આપણી પાસે ભગવદ્ગીતામાં `સાંખ્ય યોગ' છે. આ ઉપરાંત સાંખ્યજ્ઞાન વિશે મહાભારતના `શાંતિપર્વ'માં અનેક જગ્યાએ, અનેક સંદર્ભે માહિતી મળી રહે છે. ભીષ્મના મતે સાંખ્યજ્ઞાન એ આ જગતનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. તેઓ એક જગ્યાએ એમ પણ કહે છે કે સાંખ્યજ્ઞાન એ માત્ર કોઈ નિયમાવલી અથવા આચારસંહિતા નથી, પરંતુ સાંખ્યજ્ઞાન એ પોતે જ એક આખો માર્ગ અથવા ધારા છે! એટલે જે લોકો સાંખ્યધારાને અનુસરે એ લોકોને જીવનમાં કે તેમની અાધ્યાત્મિક ઉન્નતિમાં કોઈ બાધા નથી આવતી. હવે અાધ્યાત્મિક ઉન્નતિ કે ફરી જન્મ ન લેવાની વાતને એટલે કે મોક્ષની વાતને આપણે હાલ પૂરતી પડતી મૂકીએ, કારણ કે આપણી આ સીરિઝ લડી લેવા માટે, જીવન જીવવા માટેની કે આદર્શ લીડરશિપ માટેની છે. એટલે જેમણે અાધ્યાત્મિક દૃષ્ટિકોણથી સાંખ્યજ્ઞાન સમજવું, જાણવું હોય તેઓ સીધા `શાંતિપર્વ'નો અભ્યાસ કરે. આપણે વાત કરીએ લીડરશિપમાં સાંખ્યધારા કઈ રીતે ખપમાં આવે એ વિશે.

ભીષ્મ કહે છે કે એક લીડરે તેના જીવનમાં તમામ શાસ્ત્રો કે તમામ જ્ઞાન પ્રાપ્ત કરવા જરૂરી છે, પરંતુ એ તમામ જ્ઞાન કે શાસ્ત્રોના અભ્યાસ દરમિયાન કે એ પછી જો તેનામાં સાંખ્યવૃત્તિ ન હોય તો એનું અન્ય કોઈ જ્ઞાન તેને ખપમાં નથી અવવાનું. અહીં આપણે સાંખ્યજ્ઞાન, સાંખ્યધારા અને સાંખ્યવૃત્તિ, જે આમ એક જ પ્રકારના અર્થો ધરાવે છે, એને જુદા જુદા સંદર્ભે સમજીશું! ઈનશોર્ટ ભીષ્મ કહે છે કે માણસે જો સફળ લીડર બનવું હોય તો તેણે સાંખ્યવૃત્તિ કેળવવી અથવા સાંખ્યજ્ઞાન પ્રાપ્ત કરવું, પરંતુ આ સાંખ્યજ્ઞાન અથવા સાંખ્યવૃત્તિ એટલે શું? એના ચોક્કસ અર્થો શું?

તો સાંખ્યજ્ઞાન અથવા સાંખ્યવૃત્તિ એ અગાધ દર્શન છે અને એમાંથી તો જેટલું ઉલેચીએ એટલું ઓછું પડે, પરંતુ જો એને ભૌતિક, સીમિત દૃષ્ટિકોણથી જોઈએ તો સાંખ્યવૃત્તિ એટલે થર્ડ પર્સન તરીકે અથવા થર્ડ પાર્ટી તરીકે પોતાના જીવનને જોવા-અનુભવવાનો ભાવ. અલબત્ત, સાંખ્ય વૃત્તિની આવી વ્યાખ્યા પણ કેટલાક કિસ્સામાં તો ખોટી જ ઠરે, પરંતુ સાંખ્યના મૂળમાં આ જ બાબત રહેલી છે મારું, મારું, હું, હું નહીં કરવું. વળી, જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ અથવા આપણે જે કંઈ ગુમાવીએ છીએ બધું જ આપણને જાણે સ્પર્શતું જ નથી. આપણે એનાથી જરાય પ્રભાવિત થતા જ નથી એ રીતે આપણા વાસ્તવ કે આપણા વર્તમાનને નિહાળવાની વૃત્તિ!

