• માંડૂને પહેલાં શાદિયાબાદના નામથી પણ ઓળખવામાં આવતું હતું. એનો અર્થ છે ખુશીઓનું નગર

મધ્ય પ્રદેશમાં એવી અનેક જગ્યા છે જે રહસ્યમય જેવી છે, ત્યાં સૌથી વધારે પ્રવાસીઓ આવે છે. એવી એક જગ્યા છે માંડૂ નગરી. આ નગરીને સિટી ઓફ જોયના નામથી ઓળખવામાં આવે છે. બાજ બહાદુર અને રાણી રૂપમતીના પ્રેમના સાક્ષી એવું આ નગર, અકલ્પનીય રાણી રૂપમતી અને બાજ બહાદુરના અમર પ્રેમનું સાક્ષી છે. માંડૂ નગરી મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.

વિંધ્યાચલ પર્વતમાં વસેલા માંડૂને પહેલાં શાદિયાબાદના નામથી પણ ઓળખવામાં આવતું હતું. એનો અર્થ છે ખુશીઓનું નગર. અંગ્રેજો આજે પણ તેને સિટી ઓફ જોયના નામથી ઓળખે છે. માંડૂમાં વાસ્તુકલાની એવી બેજોડ રચનાઓ છે જે દેશ અને દુનિયા માટે ધરોહર સમાન છે. માંડૂને અભેદ ગઢ પણ માનવામાં આવે છે જેને શત્રુ ક્યારેય ભેદી ન શકે. રાજપૂત પરમાર શાસક પણ માંડૂને સુરક્ષિત કિલ્લો માને છે. માંડૂમાં પ્રવેશ કરતાં જ વિશાળ દરવાજા સ્વાગત કરે છે. પાંચ કિલોમીટરના અંતરમાં આશરે 12 પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં છે. એમાં સુલતાન અથવા દિલ્હી દરવાજા મુખ્ય માનવામાં આવે છે. આને માંડૂનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. માંડૂનું નિર્માણ 140૫થી 1407ની મધ્યમાં થયું હતું. એ પછી આલમગીર દરવાજા, ભંગી દરવાજા, ગાડી દરવાજા, તારાપુર દરવાજા જેવા વિવિધ દરવાજાઓ આવે છે. કાળા પથ્થરોથી બનેલા આ દરવાજાઓ વચ્ચેથી પસાર થતા પર્યટક માંડૂ નગરીમાં પ્રવેશ કરે છે.

માંડૂમાં અનેક પર્યટન સ્થળ આવેલાં છે, પરંતુ પ્રવાસીઓ રાણી રૂપમતીના મહેલની મુલાકાત લેવાનું ચૂકતાં નથી. એ મહેલની બાજુમાં બાજ બહાદુર મહેલ પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંડોળા મહેલ, જહાજ મહેલ, જામા મસ્જિદ, અશરફી મહેલ વગેરે મુખ્ય છે. માંડૂનું જૈન તીર્થ પણ ઐતિહાસિક છે. કહેવાય છે કે એમાં જે પ્રતિમા છે તેની સ્થાપના 14મી શતાબ્દીમાં કરવામાં આવી હતી.

માંડૂમાં અનેક પ્રાચીન ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ જૈન મંદિર પણ આવેલાં છે. માંડૂનો કિલ્લો 82 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. માંડૂને ભારતનો સૌથી મોટો કિલ્લો માનવામાં આવે છે. આ મહેલના જહાજના આકારમાં બનાવવામાં આવ્યો છે. આ મહેલને બે માનવનિર્મિત તળાવોની વચ્ચે એ રીતે બનાવાયો છે જાણે પાણીમાં તરતો હોય એવો અહેસાસ થાય છે.

રાણી રૂપમતી મહેલનો માંડૂની મુખ્ય ઇમારતોમાં સમાવેશ થાય છે. 36૫ મીટર ઊંચા પર્વત ઉપર આવેલા આ મહેલનું નિર્માણ બાજબહાદુરે રાણી રૂપમતી માટે કરાવ્યું હતું જેથી એ સવારે ઊઠીને નર્મદાનાં દર્શન કરી શકે. રાણી રૂપમતી નર્મદાનાં દર્શન પછી અન્નજળ ગ્રહણ કરતાં હતાં. રૂપમતી મહેલમાં જ રેવા કૂંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદાનું જળ રહેતું હતું.

કિલ્લા અને મહેલની સુંદરતાની સાથે અહીંનું સ્નાનાગાર એટલું સુંદર અને ભવ્ય બનાવવામાં આવ્યું છે, કે ભાગ્યે જ આવું ક્યાંક જોવા મળે. રાણી રૂપમતી બહુ સુંદર રાજપૂત રાજકુમારી હતી અને સારી ગાયિકા પણ હતી. તેના ગાયન અને રૂપમાં મોહિત થઈને બાજ બહાદુરે તેની સાથે વિવાહ કર્યાં હતા. તેમના માટે અનેક ઈમારતોનું નિર્માણ કરાવ્યું હતું. માંડૂને દુનિયાના સૌથી મોટા કિલ્લાનું શહેર કહેવામાં આવે છે. અહીં રાજા અને રાણીનો મહેલ એ રીતે બનાવવામાં આવ્યો છે કે જ્યાંથી રાજા અને રાણી પોતપોતાના મહેલની બાલ્કનીમાં ઊભાં રહીને એકબીજાને જોઈ શકતાં હતાં. માંડૂ શહેર ચારે બાજુથી મજબૂત દીવાલથી ઘેરાયેલું છે અને વચમાં અદભુત વાસ્તુકલાના નમૂના જોવા મળે છે.


  • Follow us on: