આવતીકાલે 5 જૂન 2025ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી થવાની છે. દર વર્ષે એન્વાયર્નમેન્ટ ડે માટે ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘એન્ડિંગ ગ્લોબલ પ્લાસ્ટિક પોલ્યુશન’.
હકીકતે છેલ્લા થોડા વર્ષોમાં આપણે પર્યાવરણની ધોધમાર ચિંતાઓ કરતા થયા છીએ. આવતીકાલે છાપાઓના પાનાથી માંડીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સુધી બધે ‘પર્યાવરણ બચાવો’ની બૂમાબૂમ થઇ જશે, આ ગોકીરો સેવ કરવા માટે ગૂગલની સ્ટોરેજ સિસ્ટમ્સ કોણ જાણે કેટલો પાવર ફૂંકી મારશે. અને આ પાવર પેદા કરવા માટે કોણ જાણે કેટલા ટન કોલસો બળશે! એટલે આ લેખમાં પર્યાવરણ વિષે ડાહી ડાહી વાતો કરવાનો કોઈ મૂડ નથી. ભવિષ્ય વિષે કોઈ બિહામણી કલ્પના ય નથી કરવી. બલકે આજે તો એકદમ ‘પોઝિટીવ’ વિષય પર વાત કરીશું. વિષય છે, અણુયુદ્ધ પછીના ‘પ્રદૂષણ’માં તબાહ થઇ ગયા બાદ પૃથ્વી કેટલા વર્ષમાં ફરીથી ‘નોર્મલ’ થઇ શકે?
એક તદ્દન ભેજાગેપ કલ્પના કરો. ધારો કે ત્રીજા વિશ્વયુદ્ધમાં ઢગલાબંધ અણુબોમ્બ્સની સામસામી ફેંકાફેંકી થાય અને આપણે બધા સમુહમાં ગુજરી જઈએ! પછી શું? વૈજ્ઞાનિકો હવાના પ્રદૂષણને સૌથી વધુ જીવલેણ ગણે છે. મોટા પાયે ખેલાયેલું અણુયુદ્ધ હવાને એ હદે પ્રદુષિત કરી નાખે કે મોટા ભાગની દુનિયા પર ‘ન્યુક્લિયર વિન્ટર’ (સાયન્સ સફરનો 7 મેનો આર્ટિકલ) છવાઈ જાય. આ કૃત્રિમ શિયાળો પૃથ્વી પર ફરી એક વખત હિમયુગ તાણી લાવે તો ય નવાઈ નહિ! ન્યુક્લિયર વિસ્ફોટથી નીકળતું રેડિયેશન જીવતા રહી ગયેલા મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓને લાંબા સમય સુધી અસર કરે છે. આનાથી કેન્સર, આનુવંશિક બીમારીઓ અને પ્રજનન ક્ષમતામાં જબરદસ્ત ઘટાડો નોંધાય. સાથે જ અનેક પ્રજાતિઓનું નિકંદન નીકળી જવાથી પૃથ્વી પરની આહારશૃંખલા ભાંગી પડે.
ન્યુક્લિયર શસ્ત્રો દ્વારા પૃથ્વીનો નાશ થાય તો તેના પછી પૃથ્વીને આજના સ્વરૂપે પાછી ફરવામાં કેટલો સમય લાગે, એનો જવાબ ઘણા પરિબળો પર આધારિત છે. જેમ કે ન્યુક્લિયર વિસ્ફોટોની તીવ્રતા, શસ્ત્રોની સંખ્યા, અને વિનાશનું સ્તર.