મોટાભાગે આપણા સૌનું એવું થતું હોય છે કે આપણી દરેક પ્રવૃત્તિ કે વિચારમાં આપણે આપણી જાતને અથવા આપણા `હું'ને અત્યંત કેન્દ્રમાં લાવી દેતા હોઈએ છીએ. એટલે જ આપણી બોલચાલની ભાષામાં, `મારે કેટલા?', `એમાં મારે શું?', `મને કોઈ ફરક નથી પડતો' જેવાં વાક્યો સહજરૂપે વણાઈ ગયેલાં છે, પરંતુ આ બાબત સૂક્ષ્મ રૂપે આપણો અહમ્ પંપાળવાની આપણી વૃત્તિ છે. અહમ્ જ આપણને નીચા પાડતો પણ હોય છે! કારણ કે જે માણસ `હું' સિવાય કશું ભાળી ન શકે એ બીજું શું ભાળી શકવાનો? એટલે સ્વાભાવિક એ લીડર તેની દરેક સફળતા, તેની દરેક ઉપલબ્ધિ કે તેના દરેક સંવાદોમાં પોતાને ચાલકબળ માનતો હોય છે.

પરંતુ ભીષ્મ કહે છે એમ જે પોતાના સિવાય બીજું ભાળી ન શકતો હોય એ કંઈ બીજાને, બીજાની સમસ્યાઓને, બીજાની જરૂરિયાતને કે બીજાના હોવાપણાને સ્વીકારે ખરો? આખરમાં એ માણસ વર્તનમાં તોછડો થાય અને હલકા વેણ ઉચ્ચારવા માંડે એટલે વહેલા કે મોડા તેના વિનાશની શરૂઆત થઈ જાય છે. વળી, આવા લોકોનો વિનાશ થાય કે ન થાય એ જુદી ચર્ચાનો વિષય છે. મૂળ તો એ છે કે એવા માણસો આજીવન નાનું વિચારીને, સ્વકેન્દ્રી વિચારીને એક નાનકડી માયાજાળમાં ખદબદતા રહેતા હોય છે.

એની જગ્યાએ જેની અંદર સાંખ્યભાવ છે એને સતત એ વાતનું ભાન રહે છે કે તેની સાથે જે કંઈ ઘટી રહ્યું છે અથવા તે જે કોઈ બાબતનો સાક્ષી થઈ રહ્યો છે એ બાબતોનું ચાલકબળ કશુંક બીજું છે. આ તો તેના ભાગ્ય હતાં કે તેને આ ઘટનાના સાક્ષી બનવા મળ્યું. બાકી, એય કરોડો લોકોની જેમ જંતુ જેવું જીવન જીવત અને અહમ્, લાલસા કે વાસનાની માયાજળમાં ખદબદતો રહેત! આ ભાવ મનમાં સ્થાય પછી સૌથી પહેલાં બે મહત્ત્વની બાબતો ઘટે છે. એક બાબત એ બને છે કે માણસ પોતે હંમેશાં જમીન સાથે, પોતાની ભોંય સાથે જોડાયેલો રહે છે. તો બીજી બાબત એ બને છે કે માણસની અંદર કરુણા જન્મે છે, બીજાનો વિચાર જન્મે છે. આમ જોવા જઈએ તો લીડરશિપની શરૂઆત પણ અહીંથી જ થતી હોય છે. આખરે લીડરશિપમાં માણસ કોઈને તો લીડ કરતો જ હોયને? અને જેને લીડ કરે એના પ્રત્યે તેને નિસ્બત તો હોવી જોઈએને?

અને એવું નથી કે આ ભાવના કંઈ જ્ઞાનથી કેળવી શકાય? આ ભાવના માટે જ્ઞાન હોય કે ન હોય, પરંતુ માણસ પાસે સાંખ્યવૃત્તિ હોવી જ જોઈએ અને એટલે જ ભીષ્મ વારંવાર કહે છે કે સાંખ્યજ્ઞાન તમામ જ્ઞાનોમાં પણ શ્રેષ્ઠ છે. સાંખ્યધારા માણસની સર્વ પ્રકારે સમૃદ્ધિ કરે છે.