`જીવા સુમરા! તમારા ઈમાન પર જમાત ખુશ છે. તમે પાક મુસલમાન છો પણ આ તમારું ફરજંદ.' મોં કટાણું કરી, ગુસ્સા સાથે ઠપકો આપતા હોઈ કહ્યું: `બૂતપરસ્ત ઇન્સાનો સાથે પરધર્મનાં ગાણાં ગાતો ફરે છે. આમાં દીને ઇસ્લામની હલકાઈ છે.' હાજર જમાતનો પણ આમાં સૂર સમાયેલો હતો.
નેક ઇન્સાન જીવા સુમરાને જમાતનો ઠપકો હાડોહાડ લાગી ગયો. જિંદગીભર ખુમારીથી સૈનિકની સેવા અદા કરી તેમાં તુંકારો ખાધો કે ખમ્યો નહોતો. તેના બદલે જમાતે મોં પર ઝાપટ્યું તે અસહ્ય થઇ પડ્યું.
આ ઘટનાના પાયામાં બન્યું એવું હતું કે, અંગ્રેજ સરકારના વોકર સેટલમેન્ટ અનુસાર દેશી રાજ્યોએ વધારે હોય એવું સૈન્ય નાબૂદ કરવાનું હતું. જેના લીધે ધ્રોળ સ્ટેટના ઠાકોર સાહેબે વધારાનું સૈન્ય વિખેરી નાખ્યું હતું. તેમાં આરબો, મકરાણી, આહીર, સંધી, મતવા વગેરે સૈન્યમાંથી છૂટા થયા હતા. તેમાંથી જીવો સુમરો પેટિયું રળવા તેના કબીલા સાથે ખંભાળિયા ગામે આવ્યો હતો. દીકરો હોથી બાપ જીવા સુમરા સાથે દિવસભર કાળી મજૂરી કરેને રાતે સંત મોરારસાહેબ પાસે ભજનો સાંભળવા જાય. સમય જતાં તે ભજનનો હરેડ બંધાણી થઇ ગયો. હોથીને ભોજન વગર ચાલે, પણ ભજન વગર ચાલે નહીં, તેથી સંતના સ્થાનકે અચૂક જાય.
એકવાર મોરાર સાહેબે સામેથી કહ્યું: `હોથી, પારકી મજૂરી કરવા જા છો તે, આશ્રમમાં આવતો રે. કાળિયો ઠાકર અન્ન ને વસ્તર દઇ રે'શે!' હોથીને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું થયું. તે આશ્રમની ગાયોનો ગોવાળ બની ગયો. દિવસે ગાયો ચારવા જાય ને ભાંગતી રાતે ભગવાં ભજનિયાં લલકારે. સંત મંડળીમાં સૌ મોરપિચ્છવાળો એકતારો, મૃદંગ ને ઝાંઝ-કરતાલ સાથે ભજનો ગાય. હોથી આંખો બંધ કરી લીન થઇ ભજનના ભાવ સાથે ગુઢાર્થ પણ સમજવાનો પ્રયાસ કરે ને ન સમજાય તે મોરાર સાહેબને પૂછે. સંત સર્વનો સાર કહે: `ભજન ને ભક્તિનો સાર એક જ છે. જનસેવા એ જ પ્રભુસેવા. જીવમાત્રમાં અલ્લા-ઈશ્વર બિરાજે છે.'
આ વખતમાં જીવા સુમરાને મોરબીના ઠાકોર સાહેબ જીયાજીએ નેકનામ ગામની સુવાંગ ચોકિયાતી સોંપતાં વળી કબીલો નેકનામ આવ્યો અને હોથી ખંભાળિયા ગામે રહી ગયો. હોથીના ભજનોએ અડખેપડખેના ગામમાં ભારે આહલેક જગાડી હતી તે જમાતને ગમ્યું નહીં: મુસલમાનનો ફરજંદ, હિન્દુનાં ગુણગાન ગાય!
જમાતે જીવા સુમરાને આખરી મહેતલ આપતાં કહી દીધું: `જમાતે તને અગાઉ ચેતવ્યો હતો. તારા ફરજંદને ભજન ગાતો બંધ કરાવ્ય, પણ માન્યો નહીં.' ત્યાં બીજાએ કહ્યું: `હવે બંધ નહીં થાય તો તારા સાથે રોટી બેટીનો વે'વાર બંધ. `ત્યાં તાડૂકીને અવાજ ફૂટ્યો:' તારા આખા કબીલાને નાત બહાર મૂકવામાં આવશે.'
