દરેક કપલનું એક સપનું હોય છે કે તેમને તેમના સપનાનું મોટું ઘર મળે, જેમાં મોટી પરસાળ, મોટા રૂમ અને નાનો સ્વિમિંગ પુલ પણ હોય. દરેક કપલના ઘર માટેનાં સપનાં અલગ અલગ હોય છે, પરંતુ શું કોઇ કપલ સીવરમાં રહી શકે ખરાં!

સંજોગવશાત્ કે કોઇ ઘટનાને લઇને એકાદ દિવસ તેઓ સીવરમાં રહી શકે, પરંતુ પાંચ-દસ વર્ષ કે તેથી વધુ રહેવું મુશ્કેલ છે. કોલંબિયાના મેડેલિન શહેરમાં એક એવું કપલ રહે છે જે છેલ્લા અઢી દસકથી સીવરમાં જ રહે છે. મારિયા ગાર્સિયા અને મિગુઅલ રેસ્ટ્રેપોએ હવે સીવરને જ પોતાનું સપનાનું ઘર બનાવી લીધું છે. જોકે, આ સિવર સાવ બંધ છે, તેમ છતાં તેમાં અઢી દાયકાથી પણ વધુ જિંદગી જીવવી ખરેખર દાદ માંગી લે એવી વાત છે. મૂળ આ કપલ ડ્રગ્સની લતમાં લાગી જતાં આર્થિક કંગાળ બની ગયું હતું. અન્ય કોઇ મદદ ન મળતાં આગળ જતાં બંને જણાએ એકબીજાને સંભાળી લીધાં અને ડ્રગ્સ જેવી લતમાંથી બહાર પણ આવ્યાં. હવે તેમને તેમની સીવરની દુનિયા જ પસંદ છે. તેમની સાથે અન્ય સાથીમાં એક કૂતરો પણ છે. સીવરના ઘરમાં તેમણે આંગળીના વેઢે ગણી શકાય એટલો જ સામાન વસાવ્યો છે.

આવી ગયાં છે ડિવોર્સ સ્પેશિયલ મહેંદી અને ટેટૂ

એક સમય હતો જ્યારે સમાજમાં કોઇના છૂટાછેડા થતા હતા ત્યારે જે તે પાત્રને સમાજના લોકો ઘૃણાથી કે આશ્ચર્યની નજરેથી જોતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે. ડિવોર્સ પર્સન લોકો હવે ખૂલીને કહેવા લાગ્યા છે કે, હા હું ડિવોર્સ પર્સન છું. હવે લોકો ડિવોર્સની કેક કટિંગ પણ કરવા લાગ્યા છે અને ડિવોર્સની ઉજવણી ધામધૂમથી કરવા પણ લાગ્યા છે. વર્ષો પહેલાં એક પરિવારે છૂટાછેડાની મીઠાઈઓ પણ વહેંચી હતી. જેનો વીડિયો વાઇરલ પણ થયો હતો. આ બધા વચ્ચે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર મહેંદી બન્યું છે. જેમ લગ્નમાં કન્યા આકર્ષક મહેંદી લગાડતી જોવા મળે છે તેમ હવે ડિવોર્સ લીધેલ મહિલા ડિવોર્સ સ્પેશિયલ મહેંદી મુકાવે છે. તેઓ મહેંદી માત્ર હથેળીમાં જ નહીં, પરંતુ બેક સાઇડ અને આખા હાથ પર ડિવોર્સનાં ચિત્રો સાથે મુકાવે છે. અલબત્ત, તેઓ વટભેર સોશિયલ મીડિયા પર આ ડિવોર્સ મહેંદી પોસ્ટ કરીને તેનું સ્પેશિયલ ફોટો શૂટ પણ કરાવે છે. વધુમાં હવે ડિવોર્સ પામેલા પુરુષો પણ ડાબા હાથે ડિવોર્સ થયા એવું કાર્ટૂન, બ્રેક હાર્ટ અને હેપ્પી ઈમોજીની મહેંદી મુકાવે છે. કેટલાક પુરુષો અને મહિલાઓ ડિવોર્સ ટેટૂ પણ કરાવી રહ્યાં છે.

18મી સદીથી દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ!

દરેક મા-બાપનું સપનું હોય છે કે પોતાનાં દીકરા-દીકરીઓને મોંઘામાં મોંઘી સ્કૂલમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે. પોતાનાં બાળકોને ઉચ્ચતમ શિક્ષણ આપવા માટે કેટલાક વાલીઓ પેટે પાટા બાંધીને પણ સારી સ્કૂલોમાં જ એડમિશન અપાવવા મથે છે. ભારતમાં પણ કેટલીક મોંઘી સ્કૂલો છે જેમાં સેલિબ્રિટીના છોકરાઓ ભણી રહ્યા હોય છે, પરંતુ દુનિયાની એકમાત્ર એવી પણ સ્કૂલ છે જે વિશ્વની સૌથી મોંઘી સ્કૂલ છે જેની વર્ષની ફી જ માત્ર એક કરોડથી પણ વધુ છે. આ સ્કૂલ સ્વીટ્ઝર્લેન્ડમાં આવી છે, જેનું નામ `ઈન્સ્ટિટ્યૂટ લે રોઝી' (Institut Le Rosey) છે. આ સ્કૂલમાં સ્પેન, ઈજિપ્ત, બેલ્જિયમ, ઈરાન અને ગ્રીસના રાજાઓએ પણ શિક્ષણ મેળવ્યું હતું. આ સ્કૂલ 1880માં પોલ કર્નલે સ્થાપિત કરી હતી. આ સ્કૂલમાં 250થી 280 વિદ્યાર્થીઓ જ ભણી શકે છે. અહીં દુનિયાના પચાસ દેશોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આ એક એવી બોડિંગ સ્કૂલ છે, જેમાં બે કેમ્પસ, ટેનિસ કોર્ટ, શૂટિંગ રેન્જ, એક્વેસ્ટ્રેન સેન્ટર અને વિશાળ કોન્સર્ટ હોલ છે. આ તમામનો ખર્ચ અબજો રૂપિયામાં કરવામાં આવેલ છે.