ત્યારે ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહ્ને તપી રહ્યો હતો. રાજનગર વડોદરા પોઢી રહ્યું હતું. આવા વ્હાલસોયા વખતે ર.વ. દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી મહેલના એક ઓરડામાં બેઠા રસઝરતી વાતોમાં ગળાડૂબ હતા. શબ્દસ્વામીઓની વાતો સાંભળવા રાત પણ મટકું મારવાનું ભૂલી ગઈ હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ખાસ સમય કાઢીને યુગમૂર્તિ વાર્તાકાર ર.વ. દેસાઈને મળવા આવ્યા હતા. ર.વ. દેસાઈ ગાયકવાડ સરકારમાં મોટા અમલદાર, તેથી સમયની ભારે સંકડામણ, પણ મેઘાણી જેવો મનેખ લોકસાગરમાંથી મોતી વીણી વીણીને લાવનારો કસબી સામેથી મળવા આવે એટલે સમય તો શું, જીવ કાઢીને આપવો હોય તો પણ આપે! ને મળ્યા પછી તો સઘળું કોરાણે મૂકી વર્ષોથી વિખૂટા પડેલા પ્રિયજનની જેમ અદકા હરખથી ભેટી પડે! એક તબક્કે દેસાઈએ સાવ હળવેકથી પૂછ્યું હતું: `હેં મેઘાણીભાઈ! તમે આ ગીતો, કથાઓ આ બધું મેળવો કેવી રીતે?' તો જવાબ હતો: `હું કોઈ જાણતલ મનેખ સામે બેસી, તેની સાથે કામમાં ગોઠવાઈ જાઉં.' મેઘાણીએ ઉમેર્યું હતું: `હળવે હળવે એક એક વાતને ખોતરું, કથાને ઉખેડવા લાગું એટલે વીરડામાંથી સરવાણી ફૂટે એમ હંધુય બાર્ય આવવા લાગે, પછી હું ડાયરીમાં ટપકાવું!'
`શું વાત કરો છો!' આમ કહીને દેસાઈ ઊભા થઇ સામેના ઓરડામાં જઇ કંઈ ખ્યાલ ન આવે તેમ ઓરડામાંથી પાછા આવ્યા હતા. પાછા પોતાના સ્થાને બેસી ગયા હતા. વાતો દરમ્યાન આવું ઘણીવાર બન્યું હતું. વાતનો રંગ બરાબર જામ્યો હોય, રસના ઘૂંટડા ભરાતા અને ખરા ટાણે દેસાઈ ઊભા થાય. સામેના ઓરડામાં જાય અને પાછા આવે. મેઘાણીનું મન કચવાતું હતું. મનમાં સવાલ પણ સળવળતો હતો, દેસાઈ આમ ઊભા શું કરવા થાય છે? ઓરડામાં એવું કોઈ કામ હોય તો નોકરને કહી શકે. ત્યાં વિચારે ગડથોલિયું ખાધું હતું. કદાચ નોકરને કહી શકાય એવું કામ ન પણ હોય!
`હા, બનવાજોગ છે.' મેઘાણીએ મન પર સાંત્વનનો પાટો બાંધ્યો, પણ તકલાદી નીવડ્યો હતો. `એવું તે વળી શું હોય કે વારંવાર ઓરડામાં જવું પડે!' પોતે સાથે જાય અને હકીકત જાણે, પણ મન ચોરાયું હતું. રાત વેળાએ કોઈના ઓરડામાં આમ ન જવાય, તેથી સઘળું વિસારે પાડી સામે સવાલ કર્યો હતો: `રાજના આવા કારોબાર વચ્ચે આપને લખવાનું કેમનું ફાવતું હશે!' દેસાઈએ હસીને જવાબ આપ્યો હતો: `મેઘાણીભાઈ! આવા જડસુ કારોબારની વચ્ચે સંવેદનાને સંકોરવી, જીવતી રાખવી એ કપરું તો છે, પણ સંવેદના સબૂત છે, માંહ્યલો જાગતો રહે છે એટલે માનવીય વ્યવહાર ને વહીવટ થાય છે.' આગળ કહ્યું હતું: `અને સર્જન વેળાએ તો માત્ર તેને શબ્દની ફૂંક જ મારવાની હોય છે!'
