ઓક્ટોબર, 2004ના રોજ પંજાબ રાજ્યના જલંધરના બસ્તી મીઠુ વિસ્તારમાં રહેતા એક મજૂરની છ વર્ષની પુત્રી રોન્કુ તેના પિતરાઈ ભાઈ ખુર્શીદ સાથે રમી રહી હતી.
અચાનક તેમની પાસે એક સાઇકલ આવીને ઊભી રહે છે. સાઇકલ ચલાવનારના હાથમાં એક બેગ અને એ બેગમાં ઘણી બધી ચોકલેટ અને ટોફી હોય છે. સાઇકલ ચલાવનાર વ્યક્તિ બાળકોને ટોફી આપીને કહે છે કે ચાલો હું તમને એક સરસ જગ્યાએ જાદુ બતાવવા માટે લઈ જાઉં. પહેલાં ચોકલેટ અને હવે જાદુની વાત સાંભળીને બાળકો તરત જ ખુશ થઈ જાય છે અને એ સાઇકલ લઈને આવેલી વ્યક્તિ સાથે જવા માટે તૈયાર થઈ જાય છે. સાઇકલસવાર બંને બાળકોને પોતાની સાથે બેસાડે છે અને ઘડીભરમાં ગાયબ થઈ જાય છે.
ઘરની આસપાસમાં રમી રહેલાં બાળકો જ્યારે સાંજ પડતાં ઘરે પરત નથી ફરતાં ત્યારે બંને બાળકોનાં માતા-પિતા અને તેમનો પરિવાર બાળકોને શોધવા નીકળે છે, પરંતુ બાળકોનો કોઈ પણ પ્રકારનો પત્તો લાગતો નથી. સાંજની રાત થઈ જાય છે, પણ બાળકોને શોધવામાં પરિવારને સફળતા નથી મળતી. આખરે પરિવાર દ્વારા આ બાબતની પોલીસને જાણ કરવામાં આવે છે.
આજે ગુનાની દુનિયામાં આપણે એક એવા ગુનેગાર વિશે વાત કરીશું, કે જે એ સમયે ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતો હતો. પોતાની વિકૃત માનસિકતાને કારણે તેણે પોતાના જ વરિષ્ઠ અધિકારી પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો, જે બાદ લોકોની રક્ષા કરનાર સૈનિક પોતે જ એક રાક્ષસ બની ગયો. નવાઈની વાત એ છે કે કોઈને આ સૈનિકના મુખોટાની પાછળ છુપાયેલા રાક્ષસ ચહેરાની ખબર નહોતી અને જ્યારે લોકોને તેના વિશે ખબર પડી, ત્યારે તેણે ઘણાં નિર્દોષ બાળકોના જીવ લઈ લીધા. આ વાર્તા છે દરબારાસિંહની કે જે એક સમયે ભારતીય વાયુસેનામાં અધિકારી હતો, જે સમય જતાં એક શેતાન બની ગયો. આજે પણ લોકો તેને તેના નામથી નહીં પણ `બેબી કિલર' તરીકે ઓળખે છે.
પંજાબના અમૃતસર જિલ્લાના જલ્લુપુર ખેરા ગામમાં 1952માં જન્મેલા દરબારાસિંહની કથા એવી છે જે દરેકના હૃદયમાં ભય અને આઘાત ઊભો કરે છે. આ વાર્તા એક એવા માણસની છે જેનું નામ `બેબી કિલર' તરીકે ઇતિહાસમાં કાયમ માટે નોંધાયું. દરબારાસિંહનો જન્મ અમૃતસરના બિયાસ નજીક આવેલા નાનકડા ગામમાં થયો હતો. તેનું બાળપણ સામાન્ય હતું, પરંતુ તેની અંદર રહેલી આક્રમકતા અને ગુસ્સો કદાચ નાનપણથી જ તેના વ્યક્તિત્વનો હિસ્સો હતો. યુવાનીમાં તેણે ભારતીય વાયુસેનામાં જોડાવાનો નિર્ણય લીધો અને પઠાણકોટ ખાતે એરફોર્સ સ્ટેશનમાં નોકરી મેળવી. એવું લાગતું હતું કે દરબારાનું જીવન સફળતા અને શિસ્તથી ભરેલું હશે, પરંતુ એક ઘટનાએ તેના જીવનનો માર્ગ જ બદલી નાખ્યો.
વર્ષ 1975માં દરબારાસિંહે તેના વરિષ્ઠ અધિકારી મેજર વી.કે. શર્મા સાથે થયેલા ઝઘડા બાદ તેમના ઘર ઉપર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં મેજર શર્માની પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થયાં. આ ઘટનાએ દરબારાને વાયુસેનામાંથી બરખાસ્ત કરાવ્યો અને તેની ધરપકડ થઈ. જોકે, ટ્રાયલ બાદ તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. આ ઘટનાએ તેના મનમાં ગુસ્સો અને બદલાની ભાવના ભરી દીધી, જે ભવિષ્યમાં તેના ભયંકર અપરાધોનું કારણ બની.
વાયુસેનામાંથી બરખાસ્ત થયા બાદ દરબારાસિંહનું જીવન અસ્થિર બની ગયું. દરબારાસિંહ શરાબના નશામાં ધૂત રહેવા લાગ્યો. આખરે દારૂનું વ્યસન દરબારાસિંહ માટે પારિવારિક કલહનું કારણ બન્યું. તેની પત્નીએ તેની ખરાબ આદતોને કારણે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તેનાં ત્રણ બાળકો હોવા છતાં, તેનું કુટુંબ તેનાથી દૂર થઈ ગયું.
હવે દરબારાસિંહ એકલો રહેવા લાગ્યો. પહેલાં વાયુસેનામાંથી બરખાસ્ત થવું અને પછી પરિવાર દ્વારા પોતાને તરછોડી મૂકવામાં આવવું. આ બંને ઘટનાઓની તેના આક્રમક અને વિકૃત સ્વભાવ પર કોઈ અસર ન થઈ, પરંતુ આ ઘટનાઓ બાદ તેની વિકૃત માનસિકતા વધુ મજબૂત બની. વર્ષ 1996માં દરબારાએ કપૂરથલામાં એક પરપ્રાંતીય મજૂરની નાની દીકરી પર બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાએ તેને પ્રથમ વખત કાયદાના સકંજામાં લાવ્યો. વર્ષ 1997માં તેને આવા ત્રણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો અને 30 વર્ષની સજા ફટકારવામાં આવી.
જેલમાં રહેવાનો સમય દરબારા માટે એક નવી શરૂઆત નહોતો, પરંતુ તેના મનમાં પરપ્રાંતીય મજૂરો પ્રત્યેની નફરતને વધુ મજબૂત કરનારો સમય હતો. તે માનતો હતો કે તેની ધરપકડ અને સજા માટે આ મજૂરો જ જવાબદાર હતા, પરંતુ જેલમાં રહીને દરબારાસિંહ આમ પણ કંઈ કરી શકે એમ નહોતો. વર્ષ 2003માં તેના સારા વર્તનના આધારે સરકારે તેની સજા ઘટાડી અને તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો, પરંતુ આ મુક્તિ નિર્દોષ બાળકો માટે એક ભયંકર આફત લઈને આવી.
