મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મે પર્સનાલિટી ડેવલપમેન્ટ વિશે અનેક વાતો કરી છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે માત્ર બાહ્ય દેખાવ નહીં, પરંતુ આંતરિક મક્કમતા, દૃઢતા અને જીવન કે સંજોગોને જોવાનો આગવો અભિગમ પણ છે એવું પણ તેમણે અનેક વખતે સિદ્ધ કર્યું છે. મજાની વાત એ છે કે તેમણે જ્યારે પર્સનાલિટી એટલે કે પ્રભાવક વ્યક્તિત્વ વિશે વાત કરી છ.
ત્યારે બાહ્ય દેખાવની સાથે આંતરિક ફેરફારો કયા આણવા એ વિશે અત્યંત સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપ્યું છે. રીતસરની ટિપ્સ આપી છે એમ કહીએ તો ચાલે કે એક લીડરનાં કપડાં કેવાં હોવાં જોઈએ? એક લીડરની ભાષા કેવી હોવી જોઈએ કે એક લીડરની વિચારપ્રક્રિયા કેવી હોવી જોઈએ? આવી સ્પષ્ટતા અથવા ટિપ્સ તો દુનિયામાં કોઈએ નહીં આપી હોય. એટલે જ આપણે નસીબદાર છીએ કે આપણને ભીષ્મ દ્વારા `શાંતિપર્વ' પ્રાપ્ત થયું છે.
ખેર, વ્યક્તિત્વના વિકાસ માટે અથવા પ્રભાવક વ્યક્તિત્વ ઊભું કરવા માટે ભીષ્મે એક બીજી પણ સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે પોતાના કોઈ પણ સંજોગ કે સ્થિતિને લીડરે અત્યંત હકારાત્મકતાથી જોવાના છે અને પોતાની કોઈ પણ સ્થિતિને ખેલદિલીથી સ્વીકારવાની છે. તેઓ કહે છે કે જેઓ પોચટ કે દ્વેષી કે ગુલામ હોય એ જ લોકો તેમના જીવનની પરિસ્થિતિઓ કે સંજોગો સામે ફરિયાદો કે કકળાટ કરતા હોય છે. તેઓ કહે છે કે લીડરે હંમેશાં એક અભિગમ કેળવવાનો છે, જે અભિગમમાં તેણે તેને શું નથી મળ્યુંની ગણતરીની જગ્યાએ તેણે શું પ્રાપ્ત કર્યું છે અથવા તેને શું મળ્યું છે એની ગણતરી કરવાની થાય છે.
તેઓ કહે છે કે વિશ્વમાં માણસોનો એક મોટો વર્ગ એવું માનતો હોય છે કે તેમને ઓછું મળ્યું છે, તેમને અન્યાય થયો છે કે તેમની કદર નથી થતી. આ કારણોસર એ માણસો હંમેશાં અતૃપ્ત રહે છે, અકળાયેલા રહે છે અથવા તો પોતાની કદર થાય એ માટેના પ્રયત્નોમાં ગળાડૂબ રહે છે. ભીષ્મ કહે છે કે આવું માનવાને કારણે એ આખો મોટો વર્ગ હંમેશાં બીજાને કશું બતાવી દેવા કે બીજા સામે કશુંક પુરવાર કરવાના પ્રયત્નોમાં જ પોતાની ઊર્જા, સમય અને જીવન પૂરું કરી દેતો હોય છે. જેને કારણે એ નથી તો જીવનની મજા લઈ શકતો કે કે નથી એ જીવનમાં કશુંક મેળવી શકતો.
તેની તમામ ક્ષણો બસ એમાં જ વેડફાતી રહે છે કે લોકોનું તેના પર ધ્યાન જાય અથવા લોકો તેની કદર કરે. આ તો ઠીક ઉપર કહ્યું એમ આવા લોકો સતત એવું પણ પ્રૂવ કરતા હોય છે કે તેમને કોઈની મદદ નથી મળી, તેમને બધાથી ઓછું મળ્યું છે, તેમની સાથે જ બધો અન્યાય થયો છે! ભીષ્મ આ તમામ ફરિયાદોને કકળાટ કહે છે. તેઓ કહે છે કે આવો અભિગમ રાખનાર માણસ એ લીડર નહીં, પરંતુ ભીડનો જ એક ભાગ હોય છે. લીડર તો સંતુષ્ટ હોય. પોતાને જે મળ્યું છે એની કદર કરનારો હોય અને પોતાની પાસે જો કંઈ ન હોય અને તેણે એ મેળવવું હોય તો બીજાને બતાવી દેવા નહીં, પરંતુ પોતાની કાર્યક્ષમતા સિદ્ધ કરવી હોય એટલે એ માટે ખંત કરતો હોય છે!
ભીષ્મ કહે છે કે પ્રભાવક વ્યક્તિત્વની સૌથી મહત્ત્વની જરૂરિયાત છે કે તમારા અવાજમાં કે તમારા અભિગમમાં ફરિયાદ ન હોવી જોઈએ. એ ફરિયાદનો સૂર સામેવાળો સમજે કે ન સમજે, પરંતુ ફરિયાદો કરવાનો અભિગમ તમને કશું એક્સપ્લોર નહીં કરવા દે કે નહીં તો તમારો આત્મવિશ્વાસ વધવા દે! એની જગ્યાએ તમારી સાથે સાચેસાચ પણ દગો કે અન્યાય થાય તો ખેલદિલી રાખો, કે કંઈ નહીં દરેકને પોતાનું કર્મ મારશે. હું ફરી મહેનત કરી લઈશ. હું ફરી ઊભો થઈશ! આ તો એક ઉદાહરણ થયું, જીવનના આવા અનેક કિસ્સામાં માણસે તેની સામે આવેલા સંજોગનો સામનો કરી લેવાનો છે અને તેમાંથી બહાર નીકળી જવાનું છે. એનાં રોદણાં રડતા રહીને કે પોતે કેટલા મહાન છે એની બિરદાવલીઓ ગાઈને તેણે સમય નથી વેડફવાનો. આખરે આ બધાથી કશું જ સિદ્ધ નથી થતું.
કેમ? કારણ કે દુનિયાને તમારી સફળતાઓમાં કે તમારી સફળતાની વાર્તાઓમાં રસ જ નથી. એ જ રીતે દુનિયાને સતત તમારી પાસે એક યા અન્ય રીતની અપેક્ષા અથવા દુનિયા પાસે હંમેશાં તમારા માટે એક યા અન્ય રીતની માન્યતા રહેવાની જ છે. એટલે બેટર છે કે દુનિયા સામે કશુંક સિદ્ધ-પુરવાર કરવું નહીં, નહીંતર તમે એક બાબત સિદ્ધ કરશો ત્યાં દુનિયા બીજા પાંચ મુદ્દા લઈને સામી ઊભી હશે કે તમે આમાં કાચા છો, તમે આમાં ખોટા છો, તમારી ફલાણી ભૂલો છે. તો શું વળી એ મુદ્દા પુરવાર કરવા બેસવાનું ? બેટર, પોતાના સંતોષને પ્રાધાન્ય આપવું. એ સંતોષને કારણે આપોઆપ જ આપણામાં ન ગમતા સંજોગો કે સ્થિતિનો સામનો કરવાની તાકાત આવી જતી હોય છે.