શ્રાવણ વદ અગિયારસ `અજા' એકાદશી તરીકે સુપ્રસિદ્ધ છે. રાજા હરિશ્ચન્દ્રે આ એકાદશી વ્રતના પ્રભાવે પૂર્ણ સુખ અને રાજવૈભવ ભોગવ્યાં હતાં. અજા એકાદશી કરનારને કુદરત અનુકૂળ, સાનુકૂળ બની રહે છે. જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું અર્ચન-પૂજન કરી આ વ્રત કરે છે તેનાં સર્વ પાપો નાશ પામે છે.


એક પૌરાણિક કથા પ્રમાણે ઈન્દ્રે ભગવાન શંકરને સ્વર્ગમાં પધારવા આમંત્રણ પાઠવ્યું. પશુપતિનાથ પધાર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

ઈન્દ્રના દરબારમાં સ્વર્ગીય મંચ પર અપ્સરાઓનું નૃત્ય, ગંધર્વોનું ગીતવાદન છતાં મહેશ્વરના મુખ પર પ્રસન્નતાની રેખા ન હતી. ઈન્દ્રે નારદજીને પૂછ્યું, `આ પરમ પવિત્ર શ્રાવણ માસ છે, વળી અજા એકાદશી જેવો પવિત્ર દિવસ છે, છતાં શિવજીના મુખ પર પ્રસન્નતા દેખાતી નથી. માટે શિવજી પ્રસન્ન થાય તેવો ઉપાય બતાવો.'

નારદજીએ કહ્યું, `તમે બધા દેવો ભોગવાદી છો. શિવજી પશુપતિનાથ છે, માટે પૃથ્વીલોકમાંથી પશુઓ લઈ આવો. દરેક પ્રાણી પોતપોતાની ઉત્કૃષ્ટ કલા દર્શાવે તો કદાચ શિવજી પ્રસન્ન થાય.'

ઈન્દ્રની આજ્ઞાનો અમલ થયો. સ્વર્ગીય મંચ પર સિંહ, વાઘ, દીપડો, હાથી, ચિત્તો, વરુ વગેરેએ પોતાનું કૌશલ્ય બતાવ્યું, તો પણ શિવજી પ્રસન્ન ન દેખાયા. એકાએક એક કાચબો મંચ પર આવ્યો. ઉત્કૃષ્ટ કલા દાખવનાર કલાકાર પશુઓએ વિરોધ કર્યો. આ મંચ પર ક્ષુદ્ર કાચબાને સ્થાન ન હોય.

નારદજીની નજર કાચબા ઉપર પડી. તેમણે કહ્યું, `કાચબો પણ પૃથ્વીલોકનું પ્રાણી છે, તેને અટકાવી ન શકાય.'

કાચબાએ ભગવાન આશુતોષને વંદન કર્યાં, સિંહે કાચબાને મારવા પંજો ઉગામ્યો. કાચબાએ પ્રતિકાર કર્યાં સિવાય પોતાના અવયવો અંદર ખેંચી લીધા. સિંહના પંજાની કંઈ અસર ન થઈ. આમ, દરેક પશુઓએ પ્રહાર કરી જોયા, પરંતુ પથ્થર જેવી પીઠ પર કંઈ અસર ન થઈ.

કાચબાનું આ અલૌકિક અને ઉત્કૃષ્ટ કૌશલ્ય નિહાળી શિવજી પ્રસન્ન થયા, ઈન્દ્ર પણ આનંદ પામ્યા.

શિવજીએ નિર્ણાયકની અદાથી કહ્યું, `આજની સ્પર્ધામાં પહેલું સ્થાન આ કાચબાને મળે છે.' કાચબાએ નતમસ્તકે નમસ્કાર કર્યાં, બસ! તે દિવસથી શંકરના દરેક મંદિરમાં કાચબાને સ્થાન મળી ગયું. કાચબો એક મહાન શક્તિનું પ્રતીક છે. તેનાં દર્શન કર્યા વિના શિવજીનાં દર્શન થાય નહીં. કાચબાની માફક જેની પીઠ અભેધ બની છે, એવા વ્રતધારીને કનક, કાંતા કે કીર્તિના આઘાતો વિચલિત કરી શકતા નથી. કાચબા પાસે પોતાનાં અંગો ખેંચી લેવાની અમોઘ શક્તિ છે. આ દૃષ્ટાંત દ્વારા વ્રતીએ સંયમનું મહત્ત્વ સમજવાનું છે. વિષયો પ્રમુખનિર્મિત છે અને શક્તિશાળી છે તેથી સ્થિતપ્રજ્ઞ બનવાની જરૂર છે. સ્થિતપ્રજ્ઞ પાસે કાચબા જેવી ઉત્કૃષ્ટ કલા છે, માટે વિષયોમાંથી પોતાની ઈન્દ્રિયોને ખેંચી લે છે. માટે આ કલા કાચબા પાસેથી શીખો, કારણ કે વ્રતી માટે આ જીવનની ઉત્કૃષ્ટ કલા છે.

શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને સત્યવાદી હરિશ્ચંદ્રની કથા કહી સંભળાવતા કહે છે કે, `આ વ્રત કરવાથી હરિશ્ચંદ્રને પત્ની તારામતીનો અને પુત્ર રોહિતનો મેળાપ થયો. મૃત્યુ પામેલ પુત્ર રોહિતને જીવતદાન મળ્યું હતું. સ્વર્ગમાંથી દેવોએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી અને રાજા હરિશ્ચંદ્રને ગુમાવેલું રાજ્ય પુન:પ્રાપ્ત થયું. અંતકાળે તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી.'


  • Follow us on: