આયુર્વેદીય મતે સોરાયસીસ એ ત્વચાનો એવો રોગ છે કે જેમાં શરીરના વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષો બગડે છે. આમ છતાં તેમાં પિત્ત કરતાં વાયુ અને કફનો પ્રકોપ વધારે હોય છે, અને તેની ઉત્પત્તિમાં કૌટુંબિક-વારસાનો ઇતિહાસ પણ ઘણી વાર મળે છે.
 સોરાયસીસનો પ્રારંભ પગના તળિયે, ઘૂંટી, આંગળીઓ, માથું, ગરદન, પીઠ અથવા પેટ પરથી થતો જોવા મળે છે. શરૂઆત લાલ ચાંદાંથી થઈને પછી તે ધીમે ધીમે સુકાઈને અબરખ જેવી સફેદ ફોતરીઓ ઉખડે છે. સુકાવું અને ફોતરીઓ ઉખડવી તથા તેની રુક્ષતા(dryness) અને ખંજવાળ જેવાં તેનાં લક્ષણો વાયુ અને કફની અધિકતાનું સૂચન કરે છે.
 સોરાયસીસ ઘણી વાર લાંબા સમયે સ્વતઃ ઠીક થઇ જતો પણ જોવામાં આવે છે, અને ક્યારેક એકદમ વધી જતો પણ જોવામાં આવે છે. આ રોગમાં ત્વચા પરનાં ચાંદાં પરની ફોતરીઓ ઉખડવી એ મુખ્ય લક્ષણ જોવા મળે છે. આધુનિક વિજ્ઞાન પાસે આ રોગનો કોઈ સફળ કે સચોટ ઉપચાર નથી. કોર્ટિસોન-સ્ટિરોઈડયુક્ત દવાઓ દ્વારા આ રોગને કાબૂમાં રાખીને તેની તીવ્રતા ઘટાડવામાં આવે છે, પરંતુ દવાઓ બંધ કરતા ફરી તે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગે છે.
 સોરાયસીસ રોગમાં આયુર્વેદીય ઉપચારથી વિશેષ લાભ મળતો જોવા મળે છે. આ માટેનો ઉપચારક્રમ આ પ્રમાણે ગોઠવી શકાય.
 ઉપવાસ, ઉજાગરા, અશાંતિ, ચિંતા-ટેન્શન, ગુસ્સો, ભય, ઈર્ષ્યા વગેરેથી શરીરમાં વાયુની વૃદ્ધિ થાય છે. એટલે તેનાથી બચવું.
ચણાની ચીજો, ચટણી, પાપડ, અથાણાં, ફરસાણ વગેરે આહાર દ્રવ્યોથી વાયુની વૃદ્ધિ તથા માવાની મીઠાઈઓ, ઠંડાં પીણાં, આઈસક્રીમ, કેળાં જેવાં આહાર દ્રવ્યોથી કફની વૃદ્ધિ થાય છે. એટલે આવાં દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં.
સિન્થેટિક કપડાં પહેરવાં નહીં, સુતરાઉ-કોટનનાં અથવા ખાદીનાં વસ્ત્રો જ પહેરવાં.
મોળા દાળભાત, શાક, ગાજર, મગ, દૂધ જેવાં સાત્ત્વિક આહાર દ્રવ્યો લેવાં. બહારનો ખોરાક આરોગવો નહીં.
ઔષધોમાં,
ખદિરારિષ્ટ:- બે-બે ચમચી સવાર, બપોરે અને રાત્રે જમ્યા પછી તેમાં એટલું જ પાણી ઉમેરીને પીવો.
મહામંજિષ્ઠાદિ ક્વાથ:- અડધા કપ જેટલો સવારે અને રાત્રે જમ્યા પહેલાં તાજો બનાવીને પીવો.
લોહાસવ- બે ચમચી બપોરે અને રાત્રે જમ્યા પછી પીવો.
સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણથી દર ત્રીજા દિવસે હળવો જુલાબ લઈને કોષ્ઠ શુદ્ધિ કરી લેવી.
લીંબોળીનું તેલ 100 મિલિ. + બાવચીનું તેલ 100 મિલિ. એક કાચની બોટલમાં મિશ્ર કરી તેમાં ચણોઠી, કાથો, હળદર, અનંતમૂળ, ચિત્રકમૂળ, ફટકડી, મોરથૂથુ, હરતાલ, મન:શીલ, સુવર્ણમક્ષિક અને ત્રિફળા. આ દરેક ઔષધો 15-15 ગ્રામ લઇ ખૂબ ખાંડી ચૂર્ણ બનાવી તેલમાં નાંખી ખૂબ હલાવી મલમ બનાવી લેવો. ત્વચાનાં ચાંદાં પર આ મલમ સવારે અને રાત્રે આછો આછો લગાડવો. આ પ્રમાણેના ઉપચારથી જૂના હઠીલા સોરાયસીસ રોગમાં ખૂબ લાભ થાય છે.
દૂધ સાથે ખાટાં ફળો, વિરુદ્ધ આહારદ્રવ્યો, આથાવાળી ચીજો(ખમણ, ઢોકળાં, ઈડલી, ઢોંસા, પાઉં, બ્રેડ) વગેરે લેવાં નહીં.
અરીઠાના પાણીથી સ્નાન કરવું, ઉગ્ર તડકામાં વધારે સમય રહેવું નહીં.

  • Follow us on: