- આર્ટિકલ 370માં એક્શન પણ છે અને પોલિટિક્સ પણ છે.
- એ સમયે કાશ્મીરમાં આ કલમ હટાવવાના મિશનને ખૂબ જ ગુપ્ત રીતે ચલાવવામાં આવ્યું હતું
ડાયરેક્ટર આદિત્ય જંભાલની ફિલ્મ આર્ટિકલ 370 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવી રહી છે ત્યારે આ ફિલ્મ વિશે વાત કરતાં તેઓ કહે છે કે આ ફિલ્મ બનાવવા પાછળનું સૌથી મોટું કારણ જનજાગૃતિ જ છે. આપણામાંથી મોટાભાગના લોકોને 370ની કલમ હટાવાઈ ત્યારે એ કેમ કર્યું એ વિશે ખબર નહોતી. આ કાર્ય એટલું શાંતિથી કરવામાં આવ્યું હતું કે તે થઇ રહ્યું હતું ત્યારે તેના વિશે ભાગ્યે જ કોઇ જાણતું હતું. એટલે જ આ ફિલ્મ બનાવવા પાછળનું સૌથી મોટું કારણ અમારા મગજમાં એ જ હતું કે સ્કૂલમાં ભણતાં બાળકો તે જુએ તો પણ તેમને એ વિશે જાણ થાય. અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે અમે આર્ટિકલ 370 વિશે જાણતા ઘણા લોકોને સાથે રાખ્યાં હતાં જેથી અમે મૂળ કથાથી ભટકી ન જઇએ.
આર્ટિકલ 370માં એક્શન પણ છે અને પોલિટિક્સ પણ છે. કાશ્મીરની એ સમયની સ્થિતિને એમાં દર્શાવાઈ છે, એ સમયે કાશ્મીરમાં આ કલમ હટાવવાના મિશનને ખૂબ જ ગુપ્ત રીતે ચલાવવામાં આવ્યું હતું જેથી ત્યાં કોઈ પણ પ્રકારની હિંસા ફાટી ન નીકળે. આમ પણ કાશ્મીર એ મામલે થોડું સંવેદનશીલ છે. આ મિશન ગુપ્ત હતું એ કારણે જ તેની તમામ વિગતો પણ સાર્વજનિક નથી કરવામાં આવી. ડાયરેક્ટર કહે છે કે અમે પણ આ ફિલ્મ બનાવતાં પહેલાં મહિનાઓ સુધી હોમવર્ક કર્યું હતું. મૂળ આ ફિલ્મમાં વર્ષ 2014થી 2019ની કાશ્મીરની સ્થિતિ અને ઘટના દર્શાવવામાં આવશે. ફિલ્મ બે કલાકની હશે જે 24 ફેબ્રુઆરી, 2024એ સિનેમાઘરમાં આવશે. ડાયરેક્ટર કહે છે કે આ મિશનની 80 ટકા જાણકારી એવી છે જે સાર્વજનિક ડોમેન ઉપર નથી જે અમે મેળવી છે અને ફિલ્મમાં આવરી લીધી છે, એટલે જ અમને ટીમ તરીકે એવી આશા છે કે લોકોને ફિલ્મ ગમશે અને તેમને ફિલ્મમાંથી ઘણાં સવાલોના જવાબ પણ મળી રહેશે. આ મિશનની બૅકસ્ટોરી વિશે પણ ઘણાં લોકો અજાણ હતા એટલે તેમને પણ તે જાણવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ ફુલ એક્શન અવતારમાં જોવા મળવાની છે. ડાયરેક્ટર આદિત્ય કહે છે કે હાલ અમે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છીએ, અમારી પાસે ઘણો ઓછો સમય છે પણ અમે સતત એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રમોશન કરી રહ્યાં છીએ. આ ફિલ્મમાં આપણાં પ્રાઇમ મિનિસ્ટરનો રોલ પ્રભુ શ્રી રામ તરીકે જાણીતા અરુણ ગોવિલ કરવાના છે. કહેવાય છે કે આ રોલ માટે ઘણાં નામ ચર્ચાયા હતા. અનુપમ ખેર અને અરુણ ગોવિલ બંને છેલ્લે રેસમાં હતાં જેમાથી અરુણ ગોવિલનું નામ ફાઇનલ થયું હતું. તાજેતરમાં જ અરુણ ગોવિલના પી.એમ લૂકનો ફોટો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો.