ન્યુક્લિયર વિસ્ફોટથી નીકળતું રેડિયેશન (જેમ કે યુરેનિયમ-235 કે પ્લૂટોનિયમ-239) ઘણા વર્ષો સુધી પર્યાવરણમાં રહેવાનું! રેડિયોએક્ટિવ આઇસોટોપ્સની હાફલાઈફ (half-life) દાયકાઓથી લઈને હજારો વર્ષો સુધીની હોય છે. ઉદાહરણ તરીકે, સીઝિયમ-137ની હાફલાઈફ લગભગ 30 વર્ષ, જ્યારે પ્લૂટોનિયમ-239 ની હાફલાઈફ 24,000 વર્ષ છે. આનો અર્થ એ કે રેડિયેશનનું સ્તર ઘટવામાં અમુક દાયકાઓથી માંડીને હજારો વર્ષો સુધીનો સમય લાગી શકે! આ ઉપરાંત સમુદ્રની રાસાયણિક રચના પણ એ હદે બદલાઈ જાય, કે તેને સામાન્ય થવામાં લાખો વર્ષ લાગી જાય! ન્યુક્લિયર વિન્ટર 10-50 વર્ષ સુધી રહે, એ પછી ય પૃથ્વીનું વાતાવરણ અને તાપમાન સ્થિર થવામાં વળી બીજી સદીઓ નીકળી જાય. ન્યુક્લિયર વિન્ટર અને રેડિયેશનથી વનસ્પતિ, પ્રાણીઓ અને જમીનની ફળદ્રુપતાનો નાશ પામે. નુકસાન નાના પાયે થયું હોય તો ઇકોસિસ્ટમની પુનઃસ્થાપનામાં દાયકાઓથી માંડીને કેટલીક સદીઓ લાગે. પણ જો યુદ્ધ મોટા પાયે ખેલાયું હોય તો જૈવવિવિધતા પાછી આવવામાં હજારો કે લાખો વર્ષો ય લાગી જાય!
ટૂંકસાર એટલો જ કે જો નાના પાયે ન્યુક્લિયર યુદ્ધ થાય તો 100-500 વર્ષના ગાળા દરમિયાન પૃથ્વીના નોર્મલ થવાની શરૂઆત થઇ જાય. જો વ્યાપક ન્યુક્લિયર યુદ્ધ ખેલાયું હોય તો પૃથ્વી આજના સ્વરૂપે પાછી ફરવા માટે હજારો થી લાખો વર્ષ લાગી શકે છે, અને માનવ સભ્યતા કદાચ આજના સ્વરૂપે ક્યારેય પાછી ન આવે. અને જો રેડિયેશન અને ન્યુક્લિયર વિન્ટરની અસર ખૂબ ગંભીર હોય, તો પૃથ્વી ક્યારેય વસવાટ લાયક ન બની શકે! માનવજાતનું કાયમી ધોરણે નિકંદન!
હવે પ્રશ્ન એ કે શું ભૂતકાળમાં ક્યારેય પૃથ્વીએ આવી મહાવિનાશક આપદા વેઠી છે? જવાબ છે હા. આ મહાવિનાશક ઘટના એટલે ‘ક્રિટેશિયસ-પેલિયોજીન (K-Pg)’ના વૈજ્ઞાનિક નામે ઓળખાતી મહાવિનાશક ઘટના, જેને કારણે ડાયનોસોર સહિતના અનેક સજીવોનો નાશ થયો. લગભગ 66 મિલિયન વર્ષ પહેલાં ઘટેલી આ ઘટનામાં વિશાળ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયો. પરિણામે ડાયનોસોર સહિત પૃથ્વી પરની લગભગ 75% જાતિઓ લુપ્ત થઈ ગયેલી! આ ઘટના બાદ પૃથ્વીની ઇકોસિસ્ટમને પોતાના મૂળ સ્વરૂપે પાછા આવવામાં લાંબો સમય લાગ્યો. વૈજ્ઞાનિક અધ્યયનો અનુસાર, પૃથ્વીની જૈવવિવિધતા અને ઇકોસિસ્ટમને સ્થિર થવામાં લગભગ 5 થી 10 મિલિયન વર્ષ લાગેલા! આ સમયગાળા દરમિયાન, વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય જીવોની નવી પ્રજાતિઓ ઉદભવી, જેમણે ડાયનોસોરના અંત પછી પેદા થયેલો ‘ઇકોલોજીકલ ખાલીપો’ (ecological niches) ભરી દીધો. આ પ્રક્રિયા ધીમે-ધીમે થઈ, અને સંપૂર્ણ પુનઃસ્થાપન માટે લાખો વર્ષોની જરૂર પડી. રસપ્રદ બાબત એ છે કે ક્રિટેશિયસ-પેલિયોજીન ઘટના વખતે હવામાં ઉડનારા – એવિયન ડાયનોસોર્સ બચી ગયા, જે ઉત્ક્રાંતિ પામીને પક્ષીઓમાં રૂપાંતરિત થયા. હવે વિચારો કે અણુયુધ્ધમાં બધું તબાહ થઇ જાય, તો કઈ પ્રજાતિ શેષ બચે અને પાંચ-દસ મિલિયન વર્ષની ઉત્ક્રાંતિ પામ્યા બાદ એ પ્રજાતિ કયા સ્વરૂપે વિચરતી જોવા મળે? પર્યાવરણ દિવસની શુભકામનાઓ.