વર્ષ 2003માં જેલમાંથી છૂટ્યા બાદ દરબારા જલંધરમાં રહેવા લાગ્યો અને ચામડાના કારખાનામાં કામ શરૂ કર્યું, પરંતુ તેનું મન હવે બદલાની આગમાં સળગી રહ્યું હતું. તેના દિમાગમાં મજૂરો પ્રત્યેની નફરત ચરમસીમા પર હતી. એપ્રિલ, 2004થી ઓક્ટોબર, 2004 સુધીના સાત મહિનાના ગાળામાં તેણે જલંધર અને કપૂરથલામાં 23 બાળકોનું અપહરણ કર્યું અને તેમના પર બળાત્કાર ગુજાર્યો, જેમાંથી 17 બાળકોની તેણે હત્યા પણ કરી. આ બાળકો મોટાભાગે 10 વર્ષથી નાની ઉંમરના હતાં અને પરપ્રાંતીય મજૂરોના પરિવારોમાંથી આવતાં હતાં.
દરબારાની મોડસ ઓપરેન્ડી ભયાનક હતી. તે સાઇકલ પર ફરતો અને તેની પાસે ચોકલેટ અને ટોફીઓથી ભરેલી થેલી રહેતી, જેનો ઉપયોગ તે બાળકોને લલચાવવા માટે કરતો. તે બાળકોને ટોફીઓ, ચોકલેટ, સમોસાં કે અન્ય ખાદ્યપદાર્થોની લાલચ આપીને તેમને એકાંત સ્થળે લઈ જતો. જ્યાં તે તેમના પર બળાત્કાર ગુજારતો અને પછી ગળું કાપીને તેમની હત્યા કરતો. ઘણી વખત તેણે મૃત શરીરો પર પણ દુષ્કર્મ કર્યું. ઠંડા કલેજે બાળકોની હત્યા કર્યા બાદ દરબારાસિંહ બેફામ દારૂ અને સ્વાદિષ્ટ ભોજન સાથે પોતાના અપરાધની ઉજવણી કરતો.
એક ખાસ ઘટનામાં 18 એપ્રિલ, 2004ના રોજ દરબારાએ દીક્ષા અને તેની બહેન આશાનું અપહરણ કર્યું, જેઓ કંપની બાગમાં તેમના બે પિતરાઈ ભાઈઓ સાથે રમતાં હતાં. આશા કોઈક રીતે તેની પકડમાંથી છટકી ગઈ, પરંતુ દીક્ષાની હત્યા કરવામાં આવી. આશાએ પોલીસને દરબારાની ઓળખ આપવામાં મદદ કરી, જે તેની ધરપકડનું એક મહત્ત્વનું કારણ બન્યું.
વર્ષ 2004ના ઓક્ટોબરમાં પોલીસે એક ખાસ તપાસ ટીમ (SIT) બનાવી, જેણે દરબારાની મોડસ ઓપરેન્ડીનું વિશ્લેષણ કર્યું અને તેનું સ્કેચ તૈયાર કર્યું. 29 ઓક્ટોબરની સવારે પોલીસને એક સાઇકલસવારની માહિતી મળી, જેનો ચહેરો સ્કેચ સાથે મેળ ખાતો હતો
અને તેની પાસે પણ ટોફીઓની થેલી હતી. આ માહિતીને આધારે પંજાબ પોલીસના SHO પ્રીતમસિંહ દરબારાસિંહને પકડવા માટે પોતાની ટીમ લઈને નીકળી પડ્યા. દરબારાએ બસ્તિયન નજીક પોલીસને જોતાં જ પોતાની સાઇકલ ફેંકી દીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને પકડી લીધો.
પૂછપરછ દરમિયાન દરબારાએ 23 બાળકોને નિશાન બનાવ્યાંનું અને 17ની હત્યા કરી હોવાનું કબૂલ્યું. તેણે જણાવ્યું કે તેણે બળાત્કાર અને હત્યા બાદ મોટાભાગનાં બાળકોની લાશને રાયા-ખડૂર સાહિબ રોડ પરના એક પુલ નજીક ફેંકી દીધી હતી. પોલીસને શંકા હતી કે ભોગ બનેલાં બાળકોની વાસ્તવિક સંખ્યા આનાથી પણ વધુ હોઈ શકે છે, કારણ કે કપૂરથલા અને અમૃતસરના જલ્લુપુર ખેરા ગામનાં જંગલોમાં વધુ બે બાળકોના શરીરના અવશેષો મળી આવ્યા હતા.
દરબારા સિંહ વિરુદ્ધ 18 કેસ નોંધાયા, જેમાંથી તેને ચાર હત્યાઓ અને એક હત્યાના પ્રયાસના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો. જાન્યુઆરી, 2008માં તેને ખુર્શીદ (5 વર્ષ) અને રોન્કુ (6 વર્ષ) નામનાં બે બાળકોની હત્યા માટે ફાંસીની સજા ફટકારવામાં આવી. આ બાળકો બિહારના દરભંગાથી આવેલા મજૂર મોહમ્મદનાં હતાં. એક અન્ય કેસમાં નિશુ નામની બાળકી, જે દરબારાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી, તેણે હાવભાવ દ્વારા દરબારાને ઓળખી કાઢ્યો, કારણ કે તેનું ગળું ઈજાગ્રસ્ત હોવાને કારણે તે બોલી શકતી નહોતી. નિશુની પડોશી ગુડ્ડીએ પણ જણાવ્યું કે તેણે દરબારાને બાળકો રમતાં હતાં તે વિસ્તારમાં સાઇકલ સાથે ઊભેલો જોયો હતો.
જોકે, 2009માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે અપૂરતા પુરાવાને કારણે તેની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી. દરબારાને પટિયાલા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેણે તેના જીવનના છેલ્લા દિવસો વિતાવ્યા.
6 જૂન, 2018ના રોજ 75 વર્ષની ઉંમરે દરબારાસિંહનું પટિયાલાની ગવર્નમેન્ટ હોસ્પિટલમાં મૃત્યુ થયું. તેના પરિવારે જેમાં તેની પત્ની અને ત્રણ બાળકો હતાં, તેમણે તેના શબને સ્વીકારવાનો ઇનકાર કર્યો, કારણ કે તેના ગુનાઓને તેઓ `અક્ષમ્ય' ગણતાં હતાં. જેલ સુપરિટેન્ડન્ટ રજન કપૂરે જણાવ્યું કે, `અમે જલંધર પોલીસને તેની પત્ની અને બાળકોને શબ લેવા માટે વિનંતી કરવા કહ્યું, પરંતુ તેમણે ઇનકાર કર્યો.' આખરે, પોલીસે જિલ્લા કોર્ટમાં અરજી કરીને તેના શબના અંતિમ સંસ્કારની પરવાનગી મેળવી.
દરબારાસિંહના અપરાધોએ પંજાબના જલંધર અને કપૂરથલા વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું. પરપ્રાંતીય મજૂરોના પરિવારો જેઓ પહેલેથી જ આર્થિક અને સામાજિક રીતે નબળા હતા, તેમના માટે આ ઘટનાઓ એક ભયાનક આઘાત હતો. દરબારાની ધરપકડથી આ વિસ્તારોમાં રાહતનો શ્વાસ આવ્યો, પરંતુ તેના ગુનાઓની યાદગીરીઓએ લોકોના મનમાં કાયમી ડર ઊભો કર્યો.
દરબારાસિંહની કથા એક એવા માણસની વાર્તા છે જે શિસ્તબદ્ધ સૈનિકથી શરૂ થઈને એક નિર્દય અપરાધી બની ગયો. તેના અપરાધો એટલા ભયંકર હતા કે તેના પોતાના પરિવારે પણ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા. આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે બદલો અને નફરતની ભાવના કેવી રીતે એક વ્યક્તિને નિર્દોષોનો શિકાર બનાવવા તરફ દોરી જાય છે. દરબારાસિંહનું નામ ભારતના અપરાધ ઇતિહાસમાં `બેબી કિલર' તરીકે કાયમ માટે નોંધાયેલું રહેશે.
