બરાબર પાંચ ચાંલ્લા કરજે. ઉપરની તરફ એટલે દેખાય પણ નહીં અને પૂજા પણ થઈ જાય. સંજનાને ટેબલ પર કંકુની વાડકી આપતાં રમણિકલાલ બોલ્યા. નવા નક્કોર એસી. પર ચાંલ્લા થયા. એસી. ફિટિંગવાળા એ હસતાં હસતાં કહ્યું, આજકાલ તો એસી. જરૂરિયાત બની ગયું છે. એના વગર ચાલે જ નહીં સાહેબ.
`એ તો પહેલું બિલ આવશે એટલે ખબર પડશે.' રમણિકલાલે મનોમન દાંત કચકચાવતાં વિચાર્યું.
ભટ્ટ પરિવારમાં આજે ઉત્સવ હતો. ઘરમાં પહેલી વાર એસી. આવ્યું. નાનકડા બે રૂમના ઘરમાં, લિવિંગ રૂમની દીવાલ પર ચમકતું એસી. જોઈને દરેકની આંખો ચમકી ઊઠી.
રમણિકલાલ પરિવારના એકમાત્ર કમાતા સભ્ય. એસી.ના ઇન્સ્ટોલેશનની ધમાલ જોઈને ખુશ હતા, પણ લાઈટ બિલની ચિંતા ડોકાતી. `આ ગરમીમાં બધા શાંતિથી ઊંઘે, એટલે લઈ તો લીધું, પણ બિલ આવશે ત્યારે?' સહેજ ગળું ખંખેરીને એમણે કહ્યું, `જો લઈ તો આવ્યો છું પણ એક કલાક ચલાવવાનું, બધું ઠંડું થઈ જાય પછી તરત જ બંધ કરી દેવાનું અને આ ઈકોની સ્વિચ છે એ દબાવી દેવાની એટલે બિલ ઓછું આવે અને આ જેટ કૂલની સ્વિચ તો અડવાની જ નહીં. એમાં સૌથી વધુ બિલ આવે.'
રેખાબહેન રમણિકલાલનાં પત્ની એસી.ની ઠંડકમાં રસોડામાંથી નાસ્તો લઈ આવ્યાં. `આજે તો ઘર બરફ જેવું ઠંડું!' એમનો ચહેરો ખીલી ઊઠ્યો. રિમોટ લઈને ટેમ્પરેચર 18 ડિગ્રી કરી દીધું. `આટલું ઠંડું નહીં રેખા, જેટલી ડિગ્રી ઓછી રાખો એટલું બિલ વધારે આવે!' રમણિકલાલે બૂમ પાડી.
ધ્રુવ અને સંજના એસી.ની આગળ સેલ્ફી લેવામાં વ્યસ્ત. `પપ્પા, આ તો આપણા ઘરનું નવું સ્ટેટસ!' ધ્રુવે હસતાં કહ્યું. સંજના બોલી, `હવે કોલેજમાં બધાને કહીશ મારા ઘરે એસી. છે.' રમણિકલાલે માથું ખંજવાળ્યું. `બસ, સોશિયલ મીડિયા પર ન મૂકતાં. નજર લાગશે!'
દાદીમા જે હંમેશાં પંખાની નીચે ગરમીની ફરિયાદ કરતાં, આજે શાલ ઓઢીને બેઠાં. `આ શું? હિમાલયમાં બેઠા હોઈએ એવું લાગે.' બધાએ બાની સામે નારાજગીથી જોયું. ખાલી રમણિકલાલ કહે જો બાને નથી ફાવતું તો બંધ. રિમોટ લઈને એસી બંધ કર્યું. બહાનું ખાલી બાનું હતું બાકી ચિંતા બિલની હતી.
રાતે બધા એસી.ની ઠંડકમાં એકઠા થઈ ટીવી જોવા બેઠા. રમણિકલાલના ચહેરા પર ગણતરી હતી. થોડી જ વાર થઈ ત્યાં તો અચાનક રોજ પરસેવે રેબઝેબ થઈને બેસતી પત્ની એસી.ની ઠંડકમાં તેમના ખભે માથું મૂકીને નિરાંતે ઊંઘી ગઈ. એના ચહેરા પર અજીબનું સંતોષથી તરબતર સ્મિત રમણિકલાલે અનુભવ્યું. બંને બાળકોની તાજગી આજે કંઇક જુદી જ હતી. સામે બા પણ ધીમે ધીમે ખુશી ખુશી રિમોટને લઈને એસી. વાપરતા શીખતાં હતાં.
અચાનક ટીવીમાં જાહેરાત આવી જેમાં ટેગલાઇન હતી, કોઈ દિન અપને લિયે ઔર અપનોં કે લિયે ભી જી લો. રમણિકલાલે એક ઊંડો શ્વાસ લીધો અને બા જોડેથી રિમોટ લઈને જેટ કૂલ દબાવ્યું.