મહાન ગણિતજ્ઞ અને સુપ્રસિદ્ધ કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે ખ્યાતિ મેળવનાર એડા લવલેસનો જન્મ 1815માં ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમના પિતા લોર્ડ બાયરન કવિ હતા. તેઓ વિદ્રોહી મિજાજના કવિ હતા. એડા લવલેસ એક મહિનાની હતી ત્યારે પિતા મા-દીકરીને છોડીને ચાલ્યા ગયા હતા. એડાની માતા નહોતી ઇચ્છતી કે પિતાની છત્રછાયા તેના ઉપર પડે અને તે કવિ બને. માતા અનેબેલા પોતે ખૂબ જ વિચક્ષણ વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હતી. તેઓ દીકરીને સમૃદ્ધ રીતે ઉછેરી રહ્યાં હતાં. એડા માટે ઘરે જ ગણિત, ભાષા, વિજ્ઞાન વગેરે વિષયો ભણાવવા માટે અધ્યાપક રાખ્યા હતા. તેની માતા કડક શિસ્તપાલનનાં આગ્રહી હતાં. એડાનાં નાની તેને ખૂબ પ્રેમ કરતાં હતાં. 17 વર્ષની ઉંમરે એડાની મુલાકાત ફાધર ઓફ કમ્પ્યૂટર કહેવાતા ચાર્લ્સ બેબેજ સાથે થઇ. એ વખતે ચાર્લ્સ કમ્પ્યૂટિંગ મશીન બનાવવાના પ્રયોગ કરી રહ્યાં હતા. તેમને એવી માહિતી મળી હતી કે એડા અને તેમની માતા મેથેમેટિક્સમાં ખૂબ જ સારું જ્ઞાન ધરાવે છે. તેથી ચાર્લ્સે સામેથી બંને સ્ત્રીઓને પોતાનું પ્રયોગાત્મક કેલ્ક્યુલેટિંગ મશીન જોવા બોલાવ્યાં. મશીન કઈ રીતે ઓટોમેટિક કામ કરે તેનું મિકેનિઝમ જોવા માટે એડા અને તેની માતા બંને અનેક વાર ફેક્ટરીની મુલાકાતે જવા લાગ્યાં. એ સમયમાં ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ ફેક્ટરીની મુલાકાત માટે આવે તે લોકો માટે વિસ્મયકારક વાત હતી. અનેક પ્રકારની ગૂંચવણભરી અને જટિલ ગણતરીઓના આધાર પર એડાએ ચાર્લ્સ બેબેજના કેલ્યુલેટિંગ મશીન માટે એ જમાનામાં પ્રોગ્રામ લખ્યો હતો. વિશ્વનો સૌપ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ લખનાર એડાનું મૃત્યુ નાની ઉંમરમાં થયું હતું.

બડી મા : લતા મંગેશકરનું પહેલું હિન્દી અને પહેલું યુગલ ગીત!









