માનવજીવનની પાયાની જરૂરિયાતો સંતોષવામાં સહાયભૂત થાય, એ જ વિજ્ઞાન ટેક્નોલોજી સૌથી ઉત્તમ. સૌથી પાયાની જરૂરિયાત એટલે રોટી, કપડા ઔર મકાન. આ પૈકીની બે જરૂરિયાતો સીધી ખેતરો-વનસ્પતિઓમાંથી આવે છે અને કડવી લાગે એવી હકીકત એ છે કે આપણે ખેતીનું નિકંદન કાઢી રહ્યા છીએ! ખેતીલાયક જમીનનું ધોવાણ અને ભૂમિપ્રદૂષણ સહિતની અનેક સમસ્યાઓ સાથે જ કૃષિ સામેની આજના યુગની સૌથી મોટી ચેલેન્જ એટલે મેનપાવરની કમી! શિક્ષણ અને કારખાનાંઓમાં મળતી રોજગારીનું પ્રમાણ સુધર્યું. એમાં અનેક શ્રમજીવી પરિવારોએ ખેતરોમાં મજૂરીએ જવાનું કામ છોડ્યું.
આ સમસ્યા માત્ર ભારતની નથી. યુએસએ જેવા વિકસિત રાષ્ટ્રમાંય બીજા દેશોમાંથી આવતા મજૂરો પણ ખેતરો સુધી પહોંચી નથી રહ્યા. જાપાન જેવા પ્રગતિશીલ દેશમાં સરેરાશ આયુ વધી અને જન્મદર ઘટ્યો. એના પ્રતાપે એજિંગ પોપ્યુલેશનની સમસ્યા (ઘરડી વસ્તીમાં વધારો) નડી રહી છે. ખેતરમાં કામ કરી શકે એવા યુવાનો મળવા મુશ્કેલ બન્યા છે. આ બધી સમસ્યાઓનો અકસીર કહી શકાય એવો ઈલાજ વિજ્ઞાન ટેક્નોલોજી પાસે છે અને ચીન-જાપાને એ ઉપાય અજમાવવામાં લીડ લીધી છે. આ ઉપાય એટલે `એગ્રિકલ્ચરલ રોબોટિક્સ'નો ઉપયોગ. આજકાલ એના માટે `એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ) ફાર્મિંગ' કે `સ્માર્ટ ફાર્મિંગ' જેવા શબ્દો પણ વપરાય છે.
શબ્દ પરથી જ સમજાય છે કે એગ્રિકલ્ચરલ રોબોટિક્સ એટલે ખેતીમાં માણસને બદલે રોબોટનો ઉપયોગ. આમ તો ઠેઠ 1920થી ખેતીમાં રોબોટિક્સનો ઉપયોગ થઇ રહ્યો છે, પણ ત્યારે એ બધું `ઓટોમેટિક વિહિકલ' કહેવાતાં મિકેનિકલ વાહનો પૂરતું સીમિત હતું. 1980ના દશકમાં કમ્પ્યૂટરની એન્ટ્રી થઇ, એ પછી આ ક્ષેત્રમાં ખરા અર્થમાં રોબોટિક્સ પ્રવેશ્યું. જોકે, એ સમયે પણ મજૂરો જોઈએ એટલા પ્રમાણમાં મળી રહેતા. એટલે મોંઘા ભાવની મશીનરીઝ વસાવવામાં ભાગ્યે જ કોઈ ખેડૂતને રસ પડતો, પણ પછી પરિસ્થિતિ બદલાઈ. એઆઈની એન્ટ્રી થઇ એ સાથે જ આજકાલ ચારે તરફ `રોબોટિક ફાર્મિંગ' શબ્દ કોઈન થવા માંડ્યો છે. સાથે જ `ગ્રીન હાઉસ ફાર્મિંગ' જેવા શબ્દો પણ ચલણમાં આવી ગયા છે. ગ્રીન હાઉસ ફાર્મિંગ એટલે સાવ સાદી ભાષામાં કાચની છત હેઠળ થતી ખેતી, જ્યાં મોસમની વિપરીત અસરો, કીટકો વગેરેથી પાકને બચાવીને સંપૂર્ણપણે કંટ્રોલ્ડ વાતાવરણમાં ખેતી કરવામાં આવે છે.