જીવા સુમરો પાક ઇન્સાન. તે પેટ ભરીને સમજતો હતો કે, અલ્લા ને ઈશ્વર એક છે. હોથી નેક થઇ એકને ભજી રહ્યો છે તેમાં જરાય ખોટું નથી, પણ જમાતનો આવો ઠપકો અને એ પણ નાત બહાર મૂકવાનો? જીવા સુમરાથી સહન થયું નહીં. તેમણે દુભાતા દિલે દીકરા હોથીને ખંભાળિયા ગામેથી રાતોરાત તેડાવી લીધો.
`બાપુ, ભજન તો મારા લોહીમાં વણાઈ ગયાં છે. હું છોડવા ધારું તોય નહીં છોડાય.'
`તું નહીં સમજે તો બેટા, મારે અફીણ ઘોળવું પડશે. `સુમરાએ કકળતા દિલે કહ્યું: `બાકી મારા જીવતાજીવ કબીલો નાત બહાર જાય તે મારાથી સહેવાશે નહીં.'
હોથી તો શબદનો બંદો હતો. બાપુનું કહેવું પામી જતાં વાર ન લાગી. હવે વાતને વધારે ખેંચવામાં સાર નથી, તેથી આખરી નિર્ધાર કરી લીધો. થયું, અલખના દરબારમાં ભજન કરતા મને કોણ રોકશે!
જીવો સુમરો દીકરા હોથીને સમજી ગયા હતા. તે તન-મનથી ભક્તિભાવમાં ખરેખરો રંગાઇ ગયો હતો. તેનાથી ભજન છૂટે એમ નથી. એટલે પોતે જ અફીણ પી જાય. પોતાના જીવતાજીવ નાત બહાર થયાના દિવસો જોવાનો વારો ન આવે.
પણ અફીણની તાંસળી ઘોળ્યા પછી જીવો સુમરો કુંટુંબને ભરભલામણ કરવા ગયા ત્યાં પાછળથી હોથીએ જ અફીણ ગટગટાવી લીધું. જાણે ભજનરસનો અજરાઅમર પ્યાલો પીધો હોય એમ!
સુમરાએ કોચવાતા ને કપળતા દિલે કહ્યું: `બેટા, તેં ગજબ કર્યો. ઉપર તો મારે જાવાનું હતું.'
`બાપુ, વેલામોડું સૌને જાવાનું જ છે ને.' હોથીએ લથડતાં સ્વરે કહ્યું: `બાપુ, હવે ઢીલ કરશોમાં, મારે મોરાર સાહેબના દર્શને જાવાનું છે.'
જીવો સુમરો શાનમાં સમજી ગયા. અલખધણીના તેડા ઓરા આવીને ઊભા છે, તેથી તાબડતોબ તૈયારી કરી, હોથી સાથે ખંભાળિયાનો મારગ લીધો. સાથે ભજનની થોર બોલવા લાગી. મારગ અંતિમ ધામનો હતો.
ધ્રોળ અને ખંભાળિયાની વચ્ચે હોથીને લથડિયું આવી ગયું. અલખધણીને પામવાની આરદા બળૂકી થઇ ઊઠી હતી. પછી હોથીનો દેહ હાથવગો રહ્યો નહીં, તે ધરતીએ ઢળી પડ્યો.
આ બાજુ મોરાર સાહેબને દાસ હોથીના વાવડ મળ્યા તે ઉતાવળા પગે આવી પૂગ્યા.
`હોથી, હોથી આવું કેમ કરવું પડ્યું?' હોથી કહે: `આપ તો સંત છો, થઇ થાવાની જાણો છો. બસ, ઉપરવાળાની મરજી' મોરાર સાહેબ સઘળું સમજતા હતા. છતાંય હોથીએ કહ્યું: `આંયા ધરમના વાડા છે, ન્યાં મને ભજન કરતાં કોણ રોકશે!' સામે મોરાર સાહેબે પૂછ્યું : `હોથી તારી કોઈ અંતિમ ઈચ્છા.'
`આપના હાથે મુક્તિ.' હોથીની સમાધિના કાંઠે ભજન રેલાતું હતું: મળશું અલખને દરબાર, મળશું સાહેબને દરબાર, મળશું જતી-સતી હોજી.
