું ટચૂકડું બ્રેઈન હતું, એ વિકસીને મોટું થયું! ઇન ફેક્ટ ખાસ્સું મોટું થયું! આજેય વ્હીલચેરમાં ફરતા નવ વર્ષના નોઆહની લાઈફ `નોર્મલ' નથી, તોય `ચમત્કાર'થી કમ નથી, કેમ કે એની ખોપરીએ મગજ `ઉગાડી' દેખાડ્યું છે!

 અને નોઆહની માફક પીડાઓ સાથે જન્મેલા દરેક મા-બાપની હિંમતને પ્રણામ! પેલા જાણીતા ફિલ્મી ડાયલોગમાં ફેરફાર કરીને કહી શકાય કે `સબ સે બડે યોદ્ધા મા-બાપ હોતે હૈં!' પરિવારનો સપોર્ટ હોય તો એવાય ચમત્કારો બની જાય કે સોશિયલ મીડિયાના લોકપ્રિય મીમની સ્ટાઈલમાં કહેવું પડે `કુદરત રોક્સ, સાયન્સ શોક્ડ'.