નાસાની આધિકારિક વેબસાઈટ https://earthobservatory.nasa.gov/ પર ગ્રીનહાઉસ ફાર્મિંગ વિશે સેટેલાઈટ ઇમેજીસ સાથેની આધારભૂત માહિતી જોવા મળશે. અહીં મળતી માહિતી મુજબ આજની તારીખે વિશ્વભરમાં 13,000 વર્ગ કિલોમીટર જેટલા વિસ્તારમાં ગ્રીન હાઉસ ફાર્મિંગ થઇ રહ્યું છે. આ પૈકીનો 60 % વિસ્તાર તો માત્ર ચીનમાં જ આવેલો છે. (ભારતના આંકડા જાણવા નથી મળ્યા) એનો સીધો અર્થ એ થાય કે ચીન ગ્રીન હાઉસ ફાર્મિંગ ક્ષેત્રે દમ લગાવીને દોડી રહ્યું છે. જાપાન પણ આ ક્ષેત્રે ખાસ્સી પ્રગતિ કરી રહ્યું છે. કદાચ એનું સૌથી મોટું કારણ છે ખેતીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સનો ઉપયોગ. ગ્રીન હાઉસ ફાર્મમાં આમેય પ્રતિકૂળ મોસમથી બચાવ થતો હોય, એમાંય વળી માણસને બદલે રોબોટ્સ કામ કરે તો અત્યંત ચોકસાઈપૂર્વક, અત્યંત ઝડપી કામ થાય. રોપણીથી માંડીને નીંદણ દૂર કરવા તેમજ ખાતર નાખવા જેવાં કામોમાં પણ અકલ્પનીય ચોકસાઈ આવવાથી પાકનો જથ્થો અને ગુણવત્તા બંનેમાં જબરદસ્ત વધારો નોંધાય.
હવે વાત કરીએ ડિઝાઈનની. ખેતીકામમાં વપરાતા મોટા ભાગના રોબોટ્સની બોડી મુખ્યત્વે ત્રણ એન્ડ ઇફેક્ટર, મેનીપ્યુલેટર અને ગ્રીપર જેવાં ત્રણ અંગો ધરાવે છે. અહીં બને એટલી સરળ રીતે થોડી બેઝિક બાબતો સમજવાની કોશિશ કરીએ. એન્ડ ઇફેક્ટર રોબોટિક આર્મ સાથે જોડાયેલ અંગ છે. આપણા હાથ સાથે જોડાયેલ પંજા જેમ વિવિધ કામો કરે છે, એ જ પ્રમાણે રોબોટિક આર્મ સાથે જોડાયેલ એન્ડ ઇફેક્ટર પણ વિવિધ પ્રકારનાં ખેતીકામોને અંજામ આપે છે. જાપાનના દ્રાક્ષના બગીચાઓમાં વપરાતા એન્ડ ઇફેક્ટર્સની રચના એ પ્રકારની હોય છે કે જેથી એ રોપણી, દવાનો છંટકાવ અને પાકેલી દ્રાક્ષને ચૂંટવાથી માંડીને પેકેજિંગ સુધીનાં કાર્યો કરી શકે છે. આ ઉપરાંત તે છોડની માવજત એ રીતે કરે છે, જેથી દ્રાક્ષના કદ અને આકાર એકસરખા લાગે. એ જ પ્રમાણે ગ્રીપરનો ઉપયોગ પાકની લણણી સમયે થાય છે. ગ્રીપરમાં તીક્ષ્ણ બ્લેડ હોય છે, જે આસાનીથી અને ચોકસાઈપૂર્વક પાક વાઢી શકે છે. મેનીપ્યુલેટરનું કામ એન્ડ ઇફેક્ટર અને ગ્રીપરને વાતાવરણ સાથે અનુકૂળ બનાવવાનું છે. એ ઉપરાંત મેનીપ્યુલેટર ગ્રીપરને પોઝિશન અને હાઈટ એડજસ્ટ કરવાનું કામ કરે છે.
સ્વાભાવિક છે કે જુદા જુદા પાક માટે વપરાતા રોબોટ્સ અલગ પ્રકારના હોઈ શકે છે. આ ઉપરાંત ખેતી માટે વપરાતાં સ્વયંસંચાલિત વાહનો પણ આજકાલ ટ્રેન્ડમાં છે. વધુ જાણકારી માટે યુટ્યૂબ પર અનેક રસપ્રદ વીડિયોઝ મળી રહેશે.
ચીન અને જાપાન તો રોબોટિક્સની સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ બહોળો ઉપયોગ કરતા થયા છે. આ રોબોટ્સ ફોટોગ્રાફ્સના આધારે પાક અને નિંદામણ વચ્ચેનો ફરક સમજી લે છે અને નિંદામણ દૂર કરી શકે છે. ઇન શોર્ટ, નજીકના ભવિષ્યમાં બીજા ક્ષેત્રોની સાથે જ પૌરાણિક વિદ્યા ગણાતી ખેતીમાં પણ એઆઈ અને રોબોટિક્સનો દબદબો જોવા મળવાનો છે, જે એકંદરે માનવસમાજના બહોળા હિતમાં હોઈ શકે છે.
ડ્રોન દ્વારા ખેતરોમાં થતા દવાના છંટકાવ વિષે આપણે જાણીએ છીએ. ભારત સરકારે શરૂ કરેલી `ડ્રોન દીદી' યોજના ગ્રામીણ મહિલાઓ સુધી ડ્રોન ટેક્નોલોજી પહોંચાડી રહી છે, પણ એગ્રિકલ્ચરલ રોબોટિક્સમાં આપણે હજુ ઘણું કરવાનું બાકી છે. આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં આપનો ખેતીપ્રધાન દેશ એગ્રિકલ્ચરલ રોબોટિક્સ ક્ષેત્રે અગ્રિમ હરોળમાં બિરાજે અને સાથે ફૂડ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ બાબતેય `બિગ પ્લેયર' બને.