વળી દેસાઈને ઊભા થતા જોઈ મેઘાણીનું મન કોચવાયું હતું, પણ પૂછ્યું હતું: `સર્જનમાં સૌથી વધુ આનંદ આવ્યો હોય એવા સ્થળ-કાળ...'
`સર્જનકર્મ તો પ્રસવની પીડાનો પર્યાય, પ્રસવ પછી માતાને જે પ્રાપ્ત થાય તે.' કહીને હસવા લાગ્યા હતા: `આનંદ મજા તો બધે જ આવે, પણ અમરેલી પ્રાંતમાં સુબેદાર હતો ત્યારે.' દેસાઈ અંતરના પટારામાંથી મોંઘેરી જણસ બહાર કાઢતાં બોલ્યા: `અમરેલી પાસે ચલાલા ને તેની પડખે આવેલું ધારંગણી ગામ!'
મેઘાણીએ કહ્યું હતું: `ધારંગણી એટલે વાવડી પાસેનું વાળા કાઠી દરબારોનું ગામ!'
`ગામના દખ્ખણાદા પાદરમાં વહેતી શેલ નદી. નદીના કાંઠે સરકારી આવાસ અને તેના ઝરૂખે ઊભા રહી, ગાંડી ગીરના નવલીનાર જેવા વણબોટ્યા સૌંદર્યનું રસપાન જાણે શબ્દસરિતાને વહેવાનું નિમિત બનતું.'
ગીરનું નામ સાંભળતાં મેઘાણીથી રહેવાયું નહોતું: `ન્યાં તો સાર્દુલા સાવજ ડણકુ દેતા હશે!' સામે એટલા જ હરખથી ઉત્તર મળ્યો હતો: `હા, આપની ચારણકન્યાના સાવજ જેમ!'
મેઘાણીની આંખોમાં ચમક આવી ગઈ. એકબીજા સામે જોતા રહ્યા, પણ ત્યાં પાછા દેસાઈ રાબેતા મુજબ ઊભા થઇ ઓરડા તરફ ગયા હતા.
રસભંગ મેઘાણીને મંજૂર નહોતો. તેઓ ઊભા થઈ સોખમણ, માન-મર્યાદા સઘળું નેવે મૂકી કંઇ કહ્યા વગર પાછળ જઇ ઓરડાના બારણા પાસે ઊભા રહ્યા. છાતીમાં થડક ઉથડક સાથે સંવેદનાનો સળવળાટ થવા લાગ્યો હતો. શ્વાસ ત્રાજવે તોળાવા લાગ્યો હતો. જુગુપ્સા સાથે ડોક લંબાવીને ઓરડાની અંદર નજર નાખી જોઈ હતી. વૃદ્ધ સ્ત્રી-પુરુષ સૂતાં હતાં અને દેસાઈ તેઓને માથે સરખું ઓઢાડી રહ્યા હતા. વાર્તાનું કોઈ વિરલ પાત્ર હોય એમ મેઘાણી આખું ભાવસભર દૃશ્ય મનભરીને જોઈ રહ્યા હતા. પોતાનાં મા-બાપને સરખું ઓઢાડીને દેસાઈ બંનેના પગ તરફ વારાફરતી નમ્યા, ચરણસ્પર્શ કર્યા હતા. પછી સહેજ પણ અવાજ ન થાય તેમ ધીમા પગલે બહાર આવ્યા હતા.
આ જોઈ મેઘાણી કંઈ બોલી કે પૂછી શક્યા નહોતા. સંવેદના ડુંગરની ટોચે ચઢી હતી. હૈયું ભરાઈ આવ્યું હતું. `મા-બાપની આવી સેવા!' બે હાથ જોડ્યા અને મોંમાંથી શબ્દો સરી પડ્યા હતા: `ધન્ય છે મા-બાપ, તમે આવા પુત્રરત્નને પામી શક્યાં.' દેસાઈએ હળવું હસી વાતને રોળીટોળી નાખતાં કહ્યું હતું: `ચાલો ત્યારે, વાતોને આગળ વધારીએ.' મેઘાણી ગદ્ગદિત સ્વરે બોલ્યા હતા: `આનાથી મોટી બીજી કઈ વાત હોય તે હવે કરીએ?'